કેન્દ્રીય મંત્રીનો આરોપઃ કેજરીવાલે કર્યું તિરંગાનું અપમાન, સફેદ રંગના બદલે લીલો ભાગ વધાર્યો
- પ્રહલાદ સિંહ પટેલે કેજરીવાલને પત્ર લખીને તેની એક કોપી ઉપરાજ્યપાલને પણ પહોંચાડી
નવી દિલ્હી, તા. 28 મે, 2021, શુક્રવાર
કોરોનાના સંકટ વચ્ચે ફરી એક વખત કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ સર્જાયો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે લગાવેલા આરોપ પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિરંગાનું અપમાન કર્યું છે. આ વિષયને લઈ કેન્દ્રીય મંત્રીએ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચિઠ્ઠી લખી છે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યા હતા. તેમના પાછળ લગાવવામાં આવેલા 2 ધ્વજમાં સફેદ રંગ પર લીલી પટ્ટીઓ વધારવામાં આવી છે. આ અંગે તેમણે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને ઉપરાજ્યપાલને પણ પત્રની કોપી પહોંચાડી છે.
કેન્દ્રીય મંત્રીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં પાછળ જે 2 રાષ્ટ્રીય ધ્વજ લાગેલા હોય છે તેમાં સફેદ હિસ્સાને છોડીને લીલો હિસ્સો વધારી દેવાયો છે. આ રીતે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
પ્રહલાદ સિંહ પટેલે દિલ્હીના મુખ્યમંત્રીને તેમાં સુધારો કરવા વિનંતી કરી છે. સાથે જ અનિલ બૈજલને ચિઠ્ઠી લખીને આ અંગે ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે.
અનેક મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સામસામે
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે કોરોના કાળમાં સતત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પહેલા તેમણે ઓક્સિજનની તંગીને લઈ મહાભારત છેડ્યું હતું અને હવે વેક્સિનને લઈ વિવાદ વકર્યો છે. દિલ્હીમાં 18 પ્લસવાળાઓ માટે વેક્સિનેશન બંધ છે. રાજ્ય સરકાર દિલ્હીમાં વેક્સિન ન હોવાનો અને કેન્દ્ર સપ્લાય ન આપતું હોવાનો આરોપ લગાવી રહી છે. સાથે જ રાજ્યોને વિદેશથી વેક્સિન ખરીદવામાં આડે આવવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.
Comments
Post a Comment