મન કી બાતમાં કોરોના મુદ્દે PMએ કહ્યું- બે ગજનું અંતર, માસ્ક અને વેક્સિન જ વિજય માટેનો રસ્તો
- વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી
નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂ છું. લોકો ખૂબ જ મજબૂતાઈથી આ સંકટ સામે લડ્યા હતા.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ પત્ર લખીને તેમને મન કી બાત કાર્યક્રમમાં તેમની સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે ચર્ચા કરવા કહ્યું હતું. વડાપ્રધાને આ 7 વર્ષમાં તેમની સરકારે જે ઉપલબ્ધિઓ હાંસલ કરી તે દેશની ઉપલબ્ધિઓ છે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે ષડયંત્રોનો જડબાતોડ જવાબ આપવા લાગ્યું છે. એવા અનેક કામો થયા છે જેનાથી કરોડો લોકોને ખુશી મળી છે. તેઓ આ કરોડો લોકોની ખુશીમાં સામેલ થયા છે. દેશને આગળ વધારવા દરેક નાગરિકે એક એક પગલું આગળ વધાર્યું છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી અનેક મુદ્દા શાંતિથી ઉકેલવામાં આવ્યા છે અને હવે ત્યાં વિકાસની નવી ધારા વહી રહી છે. આવું એટલે જ શક્ય બન્યું છે કારણ કે અમે એક દેશ તરીકે કામ કર્યું છે. જે કામ દશકાઓમાં નથી થઈ શક્યું તે 7 વર્ષોમાં થઈ ગયું છે.
વડાપ્રધાને કોરોના કાળમાં ડૉક્ટર્સ-નર્સ પોતાની ચિંતા મુકીને લોકોની મદદ કરવા આગળ આવ્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઓક્સિજન ટેન્કરના સપ્લાયમાં મદદરૂપ બનવા બદલ જળ,થળ, વાયુ સેનાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જૌનપુરના દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી હતી જે ઓક્સિજન ટેન્કર ચલાવે છે.
આજનો કાર્યક્રમ માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાતનો 77મો એપિસોડ હતો અને મન કી બાત 2.0નો 24મો એપિસોડ હતો. અગાઉ 25 એપ્રિલના રોજ વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
Comments
Post a Comment