તંત્રી લેખ: ફડણવીસની વ્યાકુળતા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હવે ચોતરફથી ઘેરાઇ ગયા છે અને એમને ઈન્દ્રાસનની ચિંતા સતાવવા લાગી છે. તેઓ બહારથી મરાઠા અનામત આંદોલનના મોટા પડકાર સામે ઝઝૂમી રહ્યા છે અને ભીતરથી તો તેઓ એક જ જાણે છે કે મંત્રીમંડળના તેઓના સાથીદારો પણ હવે માત્ર બહારની ઠાવકાઇ રાખે છે એટલું જ, ખરેખર તો તેઓની સાથેના સંબંધોમાં પણ આછી તિરાડ દેખાવા લાગી છે.

ફડણવીસમાં પણ ભાજપના ટોચના નેતાઓમાં હોય છે એવી આપખુદી તો છે જ અને અગાઉ સંખ્યાબંધ નિર્ણયો એકલે હાથે લીધેલા હોવાને કારણે સંબંધિત વિવિધ ખાતાઓના પ્રધાનો પણ તેમનાથી નારાજ છે. એક તો સાથી પક્ષ શિવસેના દ્વારા અવાર નવાર ટીકાટિપ્પણનો તોપમારો ચાલુ રહે છે અને તેમાં હવે મરાઠા આંદોલન અનિર્ણયાત્મક રીતે આગળ વધતા અને તત્ સંબંધિત કાનૂની આંટીઘૂંટીનો ઉકેલ ન આવતા હવે તેઓ જાણે કે એકલા પડી ગયા હોય તેવી તેમની હાલત છે.

થોડા સમય પહેલા જ તેમણે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે મરાઠા આંદોલનનો મામલો હાઇકોર્ટમાં છે અને મારા હાથ બંધાયેલા છે. જો કે એ બેઠકમાં તેમના ચહેરા પરની તંગદિલી, તેમના શબ્દોથી અધિક વાચાળ હતી અને હજુ આજ સુધીની તેમની એ ચિંતારેખાઓ ચહેરા પરથી  શમી નથી.

સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સોળ ટકા અનામત મેળવવાની રજૂઆત સાથે મરાઠી યુવક-યુવતીઓ હજુ પણ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે; તેમનું એક અલગ જ તર્કશાસ્ત્ર છે અને તેઓનું સંશોધન, ડેટા, એનાલિસિસ રાજ્ય સરકારને ચૂપ કરી દેવાની દિશામાં પ્રવૃત્ત છે. મહારાષ્ટ્ર રાજ્યના ભાજપ સંગઠનથી પણ ફડણવીસ સ્હેજ દૂર ચાલતા જણાય છે. કારણ કે મરાઠા આંદોલન વખતે આ સંગઠને, સરકારની પડખે રહેવાની કોઇ જવાબદારી સ્વાભાવિક રીતે જ નિભાવી ન હતી. 'મંત્રાલય' તરીકે ઓળખાતા સચિવાલયમાં પોતાની ચેમ્બરમાં પણ ફડણવીસ હવે તો કલાકો સુધી એકાંત માણતા જોવા મળે છે, જે એકાંતમાં ચિંતન શૂન્ય હોય છે અને ચિંતાઓનો ઘેરાવો ઘટાટોપ હોય છે. સામાન્ય રીતે દેશના કોઇપણ રાજ્યના મુખ્યપ્રધાનને આવું એકલાવાયાપણું  નસીબ હોતું નથી.

ભાજપના અન્ય નેતાઓની જેમ દેવેન્દ્ર ફડણવીસને પણ ચોકલેટ વહેંચતા રહેવાનો શોખ છે. તેમણે મરાઠા આંદોલનકારીઓને હમણાં જ એમ કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં વિવિધ ૭૨,૦૦૦ જગ્યાઓ માટે ભરતી કરવાની છે, આ ભરતીમાં ૧૬ ટકા જગ્યાઓ એડવાન્સ અનામત રાખવામાં આવશે અને હાઇકોર્ટનો ચૂકાદો આવે ત્યાં સુધી એ જગ્યાઓ પર ભરતી નહિ થાય. ખુદ ફડણવીસ જાણે છે કે બંધારણ શું કહે છે અને અગાઉના અનેક ચૂકાદાઓનો સંપુટ તેમના ટેબલ પર જ છે, છતાં તેઓ આંદોલનકારીઓને ચોકલેટ આપતા રહે છે.

માત્ર ફડણવીસ જ નહિ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિવિધ આંદોલનોને 'છાના' રાખવા માટે અનેક પ્રકારની તર્કવિતર્કયુક્ત ચોકલેટોની લ્હાણી કરવાનો ઉપક્રમ જારી રાખેલો છે. ફડણવીસે કહ્યું છે કે જે ૧૬ ટકા ભરતીની જગ્યાઓ અમે પેન્ડિંગ રાખીશું તે બેકલોગ તરીકે બાકી રહેશે. મુખ્યપ્રધાનની પરિભાષા જ ભવિષ્યના આંદોલનોના વાવેતર કરવાની 'કુશળતા' ધરાવે છે.

તેઓ એક શાસનકર્તા તરીકે પોતાના રાજ્યની પ્રજાને અને આંદોલનકારીઓને સત્ય કહેતા અચકાઇ રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ રાવ સાહેબ દાનવે તો આજકાલ કઇ દુનિયામાં છે એ જ ફડણવીસને સમજાતું નથી, કારણ કે જ્યારથી મરાઠા આંદોલનના શ્રીગણેશ થયા છે ત્યારથી આ પ્રદેશ પ્રમુખે સોનાની સોય અને રૂપેરી દોરાથી પોતાના હોઠ સીવી લીધા છે.

ફડણવીસ સરકાર સામે આગામી મહિનાઓમાં પડકારો વધવાના છે. આગામી લોકસભાની ચૂંટણીની ચોપાટ ગોઠવવા માટે ભાજપના ટોચના નેતાઓના મુંબઇ ખાતેના ઉતરાણો વધી ગયા છે અને ફડણવીસ પાસે હાલ તો કોઇ વિનિંગ ફોર્મ્યુલા નથી. કદાચ સંગઠનનો અભિપ્રાય પણ હવે દેવેન્દ્ર ફડણવીસ તરફનો નથી.

જો કે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેનના વિષાદમાંથી ફડણવીસે બોધપાઠ લઇને જ ચોકલેટ વહેંચણી ચાલુ રાખેલી છે, પરંતુ હાઇકોર્ટનો ચૂકાદો તેઓ ધારે છે એનાથી વહેલો આવવાની સંભાવના વધુ છે.

રાજ્ય શાસનને રાગે પાડવા માટે મનઘડંત નિર્ણયોનો દૌર પણ મુખ્યમંત્રી ફડણવીસે ચાલુ રાખ્યો છે. કોઇ મહત્ત્વના કારણ વિના એકાએક જ તેમણે રાજ્યના ૧૨૦ આઈપીએસ અધિકારીઓની એકસાથે બદલીના હુકમો કર્યા. એમની આ પ્રવૃત્તિ અંગે મહારાષ્ટ્ર પોલીસદળમાં સ્પષ્ટ છાપ એ પડી છે કે આ બદલીઓથી પસંદગીના અધિકારીઓને પુરસ્કૃત અને અન્યોને તિરસ્કૃત કરવાની યુતિ સરકારની ચેષ્ટા છે. આ બદલીઓ સામેનો ઉહાપોહ હજુ પણ ચાલુ છે. આમાં કેટલાક એવા વિવાદાસ્પદ અધિકારીઓ પણ પુરસ્કૃત થયા છે જેમણે તેમની જવાબદારીઓ નિભાવવામાં ગંભીર બેદરકારીઓ દાખવેલી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે