નોટબંધી વડાપ્રધાન મોદીની ભૂલ નહીં પણ મોટું કૌભાંડ:રાહુલ ગાંધી

- નોટબંધીમાં વડાપ્રધાને ખેડૂતોના નાણા છીનવી લઇને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપ્યા

- યુપીએ સમયમાં એનપીએ ૨.૫ લાખ કરોડ હતી જે હાલમાં ૧૨.૫ લાખ કરોડ થઇ ગઇ છે

- રફાલ સોદાથી દેશની તિજોરીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન : કોંગ્રેસ પ્રમુખ 

નવી દિલ્હી, તા.  30 ઓગસ્ટ 2018, ગુરુવાર

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ મૂકતા જણાવ્યું છે કે નોટબંધીથી દેશમાં બેકારી વધી છે. વડાપ્રધાન મોદીએ પોતાના મિત્રોને ફાયદો પહોંચાડવા નોટબંધી અને રફાલ સોદો કર્યો હતો. 

રાહુલે પ્રશ્ર કર્યો હતો કે વડાપ્રધાને નોટબંધીની જાહેરાત શા માટે કરી? તો તેના જ જવાબમાં કોંગ્રેસ પ્રમુખે પોતે જ જણાવ્યું હતું કે મોદીએ પોતાના મિત્રોના કાળા નાણાંને સફેદ બનાવવા માટે નોટબંધી અમલમાં મૂકી હતી. 

નોટબંધીમાં વડાપ્રધાને ખેડૂતોના નાણા છીનવી લઇને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન જેટલી એ દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડયું છે. 

રાહુલે જણાવ્યું હતું કે નોટબંધી લોકોના પગ પર કુહાડી મારવા માટે લાવવામાં આવી હતી. નોટબંધીથી નાના દુકાનદારોના ધંધા પડી ભાંગ્યા હતાં. આ સંદર્ભમાં વડાપ્રધાન લોકોના પ્રશ્રોના જવાબ આપે. 

વડાપ્રધાન મોદી જવાબ આપે છે કે દેશમાં બેકારોની સંખ્યા સતત વધી રહી હોવા છતાં તેમણે નોટબંધીની જાહેરાત કરીને જેમની પાસે નોકરી હતી તેમની પણ શા માટે છીનવી લીધી? 

આરટીઆઇ હેઠળ પૂછાયેલા એક પ્રશ્રના જવાબમાં મળેલી માહિતનો ઉલ્લેખ કરતા રાહુલે જણાવ્યું હતું કે નોટબંધી પછીના પાંચ દિવસમાં અમદાવાદ જિલ્લા સહકારી બેંકે ૭૪૫.૫૮ કરોડ રૂપિયાની જૂની નોટો એક્ષચેન્જ કરી હતી. 

યુપીએના સમયમાં એનપીએ ૨.૫ લાખ કરોડ હતી જે હવે વધીને ૧૨.૫ લાખ કરોડ થઇ ગઇ છે. રફાલ મુદ્દે ફરી એક વખત કેન્દ્રને નિશાન બનાવતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકારે ફ્રાન્ચની એવિએશન કંપની સાથે રફાલ એરક્રાફ્ટ માટે કરેલા સોદાથી દેશની તિજોરીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

રફાલ સમજૂતીનોે મુખ્ય હેતુ મોદીના મિત્ર અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો હતો. તેમણે પ્રશ્ર કર્યો હતો કે અનિલ અંબાણીને એવિએશન સેક્ટરમાં કોઇ અનુભવ ન હોવા છતાં તેમની કંપની સાથે શા માટે કરાર કરવામાં આવ્યો? 

નોટબંધી, રફાલ મુદ્દે રાહુલના આક્ષેપો પછી નાણા પ્રધાનની ટિપ્પણી 

અધુરું જ્ઞાાન હંમેશા ભયાનક હોય છે : અરૂણ જેટલી 

નોટબંધીને કારણે દેશમાં ટેક્સ ભરનારા લોકોની સંખ્યા વધી 

નોટબંધીને મોદી સરકારનું સૌથી મોટું કૌભાંડ ગણાવવા અને રફાલ સમજૂતીથી દેશને ૪૧,૦૦૦ કરોડનું નુકસાન થવાના રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા કેન્દ્રીય નાણા પ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે અધુરું જ્ઞાાન હંમેશા ભયાનક હોય છે.

ેએનપીએ અંગે જેટલીએ જણાવ્યું હતું કે એનપીએ માટે અમને જવાબદાર કોંગ્રેસ એ ભૂલી ગઇ છે કે એનપીએના ઉકેલ માટે ભાજપ સરકારે જ ઇનસોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ અમલમાં મૂક્યો છે. 

રફાલ મુદ્દે રાહુલના આક્ષેપોનો જવાબ આપતા જેટલીએ જણાવ્યું છે કે ૨૦૦૭માં જે ભાવે સોદો થયો હતો તેના કરતા ૨૦ ટકા ઓછા ભાવે ૨૦૧૬માં ફ્રાન્સની કંપની સાથે સોદો કરવામાં આવ્યો છે. 

નોટબંધીને યોગ્ય ઠેરવતા જેટલીએ જણાવ્યું છે કે નોટબંધી ટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે. ૨૦૧૪માં ૩.૮ કરોડ લોકો આઇટી રિટરન ભર્યા હતાં. જ્યારે ૨૦૧૭-૧૮માં રિટર્ન ભરનારાઓની સંખ્યા વધીને ૬.૮૬ કરોડ થઇ ગઇ હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે