મુખ્ય સચિવ મુદ્દે મમતા-કેન્દ્ર વચ્ચે જંગ, દિલ્હીમાં જોઈનિંગની ડેડલાઈન પૂરી, એક્શનની તૈયારીમાં કેન્દ્ર
- અલપન બંદોપાધ્યાયને મમતા સરકારે દિલ્હી જવા મંજૂરી નહોતી આપી
નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર
ફરી એક વખત પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ છે. યાસ વાવાઝોડા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ ન થવા મુદ્દે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તેમને સોમવારે સવારે 10:00 કલાકે નોર્થ બ્લોકમાં રિપોર્ટ કરવાનું હતું પરંતુ તેઓ નહોતા આવ્યા. આ કારણે કેન્દ્ર સરકાર હવે તેમના વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ સંજોગોમાં સવાલ થઈ રહ્યો છે કે શું કોઈ પણ રાજ્યમાં તૈનાત આઈએએસ અધિકારીઓ વિરૂદ્ધ કેન્દ્ર કોઈ કાર્યવાહી કરી શકે? બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે રાજ્ય સરકારના કહેવા પર કેન્દ્ર સરકારની સહમતિના આધાર પર તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપેલું છે. આ સંજોગોમાં કેન્દ્ર તેમના એક્સટેન્શનને રદ્દ કરી શકે છે.
જાણકારોના મતે જો કોઈ અધિકારી રાજ્યમાં તૈનાત છે તો તેણે સેન્ટ્રલ ડેપ્યુટેશન કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. આ સંજોગોમાં રાજ્ય ઈચ્છે તો સેન્ટ્રલ ડેપ્યુટેશનના આદેશને માનવા ના પાડી શકે છે. એટલું જ નહીં જો કેન્દ્ર રાજ્યમાં તૈનાત કોઈ પણ અધિકારીને દિલ્હી બોલાવે તો આવા સંજોગોમાં પણ રાજ્ય સરકારની સહમતિ જરૂરી છે. અલપન બંદોપાધ્યાયને મમતા સરકારે દિલ્હી જવા મંજૂરી નહોતી આપી.
થોડા મહિના પહેલા બંગાળમાં એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો તેને લઈ કેન્દ્ર સરકારે બંગાળના 3 IPS અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા. પરંતુ મમતા બેનર્જીની સરકારે કેન્દ્રના આ આદેશને ઠોકર મારી હતી અને તેમને ગૃહ મંત્રાલય મોકલવા ના પાડી દીધી હતી.
Comments
Post a Comment