ઇસ્ટોનિયામાં મફત મુસાફરી: ઉકેલ કે સમસ્યા?

મફત બસ-ટ્રામ સેવાને લીધે ગરીબો વધુ સામાજિક બનશે, લોકોને હળતા-મળતા થશે, એવો પણ એક ફાયદો ત્યાંની સરકારે વિચાર્યો છે

કેટલાક ઉકેલો નવી સમસ્યાઓને જન્મ આપે છે, કેટલીક સમસ્યાઓ નવા ઉકેલોને. શું જાહેર વાહનવ્યવહાર સેવા મફત હોવી જોઈએ? શામાટે? પ્રદૂષણ ઘટાડવા? ગરીબોને ફાયદો પહોંચાડવા? ટ્રાફિકનો પ્રશ્ન નિવારવા? અચ્છા એમ કરવાથી કેવાક પરિણામો મળે છે? એક તાળું ખોલોને બીજા ૧૦ તાળાં મળી આવે તેમ એક એક સવાલ બીજા ૧૦ સવાલને જન્મ આપી રહ્યો છે.

ઇસ્ટોનિયામાં પ્રદૂષણનો પ્રશ્ન દૂર કરવા માટે બસ અને ટ્રામની સેવા મફત કરી દેવામાં આવી છે. આવું કરનારો તે દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે.

ઇસ્ટોનિયામાં હવે જે કોઈને બસ મુસાફરી કે ટ્રામ મુસાફરી કરવી હોય તેમને એક ચિપ કાર્ડ ખરીદવાનું રહેશે. આપણા આધાર કાર્ડ જેવું. એના પર મુસાફરનું નામ, સરનામું, ફોટો અને તેનો ઓળખ નંબર લખેલા હશે. બસમાં કે ટ્રામમાં ચડે ત્યારે તેણે રીડરમાં સ્વાઇપ કરવાનું. કાર્ડની કીમત બે યુરો (રૂા.૧૨૦) છે. એક વખત તે ખરીદી લીધા પછી બીજીવાર ખરીદવાની જરૂર નથી. દેશમાં ગમે તે ટ્રામ અને બસમાં તે માન્ય રહે છે.

કોઈને એવો સવાલ થાય કે મફત મુસાફરી છે તો પછી કાર્ડની જરૂર શું? આના બે જવાબ છે. ૧. કયા રૂટ પર કેટલો ટ્રાફિક રહે છે તેનો અંદાજ આવે અને તે પ્રમાણે ફ્રીક્વન્સીમાં વધારો-ઘટાડો કરવાની ખબર પડે. ૨. બસ-ટ્રામ સેવા માત્ર ઇસ્ટોનિયાઈ નાગરિકો માટે નિ:શુલ્ક છે. વિદેશીઓએ તો ટિકિટ ખરીદવાની જ છે.

ઇસ્ટોનિયા ઇશાન યુરોપનો સાવ ટચુકડો દેશ છે. બાલ્ટિક સાગરના કિનારે આવેલો છે. ક્ષેત્રફળ ૪૫,૦૦૦ ચોરસ કિલોમીટર. જનસંખ્યા ૧૩ લાખ ૧૯ હજાર. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૧ના રોજ તે સ્વતંત્ર થયા પહેલા સોવિયેત સંઘનો હિસ્સો હતો. હાલ તે યુરોપીય સંઘનો અને નાટોનો સૌથી નાનકડો દેશ છે. જોકે નાનો તોય રાઈનો દાણો છે.

વિશ્વમાં સૌથી સારો આર્થિક વિકાસ ધરાવતા દેશો માહેનો એક છે. માનવ વિકાસ સૂચકાંક, આર્થિક સ્વતંત્રતા, નાગરિક સ્વતંત્રતા અને પ્રેસ ફ્રીડમની યાદીમાં તેનું સ્થાન ટોચ પર આવે છે. શિક્ષણ મફત છે. સ્વાસ્થ્ય સેવા સર્વસુલભ છે. ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા સમાજમાં પણ તે જગત અગ્રણી છે. ૨૦૦૫માં ઇન્ટરનેટના માધ્યમથી સંસદીય ચૂંટણી કરાવી હતી. આવું કરાવનારો પણ તે દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો.

૨૦૧૩માં ઇસ્ટોનિયાની રાજધાની ટાલ્લીનમાં મફત પરિવહન સેવાનો પ્રયોગ થયો હતો. એ સમયે શહેરમાં ૪,૧૬,૦૦૦ લોકો રહેતા હતા. જેવી મફત બસ અને ટ્રામ સેવા શરૂ થઈ કે આજુબાજુના ગામડાં-કસ્બામાં રહેતા લોકો શહેરમાં આવીને વસવા લાગ્યા. થોડા વખતમાં વસ્તી વધીને ૪,૪૫,૦૦૦ થઈ ગઈ.

મફત પરિવહનને લીધે ખર્ચો વધવો જોઈતો હતો, કિન્તુ થયું ઉલટું. શહેરની આવક વધી ગઈ. કેવીરીતે? પ્રથમ વર્ષે મફત પરિવહન સેવા ચલાવવામાં નગર નિગમને ૧.૧૨ કરોડ યુરોનો ખર્ચ થતો હતો. નવા લોકોએ આવીને શહેરમાં વસવાટ કરતા ટેક્સની આવકમાં ૧.૧૦ કરોડ યુરોનો વધારો થયો. મતલબ પહેલા વર્ષે ૨ લાખ ડોલરનું નુકસાન ગયું. ૨૦૧૬માં ૧.૩૭ કરોડ યુરો અને ૨૦૧૭માં ૨.૨૦ કરોડ યુરોની ધીંગી આવક થઈ.

નિ:શુલ્ક બસ સેવા શરૂ કરવાના કારણે ટ્રામમાં મુસાફરોના ટ્રાફિકમાં ૧૪ ટકાની વૃદ્ધિ થઈ. તેમાં મોટા ભાગના લોકો ગરીબ અથવા નિમ્ન આવકવાળા હતા. નગરપાલિકાની એક ગણતરી એવી પણ હતી કે મફત પરિવહનને કારણે ગરીબો વધુ સામાજિક બનશે, લોકોને હળશે-મળશે.(આ પણ સરકારનું કામ છે.) વિના મૂલ્યે બસ-ટ્રામ શરૂ કર્યા પછી તેની ક્ષમતામાં માત્ર ૧૦ ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. ક્વોન્ટિટીને બદલે ક્વોલિટી પર ધ્યાન અપાઈ રહ્યું છે. એ જોવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક વધવાને કારણે સ્વચ્છતા અને ગુણવત્તાનું સ્તર ઘટવું જોઈએ નહીં.

અત્યારે આખા ઇસ્ટોનિયામાં મફત ટ્રામ-બસ આરંભિત કર્યા પછી કારોની સંખ્યા ઘટશે એવું માનવામાં આવતું હતું, પણ એવું થયું નથી. જે લોકો પૈસાદાર છે તેઓ તો હજુ પણ પોતાના જ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. ભવિષ્યમાં કદાચ કંઈ ફેરફાર થાય. ગરીબ વર્ગ મફત પરિવહનનો લાભ ઉઠાવી રહ્યો છે. એટલે પ્રદૂષણ ઘટાડવાની દિશામાં આ નુસખાથી કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું.

શહેર કક્ષાએ અગાઉ એકથી વધુ વાર મફત પરિવહનનો પ્રયોગ થઈ ચૂક્યો છે. બોઇંગના પિયર સિએટલમાં ૨૦૧૨માં મેટ્રો ટ્રેનમાં મુસાફરી નિ:શૂલ્ક કરી નાખવામાં આવી હતી. આ મુસાફરી નગરપાલિકાને એટલી મોંઘી પડવા માંડી કે થોડા મહિનાઓમાં નિર્ણય પાછો ખેંચવો પડયો. બેલ્જિયમના હાલ્સેટ શહેરમાં ૧૯૯૭થી બસ સેવા મફત કરી નાખવામાં આવી હતી. ૧૬ વર્ષ બાદ ફરીથી તે ચાર્જેબલ કરવી પડી. જ્યારે બસ સેવા મફત હતી ત્યારે મુસાફરોની સંખ્યા ૧૩ ગણી વધી ગઈ હતી. જર્મનીના ટેમ્પલિન શહેરમાં ૧૯૯૮માં બસ યાત્રા નિ:શૂલ્ક કરી દેવામાં આવી હતી. યાત્રાળુંઓની સંખ્યા ૧૦ ગણી વધી જતા ૨૦૧૩થી ટિકિટ પ્રથાનો પુન:આરંભ કરવો પડયો હતો.

સૌથી મહત્ત્વનો સવાલ એ થાય કે શું ભારતમાં મફત બસ સેવા કે ટ્રામ સેવા કે લોકલ ટ્રેન સેવા શરૂ કરવી જોઈએ? ના, સંભવ નથી. આપણે ત્યાં બસો-ટ્રેનો ચાર્જેબલ છે તોય તેમાં કિડિયારું ઉભરાય છે. મુંબઈને લોકલ ટ્રેનો તો રોજ અનેકના જીવ લે છે એટલી ભીડ થાય છે. ઇસ્ટોનિયમાં બસ અને ટ્રામ સેવા મફત કર્યા પછી બેસવાની સીટ ન મળે એવી તો ભીડ નથી જ થતી. બીજું, વિકસિત દેશોનું ટેક્સ કલેક્શન સારું છે. એટલે તેઓ મફત બસ સેવાના બોજાને પહોંચી વળે. ભારતમાં જ્યાં સુધી લોન લેવાની કે રોકાણકારને ગુલાબી ચિત્ર બતાડવાની ગરજ ન હોય ત્યાં લગી કોઈ ટેક્સ ભરવામાં સમજતું નથી. 

હા, ભારતમાં ઓછી વસ્તીવાળા શહેરોમાં અને પૂરતી આવકવાળી નગરપાલિકાઓ આવો પ્રયોગ જરૂર કરી શકે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન ઇમરાન ખાન એક પછી એક પ્રજારંજક નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે ટોચના અધિકારીઓ પર ફર્સ્ટ ક્લાસમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લાદી દીધો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ, સેનેટના અધ્યક્ષ સ્પીકર સહિત કોઈ અધિકારી બધા પર આ નિર્ણય લાગુ રહેશે. 

- હેકરોએ અમેરિકા, બ્રિટન, રશિયા અને સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા કોસ્મોસ બેન્કના ખાતેદારોના ખાતામાંથી રૂા.૭૮ કરોડ સેરવી લીધા હતા. ક્લોન એટીએમની મદદથી તેમણે પૈસાની ચોરી કરી હતી. તસ્કરો અદ્દલ તમારા એટીએમ જેવું જ એટીએમ બનાવી કાઢે તે ક્લોન કહેવાય છે. આ સમસ્યા બહુ ઝડપથી વકરી રહી છે.

- ઇમિગ્રેશન પોલિસીમાં કરાયેલા ફેરફાર વિરુદ્ધ એપલ, જે. પી. મોર્ગન, પેપ્સિકો સહિત ૫૯ મોટી અમેરિકન કંપનીના સીઈઓએ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. ટ્રમ્પે એચવન બી વિઝાના નિયમો વધુ કડક કરી નાખ્યા છે. તેમણે નોકરીમાં અમેરિકનોને પ્રાથમિકતા આપવા પર દબાણ મૂક્યું છે. કંપનીઓનું કહેવું છે કે ટ્રમ્પની નવી નીતિ વિકાસની ગતિ ધીમી પાડનારી તથા વિદેશીઓને અન્યાયકર્તા છે.

- સામાન્ય રીતે આપણે ત્યાં નિર્લજ્જ નેતાઓ અને અધિકારીઓ સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવાં તે વિશે સૂચનો આપતા હોય છે. તેમને ચીન પાસેથી શીખવા જેવું છે. શેન્જેન શહેરની પોલીસે મહિલાઓને ધરપત આપી છે કે તમે તમને યોગ્ય લાગે એવા કપડાં પહેરો, રોમિયો સાથે અમે નિપટી લેશું. 

- ઓસ્ટ્રેલિયામાં સત્તાધારી લિબરલ પાર્ટીમાં આંતર-કલહ વચ્ચે મેલ્કમ ટર્નબુલને વડા પ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા છે. સ્કોટ મોરીસનને નવા વડા પ્રધાન બનાવાયા છે. ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. છેલ્લા ૧૦ વર્ષમાં તે છ પ્રધાન મંત્રી જોઈ ચૂક્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો