સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ સમારોહમાં 'ગુપ્તતા'ના શપથ લીધાં


'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન ગુલામદાસ ગધેડા, 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ના માલિક પપ્પુભાઈ પોપટ, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ, અખિલ જંગલીય ચોર સંગઠનના પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડ જેવા મહાનુભાવો સાંસદ ગેંડાભાઈના શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને ખાસ હાજરી આપી.

'જંગલ ન્યૂઝ'માં સમાચાર આવતા હતા: 'મહારાજા સિંહ ભવ્ય સમારોહ યોજીને રાજા તરીકે શપથ ગ્રહણ કરશે. તેમના શપથગ્રહણ સમારોહમાં અલગ અલગ જંગલના રાજા-રાણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજા સિંહના શપથ સમારોહમાં આમંત્રિતોને વિશેષ ભોજન પીરસવામાં આવશે.

મહારાજા સિંહ પદની 'ગુપ્તતા'ના શપથ ગ્રહણ કરીને રાજા તરીકે ફરી વખત કારભાર શરૂ કરશે' સમાચાર જોઈને સાંસદ ગેંડાભાઈ ગુમાની તુરંત સક્રિય થયા. ગેંડાભાઈએ તેના રાજકીય સલાહકાર મંકી મંદમતિને ફોન જોડયો અને તાત્કાલિક મળવાનો આદેશ આપ્યો.

'મંદમતિ! આપણે ય આવો જ ભવ્ય સમારોહ યોજવો છે. શું કરવું પડશે?' ગેંડાભાઈ ગુમાનીએ ઉતાવળે મંકી મંદમતિને મહારાજ સિંહના શપથ સમારોહનો ટીવી અહેવાલ બતાવ્યો.

'એ તો રાજા-મહારાજાને આવો શપથ સમારોહ યોજવો પડે. સાંસદને તો માત્ર સાદા શપથ લેવાના હોય છે. તેમના માટે આવો ભવ્ય સમારોહ હોતો નથી એટલે આપણે તો નહીં યોજીએ તો ય...' મંકી મંદમતિને આગળનું વાક્ય બોલતા અટકાવીને ગેંડાભાઈએ કહ્યું, 'આપણે સમારોહ કરવાનો જ છે. બીજા સાંસદો શું કરે છે એનાથી મને કોઈ મતલબ નથી. આપણે તો મહારાજા સિંહ કરે એવું કરવાનું.'

'તમે કહો ત્યારે ગોઠવી દઈએ' ગેંડાભાઈ જ્યારે જ્યારે ચૂંટણી જીતી લેતા પછી તેના દિમાગનો પારો ઊંચો ચડી જતો. મગજમાં રાઈ ભરાઈ જતી એટલે એક પણ બાબતમાં તેને અટકાવવાનું કામ કપરું થઈ પડતું. વર્ષોના અનુભવે મંકી મંદમતિ એ વાત જાણતો હતો એટલે તેણે ટૂંકમાં પતાવ્યું.

'તું કાર્યક્રમનું આયોજન ગોઠવવા માંડ. હું મતદારો સમક્ષ મારા વિજયની ઉજવણી કરીશ, શપથ ગ્રહણ કરીશ' ગેંડાભાઈ ગુમાનીએ હુકમ છોડયો.

'જી! બધું ગોઠવાઈ રહે એટલે આપને જણાવીશ. થોડાંક દિવસમાં આપણે કાર્યક્રમ કરી દઈએ' મંકી મંદમતિએ ગણતરી માંડીને ઉમેર્યું, 'લગભગ બે-ત્રણ દિવસમાં બધું આયોજન થઈ જશે'

'શું?' ગેંડાભાઈને ગુસ્સો આવ્યો, 'આજે ને આજે જ કરવાનું છે. અત્યારથી કરવા માંડ તો ય સાંજ સુધીમાં બધું થઈ જશે. જરૂર પડે તો મારા અન્ય સમર્થકોને સાથે રાખ' ગેંડાભાઈએ શપથ સમારોહ તુરંત યોજવા જીદ પકડી.

'જી. થોડીવારમાં આપને ફોન કરીને સમય જણાવું છું' હવે મંકી મંદમતિએ આજે જ કાર્યક્રમ યોજવા સિવાય છૂટકો ન હતો.

'...અને હા..' મંકી મંદમતિ રવાના થતો હતો ત્યાં ગેંડાભાઈએ એક ચીઠ્ઠી થમાવતા છેલ્લી સૂચના આપી, 'શપથમાં જે બોલવાનું હોય છે એ પણ આ મુદ્દાઓના આધારે તૈયાર કરાવી લેજે.

'જી' મંકી મંદમતિ રવાના થયો. ગેંડાભાઈના આદેશ પ્રમાણે મંકી મંદમતિએ થોડીક કલાકોમાં જેમ-તેમ કરીને કાર્યક્રમ ગોઠવી આપ્યો.

'ગેંડાભાઈ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, પણ શપથ ગ્રહણ કરાવવા માટે કોઈ મળ્યું નથી' મંકી મંદમતિએ ગેંડાભાઈએ ફોનમાં માહિતી આપી.

'કંઈ વાંધો નહીં. એ હું જાતે ગ્રહણ કરી લઈશ. આમેય કોઈ મને શપથ અપાવે અને હું લઉં એ વાતમાં માલ નથી!' સાંસદ ગેંડાભાઈએ તેમના સ્વભાવ પ્રમાણે ગુમાનથી કહ્યું.

શપથ સમારોહમાં મતવિસ્તારના ખાસ મહેમાનોને ય આમંત્રણ આપવામાં આવ્યું હતું. જંગલના ઉદ્યોગપતિ અને 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન ગુલામદાસ ગધેડા, 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ના માલિક પપ્પુભાઈ પોપટ, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ, ધારાસભ્યના બે મુખ્ય રાજકીય સલાહકારો - બિલાડાભાઈ બબાલી, કૂતરાભાઈ કડકા, અખિલ જંગલીય ચોર સંગઠનના પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડ, પોતાને વિદ્વાન માનતા હોલાજી હઠિલા જેવા કેટલાય આમંત્રિતોથી ખુરશીઓ વજનદાર થઈ ચૂકી હતી. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદન આવવાની તૈયારીમાં હતા. તેમનાં આગમન પછી મોડી સાંજે સમારોહ શરૂ થયો.

કાર્યક્રમના સંચાલનની જવાબદારી ખુદ ગેંડાભાઈના રાજકીય સલાહકાર એવા મંકી મંદમતિના માથે હતી. તેણે કાર્યક્રમનો આરંભ કરતા કહ્યું: 

'આપણાં અતિથિ વિશેષ શ્રીગેંડાસ્વામી ગોલબદન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ગેંડાસ્વામી જંગલના એક માત્ર એવા મુખ્યમંત્રી છે, જેમના પક્ષ પાસે ઓછી બેઠકો હોવા છતાં તેમનું કદાવર બોડી મુખ્યમંત્રીની ખુરશી શોભાવે છે. મહારાજા સિંહના વિશ્વાસુ સલાહકાર અને જંગલના શક્તિશાળી નેતા રીંછભાઈને ય ગેંડાસ્વામીની ખુરશી હલાવવામાં સફળતા મળી નથી એ વાત આપણે સૌ જાણીએ છીએ.

ગઠબંધનનું વિષ પી જનારા આ નેતા તેમની રૂદન રાજનીતિ માટે જંગલમાં જાણીતા બન્યા હતા. રડીને પોતાની તરફેણનું વાતાવરણ બનાવી શકાય એવું તેમણે જંગલના નેતાઓને શીખવ્યું હતું. તેઓશ્રી આપણને બે'ક શબ્દો કહેશે. પંજાઓના થપથપાટથી આપણે સૌ એમને વધાવી લેશું; શ્રીગેંડાસ્વામી ગોલબદન'

મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને ટૂંકું પ્રવચન આપ્યું: 'ફરી વખત ભારે લીડથી ચૂંટાયેલા સાંસદ શ્રીગેંડાભાઈ ગુમાની, તેમના રાજકીય સલાહકાર અને આ કાર્યક્રમના સંચાલક શ્રીમંકી મંદમતિજી, જંગલના લોકપ્રિય નેતા શ્રીવાંદરાભાઈ વટપાડુ, તેમના બે રાજકીય સલાહકારો શ્રીબિલાડાભાઈ બબાલી, શ્રીકૂતરાભાઈ કડકા. ચોર સમાજના સંગઠનને નવી ઊંચાઈએ લઈ જનારા શ્રીઘુવડભાઈ ઘરફોડ, ઉદ્યોગપતિ શ્રીગુલામદાસ ગધેડાજી, શ્રીપપ્પુ પોપટજી, વિદ્વાન હોલાજી હઠિલા અને એ સિવાયના તમામ આદરણીય મહેમાનો...

આપ સૌના સમર્થનથી ગેંડાભાઈ ગુમાની ફરી વખત ચૂંટાયા છે તેનો મને બહુ અંતરથી આનંદ છે.' ગેંડાસ્વામી ગોલબદન આટલું બોલતા બોલતા તો ગળગળાં થઈ ગયા. તેમણે સજળ નેત્રે કહ્યું, 'તેમની રાજકીય વિજયયાત્રા અવિરત રહે તેવી શુભેચ્છા.' ગેંડાસ્વામી ગોલબદનનું ભાષણ શરૂ થયા ભેગું જ પૂરું ય થઈ ચૂક્યું હતું. તેમણે મહેમાનોના નામ લેવામાં જેટલો સમય લીધો હતો, ભાષણ તો એનાથી અડધું ય ન ચાલ્યું. ઓછું ભાષણ કરતો નેતા જંગલમાં હવે ઝડપથી વાહવાહી મેળવે છે. ટૂંકાં ભાષણ બદલ ગેંડાસ્વામી ગોલબદને પણ અભૂતપૂર્વ તાળીઓનો ગડગડાટ મેળવ્યો.

'ધન્યવાદ ગેંડાસ્વામી ગોલબદન. તો હવે આપણે શપથવિધિ શરૂ કરીએ.' સંચાલક મંકી મંદમતિએ જાહેરાત કરી, 'હું હૃદયપૂર્વક શપથ સમારોહ માટે આપણાં સૌના નેતા અને ફરી વખત જંગી લીડથી ચૂંટાયેલા સાંસદ શ્રીગેંડાભાઈ ગુમાનીને આમંત્રણ પાઠવું છું. આપણે સૌ એમને વધાવી લઈશું'

જોરજોરથી ટકરાતા પંજાઓનો થોડીક વાર અવાજ આવ્યો. અવાજ શાંત થયા પછી સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ કાગળમાં જોઈને શપથ લેવાનું શરૂ કર્યું 

'હું ગેંડાભાઈ ગુમાની. આપ સૌ મતદારોની કસમ ખાઈને શપથ ગ્રહણ કરું છું કે બંધારણ* અને નિયમોમાં નિષ્ઠા રાખીશ. સાંસદ તરીકે મને આપ સૌ તરફથી સોંપવામાં આવેલા કાર્યો મારા નિયમોના દાયરામાં રહીને થશે તો ચોક્કસ કરીશ.

સાંસદ તરીકેના મારા* કામોમાં હું કોઈ બાંધછોડ નહીં કરું. હું 'મારા' કાર્યમાં ક્યારેય પક્ષપાત પણ નહીં કરું અને એ કાર્યો થાય તે માટે પૂરતો ન્યાય કરીશ. આ ટર્મમાં મારું કર્તવ્ય* હું પૂરું નિભાવીશ. 'મારા' એકેય કાર્યો કોઈ પણ રીતે અટકે નહીં તેની હું ખાસ કાળજી રાખીશ.

હું ગેંડાભાઈ ગુમાની આપ સૌની સાક્ષીએ કસમ ખાઈને કહું છું કે આપના મતક્ષેત્રના સાંસદ તરીકે 'મારા' કોઈ કાર્યો તરફ મતદાર કે મતદારોનું પ્રતિનિધિ મંડળ મારું ધ્યાન દોરશે તો એ બધું માત્ર મારા પૂરતું રહે તેવી 'ગુપ્તતા'* જાળવીશ. 

પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ* રીતે મારા ધ્યાનમાં લાવવામાં આવેલા વિષયો* હું પ્રગટ કરીશ નહીં અથવા તો એ પરત્વે સ્પષ્ટતા કરીશ નહીં.

પંજાઓના ગડગડાટ સાથે ગેંડાભાઈ ગુમાનીના શપથગ્રહણ પૂરા થયા. પંજાઓ ટકરાતા હતા ત્યારે ખાસ કોઈને કંઈ સંભળાતું ન હતું, પરંતુ સંચાલક મંકી મંદમતિએ 'બંધારણ' નામની નાનકડી પુસ્તિકા કાઢીને શપથમાં જે શરતો હતી તે ઉતાવળે વાંચી સંભળાવી હતી.

એ શરતો કંઈક આ પ્રમાણે હતી: 

* 'બંધારણ' એટલે જંગલનું બંધારણ નહીં, પણ મેં મંકી મંદમતિની મદદથી નિયમોની જે ચોપડી બનાવી છે તેનું નામ બંધારણ રાખ્યું છે.

* મારા શબ્દનો અર્થ અહીં એ થાય છે કે જેમાં મારા પોતાના હિતો જળવાતા હોય એવાં બધા જ કાર્યો.

* કર્તવ્યનો અર્થ થાય છે આ ટર્મમાં પૂરા કરવાના મારા પોતાના કામોની યાદી.

* ગુપ્તતા મને ન ગમતી કે મને નુકસાનકર્તા બાબત પ્રત્યે મારું ધ્યાન દોરવામાં આવશે અને તેમાં મારો કોઈ વાંક નજરે ચડતો હશે તો પણ હું ગુપ્તતા જાળવીશ અને એ હકીકત બહાર ન આવે તે માટે સાંસદ તરીકેની શક્તિ કામે લગાડીશ.

* અપ્રત્યક્ષ એટલે સોશિયલ મીડિયામાં મારા વિરૂદ્ધ કોઈ આરોપો લાગશે અને પુરાવાં રજૂ થશે ત્યારે પણ હું સ્પષ્ટતા કરવામાં સમય નહીં બગાડું અને મૌન જાળવી રાખીશ.

* વિષયોની પરિભાષા અહીં મારા વિરૂદ્ધ થતાં વિવિધ ભ્રષ્ટાચારના આરોપો વગેરે સમજવું.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો