કોંગ્રેસમાં ઘમસાણઃ સિબ્બલના ઘરે થયેલા પ્રદર્શનને આનંદ શર્માએ ગણાવ્યા 'ગુંડાગર્દી', કહ્યું- સોનિયા એક્શન લે
- કપિલ સિબ્બલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે જી-હુજૂર ગ્રુપ નથી, કમસે કમ અમે અમારી વાત રાખી રહ્યા છીએ અને આગળ પણ રાખતા જઈશું
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર
પંજાબ કોંગ્રેસના રાજકીય દંગલની આંચ હવે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે. જી-23 ગ્રુપના હિસ્સા અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ગત રોજ જે રીતે કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરોએ તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ આની નિંદા કરી છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે એક્શનની માગણી કરી છે.
કોંગ્રેસી નેતા આનંદ શર્માએ ગુરૂવારે ટ્વીટમાં લખ્યું હતું કે, કપિલ સિબ્બલના ઘર બહાર થયેલા હુમલા અને ગુંડાગર્દીના સમાચાર ચોંકાવનારા છે. આ પ્રકારની એક્શન પાર્ટીને બદનામ કરે છે અને તે નિંદનીય છે. આનંદ શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો રહ્યો છે. અલગ-અલગ વિચારો આંતરિક લોકશાહીની નિશાની છે, અસહિષ્ણુતા-હિંસા કોંગ્રેસના વિચારોથી અલગ છે. આ માટે જે પણ જવાબદાર છે તેમની ઓળખ મેળવીને એક્શન લેવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિનંતી છે કે, તેઓ આ મામલે એક્શન લે.
Congress has a history of upholding freedom of expression . differences of opinion and perception are integral to a democracy. Intolerance and violence is alien to Congress values and culture.
— Anand Sharma (@AnandSharmaINC) September 30, 2021
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામુ આપી દીધું ત્યારે કોંગ્રેસનું બહુચર્ચિત જી-23 ગ્રુપ એક્ટિવ થયું હતું. કપિલ સિબ્બલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ હાઈકમાન સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલે જણાવ્યું કે, અમને ખબર હોવા છતાં ખબર નથી કે પાર્ટી કોણ ચલાવી રહ્યું છે, કોણ લીડ કરી રહ્યું છે.
કપિલ સિબ્બલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે જી-હુજૂર ગ્રુપ નથી, કમસે કમ અમે અમારી વાત રાખી રહ્યા છીએ અને આગળ પણ રાખતા જઈશું. કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો બાદ કોંગ્રેસી કાર્યકરોએ દિલ્હીના ચાંદની ચોક ખાતે તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન કેટલીક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
Comments
Post a Comment