અલીગઢ લઠ્ઠાકાંડઃ મૃતકઆંક વધીને 50ને પાર, સત્ય છુપાવવામાં વ્યસ્ત છે પ્રશાસન
- સ્તરે થયેલી બેદરકારીની તપાસ એસપી ક્રાઈમ રાજેશ શ્રીવાસ્તવને સોંપવામાં આવી
નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર
ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે લઠ્ઠાકાંડ બાદ મૃતકઆંક સતત ઉંચો જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. તે સિવાય 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. પરંતુ જિલ્લા પ્રશાસન આંકડા સંતાડવા પ્રયત્ન કરી રહ્યું છે.
શનિવાર રાત સુધીમાં 48 ગ્રામીણોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા તેમ છતા જિલ્લાધિકારી ચંદ્રભૂષણ સિંહે મોડી રાતે 25 લોકોના મૃત્યુની જ પૃષ્ટિ કરી હતી. જો કે સાંસદ સતીશ ગૌતમે બપોરે પોસ્ટમોર્ટમ કેન્દ્ર પહોંચીને 35 મૃત્યુની પૃષ્ટિ કરી હતી. પોલીસે દારૂની તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા 6 લોકોની ધરપકડ કરીને શનિવારે સાંજે તેમને જેલમાં મોકલી દીધા હતા. તેમાં બ્લોક પ્રમુખ રેણુ શર્મા ઉપરાંત રાલોદ નેતા અનિલ ચૌધરીનો સમાવેશ થાય છે. તે સિવાય 50,000ના ઈનામી રેણુના પતિ ઋષિ શર્મા અને તેમના સાથી વિપિન યાદવની શોધખોળ ચાલી રહી છે.
થાણા પ્રભારી 24 કલાક માટે સસ્પેન્ડ
એસએસપી કલાનિધિ નૈથાનીએ એસઓ લોધા અભય શર્માને સસ્પેન્ડ કરીને પોલીસ સ્તરે થયેલી બેદરકારીની તપાસ એસપી ક્રાઈમ રાજેશ શ્રીવાસ્તવને સોંપી છે.
મોડી રાતે 51 મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ 25 લોકોના મોત દારૂ પીવાના કારણે થયા હોવાની પૃષ્ટિ થઈ છે. બાકીના શકમંદોના મૃત્યુને લઈ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. તે તમામના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ જ મૃત્યુના કારણ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી શકાશે.
Comments
Post a Comment