વૃદ્ધ થઈ રહેલી વસ્તી વચ્ચે ચીની સરકારે બદલ્યા નિયમ, હવે 3 બાળકો કરી શકશે કપલ


- ચીનમાં અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર

વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો અને ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ચીન સરકારે હવે પરિવાર નિયોજનને લગતા નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સોમવારે લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં કોઈ પણ કપલ 3 બાળકો પેદા કરી શકશે. પહેલા ચીનમાં ફક્ત 2 બાળકો કરવાની જ મંજૂરી હતી. 

થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલો જણાયો હતો. આ સંજોગોમાં ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભરવું પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. મતલબ કે ચીનમાં હવે અનેક દશકાથી ચાલી આવતી ટૂ-ચાઈલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી છે.

શા માટે ભરવું પડ્યું આ પગલું?

તાજેતરમાં પ્રગટ થયેલા ચીની જનસંખ્યાના આંકડાઓ પ્રમાણે છેલ્લા દશકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. ચીનની ટૂ-ચાઈલ્ડ પોલિસીને તેનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. આંકડાઓ પ્રમાણે 2010થી 2020 દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ 0.53 ટકા હતી. જ્યારે વર્ષ 2000થી 2010 દરમિયાન આ ઝડપ 0.57 ટકા હતી. 2020માં ચીનમાં ફક્ત 12 મિલિયન બાળકો પેદા થયા હતા જ્યારે 2016માં તે આંકડો 18 મિલિયન હતો. 

ચીન હાલ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેના પછીના ક્રમે ભારત આવે છે. 1970ના દશકામાં વસ્તીવધારાની ગતિને કાબૂમાં લેવા ચીનના કેટલાક વિસ્તારોમાં વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. બાદમાં આ નિયમ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો તો તેની ઉલટી અસર પડી. લાંબા સમય બાદ 2009માં ચીને વન ચાઈલ્ડ પોલિસીમાં ફેરફાર કર્યો હતો અને ચિહ્નિત લોકોને 2 બાળકો કરવાની આઝાદી આપી હતી. જે લોકો પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હોય તેવા કપલને જ 2 બાળક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 2014 સુધીમાં આખા ચીનમાં તે નીતિ લાગુ કરી દેવામાં આવી હતી. હવે 2021માં ફરી એક વખત ચીને પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે અને એક કપલને 3 બાળકો કરવાની મંજૂરી આપી છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો