લતાજી જેવોજ લગભગ અભિપ્રાય ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનનો છે

આજે મહિનાનો છેલ્લો શુક્રવાર. છેલ્લો શુક્રવાર આપણે ટીનેજર્સને ગમતાં ગીતોની વાત કરવા માટે અલગ રાખ્યો છે. કેટલાક છેલ્લા શુક્રવારથી આપણે હાલ ટોચના ગણાતા સંગીતકાર પ્રીતમની વાતો કરતા રહ્યા છીએ.

આજે એમની વાત વચ્ચેથી અટકાવીને એક મહત્ત્વના મુદ્દાની વાત માંડવી છે. આ વર્ષના માર્ચમાં સ્વરકિન્નરી લતાજીએ હાલના સંગીતકારોને ટકોરતાં એક નિવેદન પ્રગટ કર્યું હતું. એમાં બે મહત્ત્વના મુદ્દાની છણાવટ કરી હતી.

પહેલો મુદ્દો એ હતો કે અગાઉ આજના જેવી ટેક્નોલોજી નહોતી, આજના જેવા ઇલેક્ટ્રોનિક સાજ નહોતાં. ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ કહેવાય છે એવા એે સમયગાળામાં અત્યંત પરિશ્રમપૂર્વક ગીતકારો અને સંગીતકારોએ જે યાદગાર ગીતો સર્જ્યાં છે એને રિમિક્સ દ્વારા નષ્ટ ન કરો... બીજો મુદ્દો એ હતો કે કંઇક નવું પીરસો, કંઇક મૌલિક પીરસો.

અહીં 'મૌલિક' શબ્દ મહત્ત્વનો છે. ૧૯૪૫થી ૧૯૭૦ વચ્ચેના સમયગાળામાં સંગીતકારોેએ નાટયસંગીત, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતના ભવ્ય વારસામાંથી કેટલોક માલ તૈયાર ઊંચકી લઇને કે વિદેશી તર્જોના ભારતીયકરણ દ્વારા, એવું કામ કરી બતાવ્યું જેને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. એ અર્થમાં એ સમયનું સંગીત 'મૌલિક' બની રહ્યું.

માણસ વૃદ્ધ થાય ત્યારે ભૂતકાળની વાતો મમળાવે છે એવી એક ખરી-ખોટી લોકોક્તિ છે. લતાજી અત્યારે આવરદાના નવમા દાયકામાં છે એટલે વયસ્ક ગણાય. પરંતુ એ આર રહેમાનનું શું ? રહેમાને તો હજુ તો માત્ર પચાસ વર્ષ પૂરાં કર્યાં છે. ( એ હાલ ૫૧ વર્ષના છે.) ઓસ્કાર એવોર્ડ મેળવનારા રહેમાન પહેલા ભારતીય સંગીતકાર છે. 

તાજેતરમાં રહેમાને આપણે હેબતાઇ જઇએ એવી એક જનોઇવઢ ટકોર કરી. તેમણે કહ્યંુ કે બોલિવૂડની હાલની ફિલ્મોનું સંગીત 'મા વિનાના નમાયા બાળક' જેવું છે. એક ફિલ્મમાં બે ત્રણ સંગીતકાર હોય અને દરેક માત્ર પોતે સ્વરબદ્ધ કરેલું ગીત હિટ નીવડે એવા પ્રયાસો કરે એમાં સરવાળે ફિલ્મના સંગીતનો ખો નીકળી જાય છે. 

કોઇ ફિલ્મમાં એક કરતાં વધુ સંગીતકાર હોય એવું અગાઉ પણ બની ચૂક્યું છે. ૧૯૪૦, '૫૦ અને '૬૦ ના દાયકામાં પણ એવું બન્યું છે. ક્યારેક એવંુ બનતું કે મૂળ સંગીતકાર અકાળે અવસાન પામે અને બીજા સંગીતકાર ફિલ્મ પૂરી કરે. આવું બન્યાનો શ્રેષ્ઠ દાખલો કમાલ અમરોહીની યાદગાર ફિલ્મ પાકિઝા હતી. એના સંગીતકાર ગુલામ મુહમ્મદના ઇંતેકાલના પગલે અધૂરું રહેલું કામ નૌશાદ સાહેબે પૂરંુ કર્યું. એ જ રીતે એક ફિલ્મમાં એક કરતાં વધુ સંગીતકાર હોય એવા દાખલા પણ ઘણા મળે.

બે જુદા જુદા સંગીતકારોએ ફિલ્મનાં ગીતો વહેંચી લીધાં હોય એવું પણ બન્યું છે. અરે, ફિલ્મનાં ગીતો એક સંગીતકારે સ્વરબદ્ધ કર્યાં હોય અને બેકગ્રાઉન્ડ સ્કોર બીજા સંગીતકારે તૈયાર કર્યું હોય એવા પણ ઘણા દાખલા છે. સ્થળસંકોચના કારણે એની વિગતેે ચર્ચા અહીં ટાળી છે.

પરંતુ રહેમાને જે સંદર્ભમાં બોલિવૂડની હાલની ફિલ્મોના સંગીતને 'નમાયા બાળક' જેવું ગણાવ્યું એનો ગૂઢાર્થ સમજવા જેવો છે. અંગ્રેજીમાં જેને ઇન્વોલ્વમેન્ટ કહે છે, પોતાના કામમાં સ્થળકાળનું ભાન ભૂલીને ઓતપ્રોત થવાની જે વાત છે એનું મહત્ત્વ છે. ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ ગાયક કુમાર ગંધર્વે એકવાર કહેલું, ક્યારેક રાગના સ્વરો મારા પર એવા છવાઇ જાય છે કે હું ક્યાં છું અને શું ગાઇ રહ્યો છું એનું મને ભાન રહેતું નથી. માત્ર રાગના સ્વરો મારી આસપાસ વર્તુળાકાર આંદોલનો રૂપે ઘૂમતા રહે છે... સ્વરો સાથેનું આ અદ્વૈત, આ સાયુજ્ય આજના કેટલા ફિલ્મ સંગીતકારોમાં જોવા મળે છે એ વિચારવા જેવું છે. 

કીબોર્ડના સિન્થેટિક સાઉન્ડ સાથે સંગીતકાર પણ યાંત્રિક રીતે કામ કરીને ચાલતા થાય તો એ ગીતમાં ચિરંજીવતા ક્યાંથી પ્રગટે ? એવો રહેમાનના સૂચિતાર્થનો સાર છે. રહમાને જે દેશી-વિદેશી ફિલ્મ સર્જકો સાથે કામ કર્યું છે એ સર્જકો કહે છે, રહેમાન અમારી જરૂરિયાતને સમજીને એને પૂરેપૂરી સમર્પિતતાથી વળગી રહે છે.

આ સમર્પિતતા, પોતાનું સંપૂર્ણ આપી દેવાની આ તત્પરતા ભળે તો સ્તનપાન કરતા બાળક અને માતાની આત્મીયતા પ્રગટે. બાકી મલ્ટિટ્રેક રેકોર્ડિંગની સુવિધા હોવાથી એકવાર લયવાદ્યો આવીને રેકોર્ડ કરી જાય, બીજીવાર ગાયક આવીને ગાઇ જાય અને ત્રીજીવાર અન્ય વાદ્યો આવીને કામ કરી જાય. પછી મિક્સીંગ શરૂ થાય. એ રોબોટ જેવું કામ થયું, સર્જનાત્મક ન થયું. 

પાંચ દાયકાની સફળતમ કારકિર્દી અને ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે કંઠ આપનારાં લતાજી, ઉપરાંત ઓસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર એ આર રહેમાનનાં આ વિધાનો સમજીને આજની પેઢીના સંગીતકારો કંઇક યાદગાર સર્જે એવી લાગતા-વળગતા સૌ કોઇને શુભેચ્છા ! 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો