દિલ્હીની વાત : કન્હૈયાના કેસમાં કેજરીવાલ શાણા સાબિત થયા


કન્હૈયાના કેસમાં કેજરીવાલ શાણા સાબિત થયા

નવી દિલ્હી, તા.29 ફેબ્રુઆરી 2020, શનિવાર

જેએનયુના કન્હૈયા કુમાર સહિત દસ લોકો સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની અંકે અરવિદ કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી. આ મંજૂરી આપીને કેજરીવાલે ફરી સાબિત કર્યું કે, રાજકીય દાવપેચમાં તે ભાજપ કરતાં એક કદમ આગળ છે અને ભાજપની કોઈ ચાલમાં ફસાય એમ નથી. કન્હૈયા સહિત દસ લોકોએ ૨૦૧૬માં જેએનયુ કેમ્પસમાં દેશવિરોધી નારા લગાવ્યા હોવાનો આક્ષેપ કરીને તેમની સામે રાજદ્રોહનો કેસ ઠોકી દેવાયો હતો. આ કેસ ચલાવવાની મંજૂરી કેજરીવાલ સરકાર નહોતી આપતી પણ શુક્રવારે રાત્રે અચાનક વલણ બદલીને કેજરીવાલે મંજૂરી આપીને આશ્ચર્ય સર્જ્યું હતું.

ભાજપ પોતાના વિરોધીઓ સામે હિંદુત્વ અને રાષ્ટ્રવાદનાં કાર્ડ ખેલે છે. વિરોધીઓ પર દેશવિરોધી પરિબળોને પોષવાનો આક્ષેપ કરીને લોકોની લાગણીઓને ભડકાવવાનું રાજકારણ ભાજપ રમે છે. દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલ સામે પણ ભાજપે એ કાર્ડ ખેલેલાં પણ શાણા સાબિત થયેલા કેજરીવાલે એ પ્રયત્નોને નિષ્ફળ બનાવેલા. કેજરીવાલ હવે અન્ય રાજ્યોમાં જવા માગે છે ત્યારે કેજરીવાલ કન્હૈયા જેવા દેશવિરોધીઓને પોષે છે એવો પ્રચાર ભાજપ કરે એ પહેલાં જ તેની હવા કેજરીવાલે કાઢી નાંખી છે.

આઈબીના અંકિતની હત્યા આતંકી કનેક્શન કેસમાં થઈ ?

દિલ્હીનાં તોફાનોમાં આઈ.બી.ના અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં નવો ફણગો ફૂટયો છે. શર્માની હત્યા બદલ આમ આદમી પાર્ટીએ જેમને સસ્પેન્ડ કર્યા છે એ કોર્પોરેટર તાહિર હુસૈન સામે કેસ નોંધાયો છે. 

આ મામલામાં હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કૂદ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, તાહિર હુસૈન બાંગ્લાદેશી આતંકવાદીઓ સાથે સંકળાયેલો છે ને અંકિત શર્મા તેની તપાસ કરતા હતા તેથી રમખાણોનો લાભ લઈને તાહિરે તેમની હત્યા કરાવી દીધી. સ્વામીએ તો મોદી સરકારને આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરાવવા પણ કહ્યું છે.

તાહિર હુસૈન વીસ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશથી મજૂરી કરવા આવ્યો હતો. દિલ્હીમાં તે ઝડપથી આગળ આવ્યો અને માત્ર આઠ ધોરણ ભણ્યો હોવા છતાં આજે કરોડોનો માલિક છે. તાહિર પાસે આ નાણા ક્યાંથી આવ્યાં ને એ કઈ રીતે ધનવાન બની ગયો એ સવાલ પહેલા પણ પૂછાતા રહ્યા છે. સ્વામીના આક્ષેપમાં કેટલો દમ છે તે ખબર નથી પણ તાહિર  શંકાસ્પદ વ્યક્તિત્વ તો ધરાવે જ છે એ જોતા તપાસ જરૂરી છે જ. 

દિલ્હી પોલીસને તોફાનો વખતે બેસી રહેવા આદેશ અપાયેલો ?

દિલ્હીમાં ચાર દિવસ સુધી ચાલેલાં તોફાનોમાં ૪૦ લોકોનાં મોત થયાં. આ તોફાનો દરમિયાન પોલીસે કરેલી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, પોલીસને તોફાનનો કોલ આવે તો પણ કશું નહીં કરવાની સૂચના ઉપરથી આપવામાં આવી હતી. આ સૂચના કોણે આપી એ સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે.

પોલીસ દ્વારા તેના પર આવતા કોલની વિગતોનું રજિસ્ટર રાખવામાં આવે છે. 

આ રજિસ્ટરમાં દરેક કોલ અંગે શંુ પગલાં લેવાયાં તે પણ લખવાનું હોય છે. ટ્રમ્પના આગમનના આગલા દિવસે એટલે કે ૨૩ ફેબ્રુઆરીએ તોફાનો ભડક્યાં ત્યાંથી શરૂ કરીને ૨૬ ફેબ્રુઆરી સુધીમાં પોલીસને રમખાણો અંગે ફરિયાદ કરતા કુલ ૧૩,૨૦૦ કોલ મળ્યા હતા. પોલીસે આ તમામ કોલને અવગણ્યા ને કોઈ કાર્યવાહી ના કરી એવું પોલીસનો સત્તાવાર રેકોર્ડ કહે છે. 

દિલ્હીમાં ૨૫ ફેબ્રુઆરીનો દિવસ સૌથી ભારે હતો ને એ દિવસે ૭૫૦૦ કોલ આવ્યા છતાં કશુ નહોતુ કરાયું.

કાશ્મીરમાં પણ હવે દેશના તમામ કાયદા લાગુ

જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરાઈ એ વાતને છ મહિના કરતાં વધારે સમય થઈ ગયો પણ ભારતના કાયદા હજુય કાશ્મીરમાં લાગુ પડતા નથી. મોદી સરકારે આ વિરોધાભાસ દૂર કરીને દેશભરમાં લાગુ પડતા ૩૭ કાયદા કાશ્મીરમાં પણ લાગુ પાડવાનો માર્ગ મોકળો કરી દીધો છે. મોદી કેબિનેટે બંધારણની કલમ ૯૬ હેઠળ કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરમા એડેપ્શન ઓફ સેન્ટ્રલ એક્ટ્સને મંજૂરી આપતાં હવે ઈન્ડિયન પીનલ કોડ, પ્રીવેન્શન ઓફ કરપ્શન સહિતના ૩૭ કાયદા કાશ્મીરમાં પણ લાગુ પડશે. આ કાયદા પાછલી અસરથી એટલે કે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ની અસરથી લાગુ પડશે. જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમા વિભાજન કરવાનો કાયદો એ દિવસથી અમલી બન્યો હતો.

આ નિર્ણય સાથે મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ભારતના બીજા પ્રદેશો જેવો જ ગણવાની બંધારણીય ઔપચારિકતા પૂરી કરી છે પણ કાશ્મીરમાં જે સ્થિતી છે તે જોતાં દેશના બીજા નાગરિકો કાશ્મીર જઈને વસી શકે તેવી સ્થિતી ક્યારે સર્જાશે એ સવાલ જ છે.

બંગાળથી રાજ્યસભામાં જવા અંગે પ્રશાંત અવઢવમાં

જેડીયુમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રશાંત કિશોરને તૃણમૂલ કોગ્રેસ રાજ્યસભામાં મોકલવા વિચારી રહી છે. જો કે પ્રશાંત બિહારમાં રાજકીય કારકિર્દી બનાવવા માગે છે તેથી આ ઓફર અંગે અવઢવમાં છે.

રાજ્યસભાની ૫૫ બેઠકો માટે માર્ચ મહિનામાં જ ચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો માટે મતદાન થશે ને તેમાંથી ચાર બેઠકો મમતા બેનરજીની પાર્ટી જીતશે એ નક્કી છે. આ ચાર પૈકી એક બેઠક પર પ્રશાંતને ઉભા રાખવાનું મમતાએ વચન આપ્યું હોવાનું તૃણમૂલ કાંેગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. 

મમતા નિવૃત્ત થનારા ચાર પૈકી માત્ર એક જ સાંસદને ફરી ટિકિટ આપવા માગે છે એ જોતાં પ્રશાત સિવાય દિનેશ ત્રિવેદી અને મૌસમ નૂર પર કળશ ઢોળાય એવું લાગે છે.

મમતાને રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ વતી હિંદીમાં આક્રમક રજૂઆત કરી શકે તેવા નેતાની જરૂર છે. બંગાળી નેતાઓનું હિંદી સારું નથી તેથી રાષ્ટ્રીય કક્ષાએ બંગાળના પ્રશ્નો અસરકારકતાથી ઉઠાવી શકાતા નથી. અંગ્રેજીમાં પ્રવચન અપાય તો મીડિયા નોંધ નથી લેતું તેથી મમતા પ્રશાંતને મેદાનમાં ઉતારવા માગે છે. હવે જવાબ પ્રશાંતે આપવાનો છે.

મોરેશિયસના રાષ્ટ્રપતિના અપમાનથી મોદી બગડયા

મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન સાથે એર ઈન્ડિયાના કર્મચારીઓએ કરેલા ખરાબ વ્યવહારના કારણે મોદી સરકાર શરમજનક સ્થિતીમાં મૂકાઈ છે. રૂપન પોતાનાં પત્ની તથા બીજાં છ લોકો સાથે વારાણસીમાં દર્શને ગયા હતા. તેમના સામાનનું વજન વધારે હોવાથી વારાણસીના લાલ બહાદુર એરપોર્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. અધિકારીઓએ વધારાના લગેજ માટે વધારાની રકમ ભર્યા પછી જ જવા દેવા કહ્યું હતું.

