ભાજપને કર્ણાટક નહીં પણ કોલકત્તા તોડવામાં વધુ રસ

આજે વડાપ્રધાન પદે મોદી શપથ લઇ રહ્યા છે ત્યારે વિપક્ષ માટે તો જ્યારે પડે છે ત્યારે સઘળું પડે એવી સ્થિતિ છે. મમતા બેનરજી અને કોંગ્રેસ બંનેની લેડી લક મશ્કરી કરી રહી છે. એક મહિના પહેલાં જે લોકો ગર્જતા હતા એ લોકો મોં છુપાવી રહ્યા છે. જેમ કોંગ્રેસ ચોમેર પરાસ્ત થઇ છે એમ મમતા બેનરજીનું છે.
જે મમતા માય બંગાલ-માય બંગાલ એમ કહે રાખતા હતા ત્યાં ઠેર-ઠેર ભાજપના ભગવા લહેરાતા જોવા મળે છે. ભાજપના બેનરો ઉતારી લેવાની ચેષ્ઠા મમતાને મોંઘી પડી રહી છે. જ્યારે ચૂંટણી દરમ્યાન ભાજપના નેતાઓને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુંડા જેવા શબ્દોથી નવાજનાર મમતા એક તબક્કે એમ કહેતા હતા કે આ બંનેને હું જેલમાં પુરી દઇશ.
મમતાના ઉગ્ર અને બેફામ નિવેદનો સામે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે રાજકારણમાં પ્રચાર દરમ્યાન થોડો સંયમ રાખવો જોઇએ કોઇની પણ ગમે ત્યારે જરુર પડી શકે છે. જોકે મમતાએ તેમની કાતર જેવી જબાન ચાલુ રાખી હતી. મમતાને હવે તેમનો ઉગ્ર સ્વભાવ ભારે પડી રહ્યો છે. તેમની સાથે કોઇ રાજકારણી રહેવા તૈયાર નથી. જેમ ડાબેરી પક્ષો તેમના કટ્ટર દુશ્મનો છે એમ કોંગ્રેસ સાથે પણ તેમણે સંબંધો બગાડેલા છે.
પ.બંગાળ પોતાનું છે અને તેમા કોઇ પ્રવેશી શકે નહીં એવા અભિમાનમાં રાચતા મમતાનો ગઢ તોડીને ભાજપ અંદર ઘૂસી ગયું હતું.
રાજકારણમાં કોઇનું અભિમાન ચાલતું નથી. ડાબેરી પક્ષો એમ માનતા હતા કે પ.બંગાળ તેમનો ગઢ છે પણ મમતાએ તેમને હરાવ્યા હતા. ડાબેરી નેતાઓ જેવોજ ઇગો ધરાવતા મમતાને ભાજપે ધોળે દિવસે તારા બતાવી દીધા છે.
ભાજપ કર્ણાટક અને મધ્યપ્રદેશના વિધાનસભ્યો તોડવાની વાત કરતું હતું પણ તોડે છે પ.બગાળના વિધાનસભ્યોને. પશ્ચિમ બંગાળમાં મારા સિવાય કોઇ ના હોઇ શકે એમ માનતા મમતા બેનરજી કહેતા હતા કે ભાજપને એક પણ બેઠક નહીં મળે પરંતુ ભાજપવાળા ૧૮ બેઠકો ખેંચી લાવ્યા હતા.
મમતા બેનરજી કંઇ સમજે એ પહેલાં તો ભાજપે ઓપરેશન શરુ કરી દીધું હતું. મમતા રાજીનામું આપવાની વાત કરતા રહ્યા અને ભાજપ ગાબડા પાડતું ગયું હતું. મમતાની પકડ પ.બંગાળ પરથી ઓછી થઇ ગઇ છે એમ કહી શકાય. મમતા સંગઠન મજબુત કરવા માંગે છે પણ પોતાની જગ્યા માટે કોઇને તૈયાર કર્યા નથી.
ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગી કોલક્તામાં પડયા પાથર્યા રહ્યા છે. વાચકોને યાદ હશે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસના ૪૦ વિધાનસભ્યો મારા સંપર્કમાં છે. ત્યારે વળતા પ્રહારમાં મમતાએ કહ્યું હતું કે મારી સરકારનો એક પણ વિધાનસભ્ય તૂટે એમ નથી.
ભાજપ પાસે પૈસો છે, કેન્દ્રમાં સત્તા છે અને વ્યૂહરચના છે. ભાજપનો ટાર્ગેટ કર્ણાટક નથી પણ કોલક્તા છે એ મમતા સમજી શક્યા નથી. ગઇકાલે બે વિધાનસભ્યો તૂટયા છે. જેમ સાત તબક્કામાં ચૂંટણીઓ હતી એમ સાત તબક્કામા પ.બંગાળના વિધાન સભ્યો ભાજપમાં જોડાશે એમ વિજયવર્ગી રહી રહ્યા છે.
નગરપાલિકાઓ પૈકી ૫૬ જેટલી ભાજપના હાથમાં ટૂંક સમયમાં આવી જશે એમ મનાય છે. પ.બંગાળનું પોલીસતંત્ર પણ હવે મમતાની આંધળી ફેવર કરી શકે એમ નથી. જે પોલીસ વડા માટે મમતાએ દેશના બંધારણને પડકાર્યું હતું તે રાજીવ કુમારની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.
મમતા રાજીનામું આપવાની વાત કરતા રહ્યા અને ભાજપ ગાબડા પાડતું ગયું હતું. મમતાની પકડ પ.બંગાળ પરથી ઓછી થઇ ગઇ છે એમ કહી શકાય. મમતાના ગુંડાઓ પણ ભાગતા ફરે છે.
હતાશ મમતા તેમના કોઇ સાથીનો હાથ પકડી શકે એમ નથી. તેમના ખાસ એવા ચન્દ્રાબાબુ નાયડુનો ધબડકો થયો છે તો નવિન પટનાયક ભાજપ તરફ ઢળી રહ્યા છે. મમતાનો ગઢ આટલો વહેલો તૂટી પડશે તે તો રાજકારણમાં કોઇએ કલપ્યું પણ નહોતું.
મમતાનો સ્વભાવ જડભરત જેવો બની ગયો હતો. પોતાનો કક્કો ખરો કરવામાં તેમણે ભારતના બંધારણને પડકાર્યું હતું અને સુપ્રિમ કોર્ટને પણ પડકારી હતી. પોતે રાજીનામું આપવા માંગે છે અને સંગઠનનું કામ કરવા માંગે છેે એમ કહી તેમણે પ.બંગાળના લોકોની સંવેદના જીતવા પ્રયાસ કર્યો હતો પણ લોકો આ પગલાંને નાટકબાજી ગણાવતા હતા.
દરેક રાજકારણી જીતનો હાથ પકડવા માંગે છે. પ.બંગાળમાં જે રીતે ભાજપે ગાબડાં પાડવા શરુ કર્યા છે તે જોતાં એમ લાગે છે કે ભાજપ પ.બંગાળના રાજકારણને ભગવા રંગે રંગી નાખશે..
Comments
Post a Comment