મનની આશા આથમી ગઇ, પણ અજવાળાંની કેડી છોડી નહીં !

જો રિશ્તે હૈ અપને, વો કભી રિશ્તે નહીં હોતે, જો અપને લગતે હૈં, વો કભી અપને નહીં હોતે.

કેવી મોહક રંગબેરંગી છે આ દુનિયા ! કેવા મુલાયમ છે માનવીય ભાવો ! કેવો વૈભવ વહે છે ધનસંપત્તિમાં અને કેવું છે આ ધનવાનોનું જીવન ! ભીતરની દુનિયામાં પ્રેમમાં ભાવો ઉભરાય, કોમળ નજાકત જોવા મળે, પ્રણયનો આનંદ અને એની વિફળતાનાં આંસુઓથી હૃદય ધબકાર ઝીલતું હોય.

પ્રાદ્યાપકની પુત્રી કુમારી રેન્કોનના જીવનની આખીય ઇમારત એના અભ્યાસના પુસ્તકોની એક એક ઇંટથી ઘડાયેલી હતી. ક્યારેક દયા અને સહાનુભૂતિની કથા સાંભળતી, એના પ્રાધ્યાપક પિતા એને રસમય કિસ્સાઓ કહેતા. એવા મધુર કંઠે કવિતાઓ ગાય કે એમના વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા કરતાં. રેન્કોના આવા સુંવાળા ભાવનાશીલ જગતમાં એકાએક ધરતીકંપ થાય છે અને એ વિચારે છે કે જો અજ્ઞાાનનો પ્રકાશ એ જ્ઞાાન છે, તો જ્ઞાાનનો પ્રકાશ એ કર્તવ્ય છે, અને કર્તવ્યનિષ્ઠ થવું એ મહાવિદ્વાન બનવા કરતાં પણ અઘરું છે.

તો પોતાનું કર્તવ્ય શું ? પ્રણયની મધુર લીલાઓ આલેખતી કવિતાઓથી મનને તરબતર રાખવું કે પછી જગતમાં પીડા અનુભવતા માણસોની વેદનાને આત્મસાત્ કરવી. આજ સુધી એણે માત્ર ગરીબીનાં વર્ણનો સાંભળ્યાં હતાં. હવે એને નજરો નજર ગરીબી જોવી હતી. એને જાણવું હતું કે દૈન્ય અને દીનતા કેવાં હોય ! નગરના સાવ છેવાડાના ભાગ પર આવેલી એક વસ્તીમાં એ ઘૂમવા લાગી. નદીના એકાંત કાંઠા પર એ વસ્તી હતી.

નગરની મોરીઓના કીચડમાં આ વસતીના બાળકો રમતા હતા. કપડા માત્ર નગ્નતા ઢાંકવા માટે હતા, પહેરવા માટે નહીં. કચરામાં મળેલું જે કંઇ હોય, તેને એ ખાતા હતા. ફટેહાલ ગરીબી પર ભદ્ર સમાજે આ વસ્તીના કપાળે બદનામીના કેટલાય કલંકો લગાડયા હતા. ભદ્ર લોક આ વસ્તીનું નામ લેતા શરમ અનુભવતો હતો. જાણે જગત પર આ વસ્તી ન હોત તો કેટલું સારું ?

અહીં માણસો જીવતા હતા, પણ મરવાને વાંકે. પોષણના અભાવે માયકાંગલો બાળક મરણને શરણ થતો. કાળી મજૂરી કરીને હાડચામ દેખાતા હોય એવો યુવક થાકીને દારૂને સહારે જિંદગી પૂરી કરતો. બૂઢાપો તો ભાગ્યે જ કોઈને જોવા મળતો. બૂઢાપો હોય તો એને રસ્તા પર ભીખ માગીને જીવવું પડે. ઠોકરો ખાવી પડે અને રસ્તાની બાજુમાં ટાઢ, તાપ કે ભૂખને કારણે અંતિમ બિછાનું ઓઢવું પડે.

સંતો કે સેવાપુરુષો આ તરફ ફરકતા નહીં. બિમાર બાળકને જોવા માટે ડૉક્ટર ત્યાં કદી જતો નહીં. માત્ર ત્રણ માણસો આ વસ્તીમાં અવારનવાર જતા હતા. એક હતો લગભગ અર્ધ ઘેલો એવો પાદરી, જે અહીં તહીં ઘૂમ્યા કરતો અને પ્રભુની વાત કર્યા કરતો. બીજો હતો સાવ નાસ્તિક, એ પ્રભુમાં માને નહીં, એ કહે કે નર એ જ નારાયણ અને નારાયણની સેવાને માટે આ વસ્તીમાં ફરતો જોવા મળતો. અને ત્રીજી હતી પોલીસ. કોઈ ગુનેગારની શોધમાં આવી પહોંચતી.

