નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, HCએ અરજીકર્તાને ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ
- અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ
નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર
દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ થયું ત્યાર બાદ અરજીકર્તાએ એમ કહીને અરજી દાખલ કરી હતી કે હાલ દિલ્હીમાં કંસ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લાગેલી છે તો આ પ્રોજેક્ટનું કામ શા માટે અટકાવવામાં ન આવ્યું.
અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કંસ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધેલો હતો.
Comments
Post a Comment