શિવપાલ યાદવનો સમાજવાદી સેક્યુલર મોરચો ભાજપને ફાયદો કરાવશે?

- આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા માટે એકબીજાના કટ્ટર વિરોધી રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના માયાવતીએ સાથે મળીને મહાગઠબંધનની રચના કરી છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં પડેલા ભાગલાના દૂરોગામી પરિણામો આવવાની શક્યતા

છેલ્લા બે વર્ષથી સમાજવાદી પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા શિવપાલસિંહ યાદવે આખરે પોતાની પાર્ટી સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી છે. સંબંધમાં મુલાયમસિંહ યાદવના ભાઇ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા એવા શિવપાલસિંહ પાસે રાજકારણ અને પરિવારમાં પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખવા માટે આના સિવાય બીજો રસ્તો નહોતો. 

આગામી લોકસભાની ચૂંટણી આડે થોડા જ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે શિવપાલસિંહ યાદવના આ રીતે સમાજવાદી પાર્ટીથી અલગ થઇને અલગ પક્ષ રચવાના કારણે ઉત્તરપ્રદેશના રાજકારણમાં ભારે હલચલ મચી ગઇ છે. અનેક મહિનાઓની તૈયારી બાદ તેમણે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી છે. શિવપાલસિંહે કહ્યું છે કે તેમની પાર્ટીના દરવાજા સમાજવાદી પાર્ટીના તમામ અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો માટે ખુલ્લાં છે. સમાજવાદી પરિવારથી અલગ થવાની ધમકી તો તેઓ અવારનવાર આપ્યાં કરતાં હતાં. 

આજથી વીસ મહિના પહેલા ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શિવપાલસિંહ યાદવ મોટા ભાઇ મુલાયમસિંહ દ્વારા પક્ષના ૩૨૫ ઉમેદવારોના નામની જાહેરાત કરાવીને ભત્રીજા અખિલેશ યાદવ સાથે સીધી લડાઇમાં ઉતરી આવ્યાં હતાં. એ પછી શિવપાલસિંહને ઠેકાણે લગાવવા માટે અખિલેશ યાદવે રામગોપાલ યાદવ સાથે હાથ મિલાવ્યાં હતાં.

 એ પછી સમાજવાદી પાર્ટીના પરિવારમાં જામેલા ગજગ્રાહમાં અખિલેશ યાદવે પિતા અને કાકાની જોડીને પછાડીને સમાજવાદી પાર્ટી ઉપર પોતાનો હક જમાવી દીધો હતો અને શિવપાલસિંહને મંત્રીમંડળની બહાર કરી દીધાં હતાં. બસ ત્યારથી શિવપાલસિંહ અલગ મોરચો રચવાના અણસાર આપી રહ્યાં હતાં. 

હકીકતમાં અલગ પાર્ટી રચવાની ધમકીનો તેઓ અખિલેશ યાદવને ડરાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરતાં હતાં. પરંતુ અખિલેશ યાદવે તેમને ખાસ મહત્ત્વ ન આપતા તેમણે આ પગલું ભરવું પડયું છે. શિવપાલ યાદવે એવું પણ કહ્યું છે કે તેઓ નાના નાના રાજકીય પક્ષોને જોડીને મોટી તાકાત ઊભી કરશે. જોકે પોતાનો પક્ષ ઊભો કરવો અને એને ચલાવવો શિવપાલસિંહ માટે આસાન નથી.

આમ તો સમાજવાદી પાર્ટીમાં તેઓ મહત્ત્વના નેતા રહ્યાં છે પરંતુ પહેલા મુલાયમસિંહ યાદવ અને બાદમાં અખિલેશ યાદવના પ્રભુત્ત્વના કારણે તેઓ પાર્ટીમાં કદી નિર્ણાયક સ્થાન મેળવી શક્યા નથી. ખાસ તો રાજકારણના આ મહાભારતમાં તેમણે પોતાના સાથીદાર તરીકે જે મુલાયમસિંહને પસંદ કર્યાં છે એ જ તેમની સાથે કદી જણાયા નથી. 

શિવપાલ યાદવ લાંબા સમયથી એ રાહમાં રહ્યાં કે મુલાયમસિંહ તેમના માટે કંઇક કરશે પરંતુ સમાજવાદી પાર્ટીમાં તેમનું મહત્ત્વ દિનપ્રતિદિન ઘટતું જ રહ્યું. તેમને અપેક્ષા હતી કે અખિલેશ યાદવ તેમની કાબેલિયતને ઓળખીને પાર્ટીમાં તેમને મહત્ત્વનું સ્થાન આપશે કારણ કે સંગઠન તો તેઓ જ સંભાળતા હતાં.

પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હાથે કારમો પરાજય થયા છતાં અખિલેશ યાદવે મુલાયમસિંહ અને શિવપાલસિંહની જુગલબંધી સામે નમતું ન જોખ્યું. ઉલટું પ્રદેશમાં કટ્ટર વિરોધી એવા બહુજન સમાજ પાર્ટીના માયાવતી સાથે હાથ મિલાવીને ભાજપને લડત આપવાનું ચાલું રાખ્યું. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં યોજાયેલી રાજ્યની પેટાચૂંટણીઓમાં ભાજપને મહત્ત્વની બેઠકો ઉપર હાર પણ આપી. 

હકીકતમાં પેટાચૂંટણીઓમાં મળેલા વિજયના કારણે અખિલેશ યાદવનું મહત્ત્વ વધી ગયું અને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા તરીકે તેમણે પિતા મુલાયમસિંહ યાદવનું સ્થાન લઇ લીધું. તો સમાજવાદી પાર્ટીના સંગઠન ઉપર ભલે શિવપાલસિંહનું વર્ચસ્વ હોય પરંતુ ચૂંટણી અગાઉ સમાજવાદી પરિવારમાં જે કલહ વ્યાપી રહ્યો હતો એના કારણે પક્ષના કાર્યકરો જ મુંઝવણમાં હતાં કે પિતા-કાકાની જોડી સાથે જવું કે અખિલેશની સાથે જવું.

જોકે અખિલેશ યાદવે જે રીતે પાર્ટી ઉપર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું એના કારણે સંગઠનના લોકો પણ સમજી ગયાં કે તેમની સાથે જવામાં જ ભલાઇ છે. હવે જ્યારે સંગઠન પણ અખિલેશ સાથે હોય એવા સંજોગોમાં નવા મોરચાની રચના કરીને શિવપાલસિંહે મોટું જોખમ તો ઉપાડયું જ છે. 

આમ તો બે વર્ષ પહેલાં સમાજવાદી પરિવારમાં ઊભા થયેલા કલહના પરિણામે પાર્ટી બે ભાગમાં વહેંચાઇ જાય એવા સંજોગો ઊભા થયા હતાં. પરંતુ જેમતેમ કરીને અખિલેશ અને મુલાયમસિંહ વચ્ચે સમાધાન થતાં પાર્ટી ટકી ગઇ હતી. આમ ૨૦૧૭ની ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેંચાઇ જવાનો જે ગણગણાટ થઇ રહ્યો હતો એને છેક હવે અંજામ મળ્યો છે. પાર્ટી અને પરિવારમાં અલગ પડી જવાનું દર્દ શિવપાલસિંહના નિવેદનોમાં અવારનવાર છલકાતું હતું. કેટલીક વખત તો તેઓના બીજી પાર્ટીમાં જોડાવાના કયાસ પણ લગાવવામાં આવતાં રહ્યાં.

પરંતુ રાજકારણના પાકા ખેલાડી એવા શિવપાલસિંહ હજુ એક બે દાયકા રાજનીતિમાં કાઢવા માંગે છે. એ સંજોગોમાં તેઓ બીજા પક્ષમાં જોડાવાનું આત્મઘાતી પગલું ભરે એવા નાદાન નથી. હવે અલગ પાર્ટીની જાહેરાત કરીને તેમણે પોતાના ઇરાદા તો જાહેર કરી દીધાં છે પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતાની પાર્ટીને કેવી રીતે સામેલ કરશે એ હજુ સ્પષ્ટ નથી. 

માયાવતી સાથે ગઠબંધનની જાહેરાત કરી ચૂકેલા અખિલેશ યાદવ માટે આગળનો માર્ગ વધારે કઠિન બની ગયો છે. પહેલાં તેમણે માત્ર ભાજપની ટક્કર ઝીલવાની હતી પરંતુ હવે તેમને પોતાના કાકાનો જ સામનો કરવાનો થયો છે. છેલ્લા બાવીસ વર્ષથી જસવંતનગર બેઠક ઉપરથી ચૂંટણી જીતતા આવેલાં શિવપાલસિંહનો ઇટાવા. મૈનપુરી, કન્નોજ, ફર્રુખાબાદ, ફિરોજાબાદ, શિકોહાબાદ, કાનપુર, ફતેહપુર, ઉન્નાવ સહિત સમગ્ર પૂર્વાંચલ ઉપર સારો એવો પ્રભાવ છે.

સહકારી સમિતીઓની ચૂંટણીઓથી લઇને ગ્રામ પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં તેમની સક્રિયતા રહી છે. જેના કારણે તેમના સમર્થકોનું લિસ્ટ ઘણું મોટું છે. પરંતુ આ પ્રભાવ તેમનો પોતાનો છે કે સમાજવાદી પાર્ટીનો એ તસવીર તો ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે શિવપાલસિંહનો સમાજવાદી સેક્યુલર મોરચો ચૂંટણીમાં ઝંપલાવશે. 

મોટા કૌટુંબિક કલહ બાદ અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના સ્થાપક એવા મુલાયમસિંહને પક્ષના સંરક્ષક તરીકેનું માનવંતુ સ્થાન આપ્યું છે. તો શિવપાલ યાદવ પણ પોતાની પાર્ટીના આધારસ્તંભ તરીકે મુલાયમસિંહનું નામ લઇ રહ્યાં છે. આમ પણ શિવપાલ યાદવ હંમેશા કહેતા આવ્યાં છે કે તેઓ મુલાયમસિંહની મરજી વિના કોઇ પગલું નહીં ઉઠાવે.

સમાજવાદી પાર્ટી સાથે નિકટથી જોડાયેલાં ઘણાં લોકોનું માનવું છે કે શિવપાલસિંહ યાદવના આ પગલાંના દૂરોગામી પરિણામો જોવા મળશે. ખાસ કરીને શિવપાલ યાદવ સમાજવાદી પાર્ટીના જમીની કાર્યકર્તા રહ્યાં છે. મુલાયમસિંહ યાદવ તેમની આંગળી પકડીને રાજનીતિમાં લાવ્યાં અને રાજકારણના પાઠ ભણાવ્યાં છે. એટલા માટે શિવપાલસિંહ યાદવ અલગ થતાં સમાજવાદી પાર્ટીની જમીની પકડ નબળી જરૂર પડશે. 

લાંબા સમયથી એકબીજાની ધૂર વિરોધી રહેલી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ભાજપને મ્હાત આપવા માટે એક થઇ છે. ગયા વર્ષે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જવલંત પ્રદર્શન સાથે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને ઘણી પાછળ પાડી દીધી હતી. રાજ્યની વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકોમાંથી ભાજપે ૩૧૨ બેઠકો કબજે કરીને ઇતિહાસ સર્જ્યો હતો. સમાજવાદી પાર્ટીને ૪૭ અને બહુજન સમાજ પાર્ટીને તો માત્ર ૧૯ બેઠકો જ હાથ લાગી હતી. જોકે એ પછી યોજાયેલી વિવિધ રાજ્યોમાં યોજાયેલી ભાજપને પરાજયનો સામનો કરવો પડયો હતો.

ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પહેલી વખત સાથે આવ્યાં હતાં. મહાગઠબંધન રચતી વખતે અખિલેશ યાદવ તો માયાવતીના જુનિયર બનવાનું સ્વીકારી ચૂક્યાં છે પરંતુ મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવ જેવા સીનિયર નેતાઓ માટે માયાવતીનો નેતા તરીકે સ્વીકાર કરવો ભારે કઠિન હતો. 

હવે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના બાદ અખિલેશ-માયાવતીના મહાગઠબંધન માટે ભાજપને હરાવવું મુશ્કેલ બનશે. હકીકતમાં ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેમજ કોંગ્રેસના મહાગઠબંધનના કારણે ભાજપ ટેન્શનમાં તો છે જ. પરિણામે તે એવા લોકોને શોધી રહ્યો છે જે ભલે તેનો જાહેરમાં સાથ ન આપે પરંતુ પ્રદેશમાં મુદ્દાઓને ભટકાવવાનું કામ જરૂર કરે. ભાજપની આ ચાલ હેઠળ જ હાલ અમરસિંહ કામ કરી રહ્યાં છે અને હવે શિવપાલ યાદવ પણ ભાજપને આડકતરો સપોર્ટ આપી રહ્યા હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

 છેલ્લા થોડા મહિનાઓમાં શિવપાલસિંહ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘણી વખત મળી ચૂક્યાં છે અને યોગી સાથેની તેમની મુલાકાતો દરમિયાન તેમને ખાસું મહત્ત્વ પણ મળ્યું છે. ખુદ અખિલેશ યાદવ પણ એવો સંકેત આપી ચૂક્યાં છે કે શિવપાલ યાદવના સમાજવાદી સેક્યુલર મોરચા પાછળ ભાજપનો હાથ છે.

જોકે ઉત્તરપ્રદેશના નાના પક્ષોને સાથે લઇને ચાલવાના શિવપાલ યાદવનો જે મનસૂબો છે એ હાલ તો ધૂધળો પડી રહ્યો હોય એવું જણાઇ રહ્યું છે. યોગી સરકારમાં મૅત્રી એવા ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે તેમના જોડાણની શક્યતા હતી. પરંતુ ઓમપ્રકાશ રાજભરે હાલ ભાજપનો સાથ છોડવાની ના પાડી છે અને શિવપાલસિંહના સમાજવાદી સેક્યુલર મોરચામાં જોડાવાની કોઇ યોજના ન હોવાનું જણાવ્યું છે.

શિવપાલ યાદવ અને ઓમપ્રકાશ રાજભર વચ્ચે અનેક બેઠકો યોજાઇ ચૂકી છે એ જોતાં શિવપાલ યાદવને પાર્ટી રચ્યાની સાથે જ મોટો ફટકો પડયો છે. બીજી બાજુ શિવપાલ યાદવ સમાજવાદી પાર્ટીમાં પોતાનું મહત્ત્વનું સ્થાન હોવાના દાવા તો કરે છે પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે એવું કશું નથી કર્યુ જેનાથી તેમના આ દાવાને સમર્થન મળે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે