ટચુકડા ગામડાની અનોખી રાષ્ટ્રભક્તિ

ગામડું કોને કહેવાય? જ્યાંનું વાતાવરણ જોઈ મડુ પણ બેઠું થઈ જાય અને રંગમાં આવી ગા... ગા કરવા માંડે એ સાચું ગા-મડું. દૂર છત્તીસગઢમાં ફક્ત ૧૩૦૦ની વસતીવાળું શ્યામનગર ગામડું આવું જ એક આદર્શ- ગ્રામ સાબિત થયું છે.

એનડીએ સરકારે સૂત્ર આપ્યું છે સબ કા સાથ, સબ કા વિકાસ. પણ શ્યામનગરે સરકારના સાથ વિના ગ્રામજનોના મજબૂત હાથથી વિકાસની કેડી કંડારી છે. દરેક ગ્રામવાસીના હૈયામાં દેશભક્તિની ભાવના જાણે ઠાંસોઠાંસ ભરી છે.

સવારે ૮.૫૯ વાગ્યે આખા ગામડામાં ઠેર ઠેર ગોઠવેલા લાઉડ સ્પિકરમાં રાષ્ટ્રગીતની સુરાવલી રેલાવાની શરૂઆત થાય એ સાથે જ દરેક જણ જ્યાં હોય ત્યાં ઉભા રહીને રાષ્ટ્રગીતને માન આપે છે.

ગૃહિણી રસોડામાં હોય તો ઉભી રહી જાય છે, ખેતરોમાં હળ ચલાવતા ખેડૂતો ટટ્ટાર ઊભા રહી જાય છે. ગામડાની નિશાળમાં બાળકો ઊભા થઈ જાય છે. રાષ્ટ્રગીત પૂરું થાય ત્યાં સુધી આખું ગામડું  જીવંત પૂતળામાં ફેરવાઈ જાય છે. રાષ્ટ્રગીતની સૂરાવલી દરેક વ્યક્તિ સુધી પહોંચે માટે ફંડફાળો ભેગો કરી આખી સાઉન્ડ સિસ્ટમ વસાવી છે અને આખા ગામમાં ઊંચા થાંભલા પર લાઉડ સ્પિકરના ભૂંગળા ગોઠવ્યા છે. ગામના બધાજ વિકાસકાર્યો ગ્રામજનો પૈસા ભેગા કરી ભેગા મળી પાર પાડે છે.

અત્યાર સુધીમાં ૨૫ લાખનું ફંડ ભેગું થયું છે. શ્યામનગરની નિશાળમાં બાળકોની પૂરેપૂરી હાજરી હોય છે. બાળકોને શૈક્ષણિક ફિલ્મ દેખાડવા પ્રોજેક્ટર ખરીદવામાં આવ્યું છે. આજે દેશમાં કેટલાય ગામડાઓ તૂટતા જાય છે, લોકો રોજગારી માટે શહેર તરફ જાય છે. પણ શ્યામનગરમાં તો એટલો વિકાસ થયો છે કે શહેર ભણી ગયેલા પણ પાછા વળવા માંડયા છે. આને કહેવાય વિકાસ. કહે છે ને કે

જ્યાં સહું વચ્ચે સંપ છે

વિકાસ ભણી નજર છે

એ આદર્શ ગ્રામ

શ્યામનગર છે.

મંત્રી અને મંત્રની શક્તિ
મંત્રમાં શક્તિ છે અને મંત્રી પાસે સત્તા છે. મંત્રથી આંતરિક શક્તિ મળે છે અને મંત્રી બહાર સત્તા જમાવતા જોવા મળે છે. પરંતુ થોડા સમય પહેલાં  જાણવા મળ્યું હતું કે ગોવામાં મંત્ર અને મંત્રીની જુગલબંધી જામી છે. એક હિન્દી અખબારના અહેવાલ મુજબ ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈએ સારો પાક ઉગાડવા મંત્રશક્તિ કામે લગાડી છે. મંત્રીઆવાસ પાસે એક ખેતરમાં વૈદિક મંત્રની ટેકનિક શરૂ કરી છે. ખેતરમાં કામ કરતા ખેડૂતો ઓછામાં ઓછી ૨૦ મિનિટ ધ્યાનમાં બેસે છે અને મંત્રોનો જાપ કરે છે. આ મંત્રોચ્ચારને લીધે ફસલમાં કોસ્મિક ઊર્જાનો સંચાર થાય છે એવું માનવું છે. નવસર્જન મંત્રથી સારો પાક લણાય એમ ભારતે નવસંહાર મંત્રથી પાક (પાકિસ્તાન) હણાય એવાં જાપ કરવા જોઈએ.

દેશનું પહેલું ગાય અભયારણ્ય રાજસ્થાનમાં
દિકરીને ગાય દોરે ત્યાં જાય એવી કહેવત  છે. ગાયને માતા ગણવામાં આવે છે. સરકારે ગોવંશ હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ ગાયોની રક્ષાને નામે માનવહત્યા થાય છે એને કોણ રોકશે? ફક્ત ગાયોને રૂપિયા બે રૂપિયાનું ઘાંસ ખવડાવીને ધર્મનું પાલન કર્યાનો સંતોષ શહેરીજનો માનતા હોય છે.

પણ એ જ ગાયો જ્યારે ઉકરડે ફરી ભૂખની મારી પ્લાસ્ટિક સુધ્ધા ખાઈ જાય અને પછી તેના પેટનું ઓપરેશન કરી કેટલાય કિલો પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે ત્યારે લોકોના મનમાં પીડા થતી હશે કે નહીં? આ વસમી વાસ્તવિકતા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે ગાયોને માટે પહેલું અભયારણ્ય રાજસ્થાનના બિકાનેર પાસે નાપાસર કસ્બામાં સ્થપાવાનું છે.

આ વર્ષે અભયારણ્ય તૈયાર થઈ જાય તેની પૂરજોશમાં કોશિશ ચાલે છે, કારણ ચૂંટણી છે ને? આ અભયારણ્યમાં ગાયોની સારસંભાળ લેવામાં આવશે અને બીમાર ગાયોનો ઈલાજ પણ કરવામાં આવશે. ગૌરક્ષાને નામે અવારનવાર બનતા માનવહિંસાના બનાવોથી વ્યથિત થતા ઘણાં લોકો પૂછે છે કે હવે શું માનવ પણ જ્યાં ભય વિના રહી શકે એવું કોઈ માનવ- અભયારણ્ય રચાય એની વાટ જોવી પડશે?

એકમાત્ર ધૂમ્રપાનમુક્ત ગામ
યે ધૂઆં કહાં સે ઊઠતા હૈ.... યે દિલ કે જહાં સે ઉઠતા હૈ.... શાયરે ભલે લખ્યું હોય કે ધૂમાડો દિલમાંથી નીકળે છે, બાકી હકિકતમાં તો ગામ હોય, ગામડું હોય, નગર હોય કે મહાનગર હોય, બધે સિગારેટ કે બીડી ફૂંકનારાઓના મોઢામાંથી ધૂમાડો નીકળતો હોય છે. આ પરસ્થિતિમાં ગામના મુઠ્ઠીભર લોકો નહીં પણ આખું જ ગામ ધૂમ્રપાન ન કરતું હોય એવું કોઈ કહે તો માન્યામાં ન આવે. પણ આ માનવાની નહીં હકિકત જાણવાની વાત છે. હરિયાણા અને રાજસ્થાનની સીમા પર વસેલા ટીકલા ગામમાં કોઈ બીડી, સિગારેટ નથી પીતું કે તમાકું નથી ખાતું.

દાયકાઓથી ૧૫૦૦ની વસતી ધરાવતા ટીકલા ગામના લોકોએ વ્યસનમુક્તિની પરંપરા જાળવી છે. ગામમાં કોઈને ત્યાં બહારગામથી મહેમાન આવે ત્યારે તેને પણ યજમાન તાકીદ કરી જ દે છે કે ટીકલામાં જેટલાં દિવસ રહો એટલા દિવસ સિગારેટ- બીડી પી નહીં શકો. કયારેક કોઈ અજાણી વ્યક્તિ ગામમાં પ્રવેશે ત્યારે તેને પહેલો સવાલ કરવામાં આવે છે કે ખીસ્સામાં બીડી- સિગારેટના કે ગુટખા- તમાકુના પેકેટ તો નથીને? જો પેલો હા પાડે તો ત્યાંને ત્યાં ખાલી કરાવી નાખવામાં આવે છે અને પછી જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.

આજે આ ખોબા જેવડાં ગામડાના લોકો દૂર દૂર સુધી વ્યસન- મુક્તિનો સંદેશ પહોંચાડે છે. બાકી બીજે બધે જ્યાં સિગારેટ- બીડી ફૂંકતા ફૂંકણશીઓ 'પ્રાણ જાય પર 'વ્યસન' ન જાય' એ સૂત્રને વળગી જીવન ટૂંકાવતા હોય છે. એમને જીવન ટકાવવા ટીકલા મોકલવાની જરૂર છે.

ગુરુની હિંમત અપરંપાર તારથી નદી પાર

સદગુરૂ મળી જાય તો માણસને ભવસાગર પાર કરાવી દે છે એમ કહેવાય છે. પરંતુ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં એક નિષ્ઠાવાન શિક્ષક નદીને સામે કાંઠે આવેલી ગામડાની નિશાળના બાળકોને ભણાવવા જવા માટે તારથી નદી પાર કરે છે. ત્યાંની જિંબા નદી પરનો પુલ ભારે વરસાદ અને પુરના પાણીમાં તૂટી પડયો. એટલે ગામવાળાએ એક તાર ઉપર અને એક તાર નીચે બાંધી પોતાની રીતે નદી ઉપર રોપ-વે બનાવી દીધો.

આ રોપ-વેની ઉપર સંતુલન જાળવીને જોધસિંહ નામના શિક્ષક રોજ ધસમસતી જિંબા નદી પાર કરી સ્કૂલે જઈને બાળકોને ભણાવે છે અને સમય પૂરો થતા પાછા આજ રીતે જોખમ ઊઠાવીને ઘરે પાછા ફરે છે. બાળકોનું ભણતર ન રખડી પડે માટે શિક્ષકની  કેવી નિષ્ઠા કહેવાય? આ જોખમી રોપ-વે ઉપરથી અવરજવર કરતા શિક્ષકનો વિડિયો વાઈરલ થયા પછી ઉત્તરાખંડની સરકારને કામચલાઉ પૂલ બાંધવાનું સૂઝેે તો સારું. બાકી તો ગુરુની પોતાના શિષ્યો પ્રત્યેયની ફરજનિષ્ઠા જોઈને કહેવું પડે કે:

ગુરૂની હિંમત કેવી અપરંપાર?

રોજ તારથી નદી કરે પાર.

પંચ- વાણી

માણસ પ્રેમમાં પડે ત્યારે રંગીન સપનામાં ખોવાઈ જાય છે અને પરણે એટલે આંખ ખુલી જાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે