મહારાષ્ટ્રમાં 26 વર્ષ જૂની ઈમારતનો સ્લેબ પડવાથી 7ના મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા
- 5મા માળનો સ્લેબ ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડીને નીચે પડ્યો
નવી દિલ્હી, તા. 29 મે, 2021, શનિવાર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ભારે મોટી દુર્ઘટના સામે આવી છે. ઉલ્હાસનગર વિસ્તારમાં આવેલી એક રહેણાંક બિલ્ડિંગનો સ્લેબ પડવાના કારણે 7 લોકોના મોત થયા છે અને 3-4 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને રાહત અને બચાવ કાર્ય ચાલુ હોવાની માહિતી આપી હતી.
જાણવા મળ્યા મુજબ ઉલ્હાસનગરના નેહરૂ ચોક ખાતે આવેલી સિદ્ધી નામની બિલ્ડિંગનો સ્લેબ 5મા માળથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. રાતે 9:30 કલાકે 5 માળની ઈમારતમાં સ્લેબ પડવાની દુર્ઘટના બની હતી. દુર્ઘટનામાં 5મા માળનો સ્લેબ ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડીને નીચે પડ્યો હતો. દુર્ઘટના સમયે બિલ્ડિંગના પાંચમા અને પહેલા માળે લોકો ઉપસ્થિત હતા જ્યારે બાકીના માળ ખાલી હતા.
આ બિલ્ડિંગ આશરે 26 વર્ષ જૂની છે અને તેમાં કુલ 29 પરિવારો રહે છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી.
Comments
Post a Comment