100ની નવી નોટ ચલણમાં મુકાશે, જલ્દી ફાટશે પણ નહીં અને પાણીથી નુકસાન પણ નહીં થાય
નવી દિલ્હી,તા.29 મે 2021,શનિવાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે.
હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછી મોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે અને ફાટી પણ બહુ જલ્દી જાય છે. રિઝર્વ બેન્કે દર વર્ષે આવી લાખો કરોડો રૂપિયાની નોટો બદલવી પડતી હોય છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ હટાવવી પડે છે અને તેની પાછળ પણ મોટી રકમ ખર્ચાય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દુનિયાના ઘણા દેશો પ્લાસ્ટિકની નોટોનો ઉયોગ કરે છે. વાર્નિશ કોટિંગવાળી નોટોની ટ્રાયલ સફળ રહેશે તો તબક્કાવાર 100 રૂપિયાની હાલની નોટોને બદલીને તેની જગ્યાએ આ નવી નોટો ચલણમાં મુકાશે. નવી નોટની વધારે સંબાળ રાખવાની જરૂર નહીં પડે. કારણકે તે જલ્દી ફાટશે પણ નહીં અને પાણીમાં પડવાથી તેને વધારે નુકસાન પણ નહીં થાય.
સામાન્ય રીતે વાર્નિશનો ઉપયોગ લાકડા અને લોખંડની વસ્તુઓ પર પેન્ટ કરતી વખતે થતો હોય છે. દુનિયાના બીજા દેશો ચલણી નોટોમાં તેનો ઉપયોગ કરી જ રહ્યા છે અને હવે ભારતમાં પણ તેનો ઉપયોગ કરવાનુ નક્કી કરાયુ છે. બેન્ક નવી નોટને એ રીતે ડિઝાઈન કરવા માંગે છે કે, નેત્રહીન લોકો પણ તેને હાથમાં લઈને ઓળખી શકે. નવી વ્યવસ્થાના ભાગરૂપે નોટો પર ટેક્સટાઈલ માર્ક, નોટોની અલગ અલગ સાઈઝ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે.
નોટોની ગુણવત્તા બહેતર બનાવવા માટે બેન્ક દ્વારા ક્વોલિટી એસ્યોરન્સ લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. દેશના અગ અલગ પ્રેસમાં નોટો છપાય છે અને તેનુ સ્ટાન્ડર્ડ એક સરખુ રહે તે માટે લેબોરેટરી કામ કરે છે.
Comments
Post a Comment