રૂપને પોતે રાષ્ટ્રપતિ હોવાનું કહ્યું એ છતાં અધિકારીઓએ અક્કડ વલણ બતાવતાં છેવટે મોરેશિયસના રાજદૂતે વિદેશ મંત્રાલયમાં ફોન કરવો પડયો. વિદેશ મંત્રાલયમાંથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં ફોન ગયો ને ત્યાંથી એરપોર્ટ પર ફોન આવતાં રૂપનને જવા દેવાયા પણ તેમના સામાનને તો રોકી જ રખાયો હતો.

આ અંગે મોદીનું ધ્યાન દોરાતાં મોદી બગડયા છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રીપોર્ટ આપવા કહ્યું છે. મોદીએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા પણ કહ્યું છે પણ મંત્રાલય પગલાં ભરવા નથી માંગતું. અધિકારીઓએ તેમની ફરજ બજાવી હોવાની તેમની દલીલ છે.

***

દિલ્હીની હિંસામાં મોદી અને શાહ પર પણ આરોપ

દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા પછી પહેલા જ વાર ગૃહ મંત્રી અમીત શાહે ઓડિશામાં બોલતાં કહ્યું હતું કે સીએએ કોઇની નાગરિકતા છીનવા માટે નહીં, બલકે આપવા માટે છે. શાહની પહેલાં વડા પ્રધાન મોદી પણ આવું બોલી ચૂક્યા હતા અને આજે તેમણે દિલ્હમાં શાંતિ સ્થાપવાની અપીલ કરી હતી. શાહના રાજીનામાની માગ પર ભાજપે કોંગ્રેસની ટીકા કરી હતી.

દરમિયાન પાટનગરમાં ચર્ચા ચાલે છે અને રાજકીય નિષ્ણાતો પણ કહે છે કે 'દિલ્હીને બાનમાં લેનાર ભીડ બદલ મોદી-શાહે જવાબદારી લેવી જોઇએ'.તેઓ કહે છે કે જે ઘમંડ અને તોડછી ભાષામાં શાહ અને મોદી સીએએ લાગુ કરાશે જ એવું જોરશોરથી બોલી રહ્યા છે તે પણ આના માટે જવાબદાર છે.આ કાયદા ભેદભાવપૂર્ણ અને બિન ંબધારણીય છે અને એનઆરસી પર નર્યું જુઠ અને માત્ર મુસ્લિમો માટે જ ડીટેન્શન સેન્ટરો બનાવ્યા હોવાના કારણે ભારતીય મુસ્લિમોમાં ભયની લાગણી ફેલાઇ છે. તો બિન સામપ્રદાયીક હિન્દુઓ પણ એનાથી નારાજ છે.અર્થસભર રીતે વિરોધીઓ સાથે કોઇ વાત કરવા પણ રાજી નથી.

તેઓ એ વાત પણ માનતા નથી કે વિરોધીઓ સાથે મંત્રણા કે ચર્ચા કરવી એ લોકશાહીનો પાયો છે. સબકા સાથ અને સબકા વિશ્વાસ જીતવા માટે પણ આ જરૂરી છે. તેઓ કહે છે કે ટ્રમ્પની ભારત મુલાકાતને વધાવી લેનાર ભારતીય અમેરિકો પણ દિલ્હીની હિંસા જોઇ આઘાતમાં સરી ગયા હશે. ખાસ તો પોલીસની ભૂમિકા અંગે તેઓ નારાજ થયા હશે.પોલીસ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી હતી.

હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો

દિલ્હીમાં કરાયેલા ભયંકર તોફાનો વચ્ચે પણ અનેક જગ્યાએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સદભાવનાના દ્રશ્યો જોવા મળ્યા હતા.લગ્ન કરવાની તૈયારી કરી રહેલી ૨૩ વર્ષની સાવિત્રી  પ્રસાદ મંગળવારે રડી રહી હતી કે મારા લગ્ન થશે કે નહીં.

મુસ્લમોના પ્રભુત્વ વાળા વિસ્તારમાં તેનો પરિવાર રહે છે. તેમ છતાં સાવિત્રીના પિતાએ  મુસ્લિમોની મદદથી લગ્ન ગોઠવી દીધા હતા.વરરાજાને મુસ્લિમોએ આવકાર્યો હતો.તો બ્રિજપુરમાં મુસ્લમો અને હિન્દુઓએ મળીને તેમના થી ૧૦૦ મીટર દૂર આવેલા એક મંદિરની રક્ષા કરી હતી.ઇન્દિરા વિહાર જેવા મુખ્ય વિસ્તારમાં મુસ્લિમો જ મૅદિરની રક્ષા કરતા જોવા મળ્યા હતા.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો