'તમામ દીકરાઓએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે, નહીં તો...', સીતામઢી ખાતે અફવાના કારણે દુકાનો પર જામી ભીડ


- અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

બિહારના સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટ (Parle-G) સાથે સંકળાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ છે કે, ત્યાંની કરિયાણાની દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. હકીકતે સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટને જીતિયા વ્રત સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં જેટલા પણ દીકરાઓ છે તે બધાએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે નહીં તો તેમના સાથે કશુંક અઘટિત બની શકે છે. 

જીતિયા વ્રતના (જીવિત પુત્રિકા) દિવસે પુત્રના દીર્ઘ, આરોગ્યવર્ધક અને સુખમયી જીવન માટે માતાઓ વ્રત રાખે છે. પછી તો શું, જોતજોતામાં દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જ ઉમટી પડી. અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, ત્યાંની દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો. જાણવા મળ્યા મુજબ હજુ પણ લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે. 

સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિતના અનેક પ્રખંડોમાં આ અફવા ફેલાઈ ચુકી છે. અફવા ક્યારે અને ક્યાંથી ફેલાઈ તે વિશે કોઈ નથી જાણતું પરંતુ આ અફવાના કારણે બિસ્કિટના વેચાણમાં અચાનક જ તેજી આવી ગઈ હતી. 

ગુરૂવારે મોડી રાત સુધી લોકો પાર્લે જી બિસ્કિટ ખરીદતા જોવા મળ્યા હતા. લોકોને તેઓ પાર્લે જી બિસ્કિટ શા માટે ખરીદી રહ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પાર્લે જી બિસ્કિટ ન ખાવાથી કશુંક અઘટિત બની શકે છે તેમ જણાવ્યું હતું. દુકાનદારોએ પણ બધા લોકો ફક્ત પાર્લે જી બિસ્કિટ માગી રહ્યા છે તેની પૃષ્ટિ કરી હતી. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો