'ભારતમાં બધાને ધાર્મિક સ્વંતત્રતા મળે છે' : ટ્રમ્પે સર્ટિફિકેટ આપ્યું!
નવી દિલ્હી, તા. 25 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
દિલ્હીમાં પ્રમુખ ટ્રમ્પે એકલા પત્રકારો સાથે મુલાકાત કરી હતી. એ દરમિયાન તેમણે વિવિધ સવાલોના પોતાની આગવી સ્ટાઈલમાં તડ અને ફડ જવાબો આપ્યા હતા. અહીં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારતમાં ધાર્મિક આઝાદી આજ-કાલ ચર્ચાસ્પદ બની રહી છે. એ વિશે શું કહેશો?
ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે ભારતમાં બધા ધર્મના લોકો પોતાની રીતે આઝાદ અને સ્વતંત્ર છે. વડાપ્રધાન મોદી પણ દરેક લોકો આઝાદીનો અહેસાસ કરી શકે એ માટે સક્રિય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરશો તો સમજાશે કે ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ઘણુ છે.
વડાપ્રધાન મોદીના દિલમાં મુસ્લીમો માટે ઘણી જગ્યા છે એવુ તેમણે કહ્યું હતુ. જ્યારે ટ્રેડ ડીલની વાત આવી ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે ભારતમાં ટેરિફ (આયાત ડયુટી) ઘણી ઊંચી છે. તેમણે અમેરિકન મોટરસાઈકલ કંપની હાર્લી ડેવિડસનનું ઉદાહરણ આપીને કહ્યું હતુ કે એમને કેટલો બધો ટેક્સ ભરવો પડે છે. એ સંજોગોમાં ભારત સાથે હાલ કોઈ ટ્રેડ ડિલ શક્ય નથી.
ડેવિસને ભારતમાં આયાત થતી બાઈક્સ પર 100 ટકા એટલે કે કિંમત જેટલી જ ડયુટી ભરવી પડે છે. પાકિસ્તાન વિશે તેમણે કહ્યું હતુ કે જરૂર પડશે તો કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા હું તૈયાર છું. કાશ્મીર પ્રશ્ન ઉકલતો હોય તો મારા તરફથી જે મદદ જોઈએ એ મળશે.
પાકિસ્તાનનો બચાવ કરતાં તેમણે કહ્યું હતુ કે ઇમરાન ખાન સાથે પણ મારે સારા સબંધો છે અને તેઓ સરહદ પારથી આવતા આતંકવાદને કાબુમાં કરવા પ્રયત્નશીલ છે. અલબત્ત, એ પછી ચેતવણીના સ્વરમાં એમ પણ કહ્યું હતું કે ઈસ્લામિક આતંકવાદ એ ચર્ચા કરવાનો વિષય નથી, તેને ખતમ જ કરવાનો હોય.
સિટિઝન એક્ટ વિશે કહ્યુ હતુ કેે એ ભારતનો આંતરિક મામલો છે, મારે તેમાં કોઈ ચંચૂપાત કરવો ન જોઈએ. ભારત સરકાર એ અંગે યોગ્ય નિર્ણય લેશે એવો મને વિશ્વાસ છે. એવી રીતે દિલ્હીની હિંસા મામલે પણ તેમણે કહ્યું હતુ કે એ ભારત સરકારનો પ્રશ્ન છે.
લઘુમતીઓ પર હિંસા થઈ રહી હોવાના મુદ્દે તેમણે કહ્યું હતુ કે મારે વડાપ્રધાન મોદી સાથે વાત થઈ છે અને તેઓ દેશમાં મુસ્લીમ કે ખિસ્ત્રી સૌ લઘુમતીઓને સમાન તક અને ન્યાય આપવા માટે પ્રતિબધ્ધ છે. આગામી ચૂંટણીમાં રશિયા દખલ કરશે એવી વાતને તેમણે એમ કહીને ઉડાવી હતી કે રશિયા સાથે અમે એવી કોઈ વિગતોની આપ-લે કરતા નથી જેથી એ દખલ કરી શકે.
હું વેઈન્સ્ટેઈનનો ફેન નથી, હિલેરી, મિશેલ ઓબામા તેના ફેન : ટ્રમ્પ
નવી દિલ્હી, તા. 25
હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ નિર્માણ કંપની મીરામેક્સના સ્થાપક અને જાતીય સતામણીના આરોપોનો સામનો કરનાર હાર્વે વેઈન્સ્ટેનને સોમવારે થયેલી સજાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહિલાઓના 'મહાન વિજય' સમાન ગણાવી હતી. તેમણે મંગળવારે ભારપૂર્વક કહ્યું કે પોતે વેઈન્સ્ટેનના ફેન નથી. મને તે ગમતો નથી. હું તેને બહુ ઓછો ઓળખું છું. ડેમોક્રેટ્સને તે ખૂબ જ ગમે છે.
મિશેલ ઓબામા અને હિલેરી ક્લિન્ટન તેના ચાહક છે. વેઈન્સ્ટેને ડેમોક્રેટ્સને અઢળક ભંડોળ આપ્યું હતું. ન્યૂયોર્કમાં સોમવારે જ્યુરીએ ફર્સ્ટ ડિગ્રીની ગુનાઈત જાતીય સતામણી માટે વેઈન્સ્ટેઈનને દોષિત ઠેરવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે મહિલાઓના દૃષ્ટિકોણથી આ એક અભૂતપૂર્વ બાબત હતી. મહિલાઓ માટે આ એક મજબૂત સંદેશ જશે.
Comments
Post a Comment