ડોમિનિકાઃ મેહુલ ચોક્સીના શરીર પર ટોર્ચરના નિશાન, એન્ટીગુઆથી બળજબરીથી ઉઠાવાયો હોવાનો વકીલનો દાવો
- એન્ટીગુઆ અને બરબુડાની નાગરિકતા મેળવવા સાથે જ મેહુલ ચોક્સી ભારતીય નાગરિક નથી રહ્યા
નવી દિલ્હી, તા. 28 મે, 2021, શુક્રવાર
ડોમિનિકા ખાતેથી પકડાયેલા પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ હવે કોર્ટના બારણે ટકોરા માર્યા છે. તેમના વકીલે ત્યાંની કોર્ટમાં હેબિયસ કોપર્સ (બંદી પ્રત્યક્ષીકરણ)ની અરજી નોંધાવી છે. તેમના વકીલ વિજય અગ્રવાલે અરજી દાખલ કરાવાયાની પૃષ્ટિ પણ કરી હતી.
વકીલે ડોમિનિકાની કોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરાવી છે જેથી મેહુલ ચોક્સીને કોર્ટમાં રજૂ કરી શકાય અને તેને જરૂરી કાયદાકીય મદદ આપી શકાય. હેબિયસ કોપર્સની અરજી એટલે દાખલ કરવામાં આવે છે જેથી ધરપકડ કરવામાં આવી હોય તે વ્યક્તિને કોર્ટ અથવા તો જજ સામે રજૂ કરી શકાય.
મેહુલના વકીલે અરજીમાં કરેલા દાવા પ્રમાણે તેના શરીર પર ટોર્ચરના નિશાન પણ છે. વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ અને બરબુડા ખાતેથી તેની મરજી વગર બળજબરીથી ઉઠાવવામાં આવેલો. વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે, 'ડોમિનિકામાં અમારા વકીલો સાથે તેમને (મેહુલ ચોક્સીને) માત્ર 2 મિનિટ જ મળવા દેવામાં આવેલા. તેમણે જણાવ્યું હતું કે તેમને એન્ટીગુઆના જોલી હાર્બર ખાતેથી બળજબરીપૂર્વક ઉઠાવીને ડોમિનિકા લાવવામાં આવ્યા છે.'
શું ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત લાવી શકાય?
આ સવાલના જવાબમાં વિજય અગ્રવાલે જણાવ્યું કે, એન્ટીગુઆ અને બરબુડાની નાગરિકતા મેળવવા સાથે જ મેહુલ ચોક્સી ભારતીય નાગરિક નથી રહ્યા. કાયદા પ્રમાણે તેમને એન્ટીગુઆ જ લાવી શકાય. તે સિવાય ડોમિનિકાની સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સીને અન્ય કોઈ દેશ મોકલવા પર તાત્કાલિક પ્રતિબંધ મુક્યો છે. શુક્રવારે યોજાનારી સુનાવણી બાદ જ મેહુલ ચોક્સીને ડોમિનિકાની બહાર અન્ય કોઈ દેશ મોકલવામાં આવશે કે નહીં તે નક્કી થશે.
Comments
Post a Comment