સખત મારઝૂડ કરતી, ઝૂંપડામાં જઇને ભાંગતોડ કરતી, માનતી કે સંસારના સઘળાં ગુનેગારો અહીં જ વસે છે. પિતાથી પુત્રને છૂટો પાડીને એના પિતાને ઊઠાવી જતા હતા. પત્નીથી અલગ કરીને પતિને પકડીને લઇ જતા હતા. શહેરમાં બનેલા કોઈ ગુનાનો ભેદ ઉકેલાતો ન હોય તો અહીંથી જ કોઇને રીઢો ગુનેગાર બનાવીને લઇ જતા હતા. ગુનો સ્વીકારવા કહેતા અને જો પોલીસ કહે તેમ ગુનો સ્વીકારે નહીં, તો એને માર મારીને અધમૂઓ કરી નાખતા. કાયદાની લોહજંજીરોમાં આ દુર્ભાગ્યે જકડાઈ જતા. એમને માટે જેલની ગંદી ખોલીઓ જ જીવન અને મોતનો મુકામ બની જતી.

આ કાયદાની જંજીરોની કડીઓની અવળી-સવળી ગૂંથણીને કેમ તોડવી એ કાયદાશાસ્ત્રીઓ જાણે. પણ કાયદાશાસ્ત્રીઓ તો માત્ર ફાયદાનું જ વિચારે. એમને માટે કાયદો એટલે ફાયદો. પૈસા આપો તો ખૂનીને નિર્દોષ ઠરાવી આપે. પૈસા આપો તો નિર્દોષને ખૂની નક્કી કરી આપે. બધો આધાર પૈસા પર. પૈસો એમનો પહેલો પ્રભુ. સત્ય અને ન્યાય એ તો માત્ર કાયદાની દલીલના વજનદાર શબ્દો.

કુમારી રેન્કો ફરતી ફરતી આ ગરીબ વસ્તીમાં આવી. ગરીબીના વર્ણનો વાંચ્યા હતા, પણ એની વાસ્તવિક્તા જોઇને ધૂ્રજી ઉઠી. જુવાન સ્ત્રી-પુરુષો ગામમાં ડૂચા અને ચીંથરા વીણવા ચાલ્યા ગયા હતા. એ આ ચીંથરા વેચીને પેટ ભરતા હતા. નાનાં બાળકો ગંદકીમાં ખેલતા હતા, લડતા ઝઘડતા હતા, અપશબ્દો બોલતા હતા.

ક્યાંય કોઈ દેખાવડો બાળક કે દેખાવડી છોકરી જોવા ન મળે. વસ્તીના બધા જ દેખાવડા બાળકો વેપાર માટે વેચાતા હતા. દેખાવડી છોકરીઓને વેશ્યાઓ આવી ખરીદી જતી હતી. આ તો શેષ બાળકો હતા, જેનો કોઈ બજારભાવ નહોતો. એ બધા મરવાને વાંકે જીવતા હતા. દુર્ગંધના કીડા, ગંદકીના દાસ.

પ્રોફેસરની પુત્રી રેન્કોનું ચિત્ત ચકરાવા લેવા માંડયું. કલ્પના પણ નહોતી કે આ પૃથ્વી પર આવી કોઈ દુનિયા હશે ! જ્યાં માણસ અને મચ્છરમાં કોઈ ફેર નહીં હોય ! એના મનમાં ગરીબીથી બેહાલ જીવનનું એક એક દ્રશ્ય ઊભરાવા લાગ્યું. બીજે દિવસે આ વસ્તીમાં આવી ત્યારે સાથે પીપરમીંટ લઇને આવી.

રસ્તામાં ખેલતા નાગાપૂંગા બાળકોને એણે પીપરમીંટ વહેંચી અને એ બાળકો એની આસપાસ વીંટળાઈ વળ્યા. ધીરે ધીરે બાળકો રેન્કોના હેવાયા થઇ ગયા. રોજ સવાર પડે અને બાળકો રેન્કોની રાહ જોઇને બેસે. એ આવે એટલે બાળકો નાચવા માંડે. કૂદકા લગાવે અને ગેલ કરે. રેન્કોએ એમને સ્નાન કરાવવાનું શરૂ કર્યું. થોડાં રમાડયા અને ધીરે ધીરે એમની ખરાબ ટેવો સુધારવા લાગી.

એમને કપડાં આપ્યાં, આ બાળકો પાસે કપડાં કહેવાય તેવું કશું હતું નહીં. રેન્કો એમને સરસ મજાના કપડાં આપે અને બાળકો એને પહેરીને જોતા જોતા નાચવા લાગે. રેન્કોના પ્રોફેસર પિતા પુત્રીને માટે સુંદર વસ્ત્રો લાવતા હતા. સારા આભૂષણો લાવતા હતા. ત્યારે રેન્કોને પોતાની વ્હાલી વસતી યાદ આવતી હતી. અને એ કહેતી ઃ હે પ્રભુ, એક જ પિતાના સંતાનોમાં આટલો ભદે ન હોય. શા માટે એ રંક ભિખારી ! શા માટે આપણે વૈભવવિલાસી !

રેન્કો એ કીંમતી વસ્ત્રો અને મોંઘાં આભૂષણો વેપારીને ત્યાં પાછા આપી આવતી, સાદાં વસ્ત્રો ખરીદી લાવતી અને એ વસ્ત્રો આ નગ્ન બાળકોને આપીને વસ્ત્રહીનોની દીનતા ઢાંકવા પ્રયત્ન કરતી. નગરનો એક અર્ધઘેલા જેવો પાદરી અહીં આવતો. એ રેન્કોને કહેતો,

'પ્રભુએ પોતાના બાળકો માટે લોહી આપ્યું. વેરીને ક્ષમા કરી, આપણે પ્રભુનો એ માર્ગ ન ભૂલીએ.'

રેન્કો કહેતી, 'આખી દુનિયાની તો હું વાત નથી કરતી. પણ હું આ લોકો માટે જરૂર લોહી વહાવીશ.'

ત્યારે આ વસતીમાં ફરતો નાસ્તિક અહીં આવી પહોંચતો. એ પાદરીની વાતની મજાક ઉડાવતો અને કહેતો કે પ્રભુ એ તો શ્રીમંતોએ ઊભો કરેલો ખેતરનો ખોટો ચાડિયો છે. જો બધા જ પ્રભુના સંતાન, તો આવો ભેદ શા માટે ? એક ભૂખે તરફડે અને બીજો મિષ્ટાન્નને જમે. એકને રહેવા છત નહીં અને બીજાને મોટા મહાલય. એ વસ્તીના ગરીબોમાં ફરીને શ્રીમંતો પ્રત્યે વેર જગાવતો હતો. એણે રેન્કોને કહ્યું,

'આ કાંટાળા વનમાં તમારા જેવી નાજુક કળીનું કામ નહીં.' રેન્કોએ ન દલીલ કરી, ન કોઈ જવાબ આપ્યો. એ તો એના કામમાં ડૂબેલી રહી. એણે આ ગરીબ વસ્તીની વાસ્તવિક્તા વિશે લખવાનું શરૂ કર્યું. રાત્રે સહુને ગરીબાઈની લાચારીમાંથી તારવા અને સદ્ગુણ તરફ લઇ જવા બોધક વાતો કહેવા માંડી. એણે સહુને સમજાવ્યું,

'ગરિબાઈ એ જીવનનો શાપ નથી, પ્રભુને પ્યારા બનવાનું સાધન છે. ઊંડો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે શ્રીમંત જેવો કોઈ દુઃખી નથી, જીવતાં આવડે તો ગરીબ જેવું કોઈ સુખી નથી.'

ધીરે ધીરે વસ્તીમાં જાગૃતિ આવવા લાગી. અહીં વારતહેવારે કેટલાક ઠેકેદારો આવીને હાડપિંજર જેવા છોકરાઓને ખરીદીને લઇ જતા હતા. એમની પાસે ભીખ મગાવતા હતા અને એમાંથી થયેલી આવક પડાવી લેતા હતા. હવે ભીખ માટે છોકરાં ખરીદનારા ખાલી હાથે પાછા ફરવા લાગ્યા. વેશ્યાઓને છોકરીઓ મળવી બંધ થઈ ગઈ.

ગરીબ વસ્તીની નજીકમાં જ એક વેશ્યાગૃહ હતું. એનો માલિક એક મહાશ્રીમંત હતો. સઘળે એની લાગવગ ચાલતી. પોતાનું ધાર્યું કરી શક્તો. એણે નિશ્ચય કર્યો કે આ ગરીબ વસ્તીને અહીંથી દૂર હટાવી દેવી અને નવા ઋતુયોગ્ય ગણિકાગૃહો રચવા. આખીય વસ્તીને ચપટીમાં ચોળી નાખીશ એવો એનો મિજાજ હતો. એણે પોલીસને કામ સોંપ્યું અને પોલીસ એ પશુતાની પડોશી હતી. ભ્રષ્ટ લોકોના પ્રતાપે જ એમના જીવનમાં સમૃદ્ધિ આવતી હતી.

આથી ગણિકાગૃહના શ્રીમંત માલિકે એક કાવતરું રચ્યું. પાસે જ એક ગૅરેજ હતું. એમાંથી એક રાત્રે બેટરીઓ ચોરાઈ ગઇ. પોલીસ તપાસમાં નીકળી. એ બેટરી ગરીબ વસ્તીના કોઈ ઘરમાંથી મળી આવી. આ ઘરમાં રહેતો છોકરો રોજ ડૂચાં અને ચીંથરા વીણતો હતો. પ્રમાણિક હતો. એક વાર કોઇની ચલણી નોટો મળી હતી, એ એણે પોલીસ સ્ટેશનમાં સોંપી દીધી હતી. એ વેળાએ અખબારમાં એની તસવીર પણ છપાયેલી.

આ છોકરા પર પોલીસે ચોરીનું તહોમત મૂક્યું, ધરપકડ કરી. રેન્કોને આ ઘટનાની જાણ થઈ. એને થયું કે આ છોકરો આવી ચોરી ન કરે. એ નિર્દોષ છે. અદાલતમાં એ છોકરા પર બેટરીઓ ચોરવાનું તહોમતનામું મૂકાયું. કેસ ચાલ્યો. રેન્કોએ વકીલોના દ્વાર ખખડાવ્યા. ન્યાયનું કામ હતું, પણ મોટા વકીલો સાથે આ બાબતે વાત કરવી પણ મુશ્કેલ હતી. ન્યાય માટે એમની સાથે વાત કરવાના પણ પૈસા પડતા હતા. એના મનની આશા આથમી ગઇ છતાં એને અજવાળું છોડયું નહીં. એ જાતે કાયદાનાં પુસ્તકો લઇને આવી. અભ્યાસ કર્યો પણ ઝાઝી સમજ પડી નહીં. આખરે એ પોતાના પ્રભુની પ્રાર્થનામાં બેસી ગઈ.

'હે પ્રભુ ! નિર્બળનું બળ રામ. આ તારું કામ છે ! તું કરજે !' પ્રભુ પ્રાર્થના પૂરી કરીને એ અદાલતમાં હાજર થઇ અને એ વખતે એને એકાએક કંઇક સૂઝ્યું. એણે કહ્યું, 'હું નામદાર કોર્ટને અરજ કરું છું કે આવડો છોકરો આવી ભારે બેટરી ઊંચકી શકે ખરો ? અને જો ઊંચકી ન શકે તો ચોરી કરીને કઇ રીતે લઇ જઈ શકે ? માટે આની તપાસ થવી જોઇએ.' પ્રભુની પ્રાર્થનાની કહો, રેન્કોની પરમાર્થભાવનાથી કહો કે છોકરાની સચ્ચાઇથી કહો, પણ ન્યાય મંદિરે રેન્કોની વાતનો સ્વીકાર કર્યો અને છોકરો નિર્દોષ છૂટી ગયો. એ દિવસે લોકોએ રેન્કોમાં કોઈ પારમાર્થિક દેવીના દર્શન કર્યા.

એ દિવસ પછી તો રેન્કો પોતાના પિતાનું ઘર છોડીને આ ગરીબ વસ્તીમાં રહીને પોતાની અનુભવ કથા લખવા માંડી. બીજી બાજુ પેલા ગણિકાગૃહનો માલિક હારથી અકળાઈ ઊઠયો. એની ભારે લાગવગ હતી. આથી એ ઠરાવ લાવ્યો કે ડૂંચા અને ચીંથરા વીણવાને બહાને આવતા લોકોથી ગુનાઓ વધે છે. શ્રીમંતોના ઘેર ચોરીઓ થાય છે, આથી એના પર પ્રતિબંધ મૂકવો જોઇએ.

આ ઠરાવ પસાર થયો. ગરીબ વસ્તી સાવ બેકાર બની ગઈ. એવામાં વળી બીજો પ્રસ્તાવ આવ્યો. નગરના છેડે શહેરીજનોના આનંદપ્રમોદ માટે અને હરિયાળી વિકસાવવા માટે એક મોટો ઉદ્યાન બનાવવો જરૂરી છે માટે ગરીબ વસ્તીવાળી જમીન હસ્તગત કરવી, જો એ ખાલી ન કરે તો પોલીસ દ્વારા ખાલી કરાવવી.

ગરીબ વસ્તીના મોટા ભાગના લોકો બેકાર હતા. હવે એમના ઘરબાર પણ ચાલ્યા જવાના. વળી આ એમની ખરીદેલી જમીન નહોતી. પડતર જમીન પર પૈસાનો કાબૂ હતો. રેન્કોની અગ્નિપરીક્ષા થઇ રહી. એની પાસે કોઈ માર્ગ નહોતો. એણે બધું અર્પણ કરી દીધું હતું. આથી એ ફરી પ્રાર્થનામાં બેસી અને ચોધાર આંસુએ રડતાં પ્રભુને કહ્યું, 'હે પ્રભુ, મારું લોહી લે, પણ આ લોકોને સુખી કર !'

એ સમયે નગરના મૅયર આ બાજુ ફરવા આવ્યા. એણે રેન્કોનું પુસ્તક વાંચ્યું હતું અને એનાથી એ પ્રભાવિત થયા હતા. એ રેન્કોને મળ્યા અને રેન્કોએ એની સળગતી અને દર્દભરી ભાષામાં બધી હકીકત કહી. મેયર આ પ્રતિબંધથી સાવ અજાણ હતા. એમણેે એ દૂર કરાવવાનું વચન આપ્યું. રેન્કોએ કહ્યું, 'આ જમીન પણ અમને મળે તેમ કરો. શ્રીમંતોને મહેલનો મોહ, હોય એમ ગરીબોને ઝૂંપડીઓનો મોહ હોય.' મેયરે પ્રયત્ન કર્યો પણ સામા પક્ષે બહુ વિરોધી વલણ લીધું. એમણે કહ્યું, 'આ તો સાર્વજનિક ભૂમિ છે. અઢી કરોડ યેન આપે તે ખરીદી શકે.'

'અઢી કરોડ યેન !' રેન્કોના સાથીદારોના મોતીયા મળી ગયા. પેલો નાસ્તિક કહેવા લાગ્યો. 'રેન્કો, આખરે તમે શ્રીમંતોથી હાર્યા ને !'

રેન્કોએ કહ્યું, 'પ્રભુ આપણને હારવા નહીં દે. આપણી હાર એ એની હાર છે.'

રેન્કો પર નોટિસ આવી અને એમાં લખ્યું હતું કે ક્યાં રકમ આપો અથવા જમીન છોડી દો. ત્યારે જનસેવિકા રેન્કો હાથમાં ઝોળી લઇને માગવા નીકળી. અને પોતાના વસ્ત્ર પર હાથે લખીને એક ચીઠ્ઠી ચોંટાડી માટે 'ગરીબો માટે અઢી કરોડ યેન જોઇએ છીએ.' ધીરે ધીરે સેવાનો વિજય થયો. લોકો રકમ આપવા લાગ્યા. જમીન માટે મુદત મળી. માસિક હપ્તા કરી આપ્યા અને રેન્કોએ મળતી ભૂમિ પર નાનાં મકાનો, સ્નાનગૃહો, ચોખ્ખા પાણીનાં નળ અને રમવાનાં ક્રીડાંગણ કરવા માંડયા.

એની વચ્ચે ઝૂંપડી બાંધીને રેન્કો વસવા લાગી. આ પ્રવૃત્તિઓને કારણે રેન્કોની દશા બે બાજુથી બળતી મીણબત્તી જેવી થઇ ગઈ. તપકૃશ રેન્કો માત્ર દૈવી બળ પર જીવી રહી. સઘળી રકમ પૂરી થતાં આ વસ્તીમાં સુંદર ઉત્સવ ઉજવાયો અને એ ઉત્સવ નિહાળી બે દિવસ બાદ તપકૃશ રેન્કોનો આત્મા સ્વર્ગે સીધાવી ગયો.

પેલો નાસ્તિક એ દિવસે આસ્તિક થઇ ગયો !

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, ચૂંટણીનાં પરિણામો પછી ત્યાગપત્રની મોસમ શરૂ થાય છે. પરાજિત પક્ષના નેતાઓ વિના વિલંબે રાજીનામું આપે છે.

બાદશાહ: ક્યા ખૂબ !

બીરબલ: પણ જહાંપનાહ, ત્યાગપત્ર એ તો ચૂંટણી પછીના નાટકનો ઉત્તરાર્ધ છે એમાં હોદ્દાનો ત્યાગ કરવાની વાત હોતી નથી, પરંતુ નિષ્ફળતાનો ત્યાગ કરવા માટે તત્કાળ ત્યાગપત્રનો ઉપયોગ થાય છે !

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો