અમેરિકા-તાલિબાન સંધિ : અમેરિકાના સૌથી લાંબા યુદ્ધનો અંત!

- જ્યાં હુમલો કરીએ ત્યાં વિજયી જ થઈશું એવો અમેરિકાનો ભ્રમ વિએટનામ, ક્યુબા, સોમાલિયા પછી વધુ એક વખત અફઘાન ધરતી ઉપર ભાંગ્યો છે


અમેરિકા અને તાલિબાનો વચ્ચે શાંતિવાર્તા થઈ રહી છે. તેમાં મધયસ્થી તરીકે ભારતની હાજરી છે. એશિયામાં ભારતનું એ મહત્ત્વ દર્શાવે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનો અને અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ દુનિયાના સૌથી લાંબા જંગ પૈકીનો એક છે જ્યારે અમેરિકાનું તો એ સૌથી લાંબુ યુદ્ધ છે. ૨૦૦૧ની ૭મી ઑક્ટોબરે અમેરિકાએ હુમલો શરૂ કર્યો હતો અને આજેય એ હુમલો પુરો થઈ શક્યો નથી. 

સામાન્ય રીતે યુદ્ધ બે દેશો વચ્ચે હોય, પણ આ યુદ્ધ એ રીતેય અનોખુ છે. બે દેશ વચ્ચે હોવાને બદલે એક દેશ (અમેરિકા) અને બીજા દેશમાં વર્ચસ્વ ધરાવતા એક સંગઠન (તાલિબાન) વચ્ચેનું છે. એમાં વળી તાલિબાનો અફઘાનિસ્તાનમાં છે, પરંતુ અફઘાન સરકાર તાલિબાનોને બદલે અમેરિકા તરફે છે. એટલે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગણ્યાંગાઠયા તાલિબાનો અમેરિકા-અફઘાનિસ્તાનની સંયુક્ત સેના સામે લડે છે. 

અમદાવાદમાં આવીને ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે દુનિયાની સર્વોત્તમ સંરક્ષણ સિસ્ટમ છે, આધુનિક મિસાઈલ્સ છે, ડ્રોન છે, બૉમ્બ-ગોળા છે.. વગેરે. હશે! પણ હકીકત એ છે કે ગમે તે હોવા છતાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે અમેરિકાનો ગજ વાગ્યો નથી, વાગતો નથી અને વાગવાનો નથી એટલે હવે હુમલો કરીને પોતાનું ધાર્યુ કરાવવા ટેવાયેલુ અમેરિકા સમાધાનના ટેબલ પર આવ્યું છે. 

અમેરિકાને એવો ભ્રમ છે કે એ જ્યાં હુમલો કરે એ દેશ તેના તાબામાં આવી જાય, દુશ્મનો તેની વાત સ્વિકારી લે અને અંતે અમેરિકા કહે એમ થાય. તેના કેટલાક ઉદાહરણો પણ અમેરિકા પાસે છે જેમ કે ઇરાકમાં સદ્દામ, લિબિયામાં ગદ્દાફી... વગેરે. સામે પક્ષે અમેરિકા હુમલો કરે અને ભાગવુ ભારે થઈ પડે એવા ઉદાહરણો પણ છે, જેમ કે વિએટનામ, લિબિયા, ક્યુબા...

નાનકડા દેશ વિએટનામમાં અમેરિકાએ ૧૯૫૦માં સેના મોકલી હતી, ૨૫ વર્ષ સુધી લડત આપ્યા પછી કંઈ ઉકાળી ન શક્યા એટલે ૧૯૭૫માં સૈન્યબળ પાછુ ખેંચી લેવું પડયું. ત્યાં સુધીમાં અમેરિકાના ૫૮,૦૦૦ સૈનિકો વધેરાઈ ગયા હતા. એ પછીથી આજે પણ અમેરિકનો વિએટનામનું નામ લેતા ધુ્રજી ઉઠે છે.

સોમાલિયામાં પણ હુમલો કરવા ગયેલા અમેરિકાને ભારે નુકસાન થયુ હતુ અને સૈન્ય ટુકડી પરત બોલાવવી પડી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે લડતા અમેરિકાને આજ-કાલ કરતાં ૧૯ વર્ષ થયા. હવે સમજાયુ કે શાંતિ મંત્રણા સિવાય કોઇ ઉપાય નથી. એટલે છેલ્લા કેટલાક વર્ષથી તેના પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લામાં છેલ્લા સૈનિકને ૨૦૧૩ના અંત સુધીમાં જ અફઘાનિસ્તાનમાંથી બોલાવી લેવાનું અમેરિકી સરકારનું આયોજન હતું. એ વખતે બારાક ઓબામા અમેરિકી પ્રમુખ હતા. ઓબામાને લાગ્યુ કે અફઘાનિસ્તાનને એમ રેઢું મુકવા જેવુ નથી. માટે સેનાનું રોકાણ લંબાવી દીધું. એ પછી મુદતો લંબાતી ગઈ. .

ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી તેમણે પણ સેના નહીં હટે એવી જાહેરાત કરી હતી. સામે પક્ષેે અમેરિકી પ્રજાની ધિરજ ખૂટી રહી હતી. જે સૈનિકો છે એમના પરિવારજનો પીડા ભોગવતા હતા, તો પ્રજાના ટેક્સના અબજો ડૉલર વેરાન લાગતી અફઘાન ભૂમિમાં ખર્ચાઈ રહ્યા હતા. અમેરિકા પર ૨૦૦૧માં આતંકી હુમલો થયો. અમેરિકી સરકારે પોતાની પ્રથા પ્રમાણે તુરંત કાર્યવાહી કરી, આતંકીઓ શોધી કાઢ્યા અને અંતે એ પણ શોધી કાઢ્યું કે હુમલો કરવામાં ઓસામા લાદેનનો મહત્ત્વનો ફાળો હતો. પણ લાદેન ક્યાં છે? અફઘાનિસ્તાનમાં! અફઘાનિસ્તાનના તોરા-બોરા સહિતના પહાડી વિસ્તારમાં તાલિબાન આતંકીઓ પડયા પાથર્યા રહેતા હતા. 

અમેરિકાને તપાસ કરતાં એ પણ જણાયુ કે એકલો લાદેન શા માટે ભવિષ્યમાં લાદેન બની શકે એવા અનેક આતંકીઓ અફઘાનની ધરતી પર વિચરે છે. માટે અમેરિકાએ દુનિયા વતી એ આતંકીઓનો નાશ કરવાની જવાબદારી પોતાના શીરે ઉપાડી. એ હેતુથી જ ૨૦૦૧માં અફઘાનિસ્તાની તાલિબાનો પર હુમલો કરી દીધો. ત્યારે અફઘાન સરકાર પણ તાલિબાનો જ ચલાવતા હતા. એટલે કે સરકાર જ આતંકવાદીઓની હતી.

અમેરિકાએ એ સરકારને હટાવી, અનેક આતંકીઓને ખતમ કર્યા. લોકશાહી સ્થાપી પોતાની ઈચ્છા પ્રમાણેની સરકાર અફઘાનિસ્તાનમાં રચી. એટલે એક રીતે અમેરિકાનો ઉદ્દેશ ત્યાં પૂર્ણ થતો હતો. પરંતુ એ વખતે તાલિબાનો સાવ ખતમ થયા ન હતા અને આજે પણ થયા નથી. અફઘાનિસ્તાનનો એક એવો ભાગ છે, જ્યાં કાબુલની સરકારની નહીં, તાલિબાનોની સત્તા ચાલે છે. એ ખતમ ન થાય ત્યાં સુધી સૈન્ય ન હટાવવા અમેરિકા મક્કમ હતું.

બે દાયકાના અંતે સ્થિતિ એ છે કે તાલિબાનોને ખાસ ફરક પડયો નથી. કેમ કે આતંકના રસ્તે ચાલે ત્યારે તેમને ખબર જ હોય કે ગમે તે દિશાએથી મોત આવશે. પરંતુ અમેરિકાને ઘણો ફરક પડયો. બન્ને પક્ષો હવે લડીને થાક્યા છે. અમેરિકાના સેંકડો સૈનિકો મરાયા છે, તો ૧ લાખથી વધારે અફઘાન નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. એટલે સંધિ સિવાય કોઈ રસ્તો નથી. વળી છેલ્લા કેટલાક વર્ષોથી તાલિબાનો પણ પ્રમાણમાં શાંત થયા છે. એટલે હાલ તો તાલિબાનોના કબજામાં અફઘાનિસ્તાનનો કેટલોક પ્રાંત હોવા છતાં અમેરિકા સંધિ કરવા મજબૂર થયું છેે.

અફઘાનિસ્તાનમાં ભારતનો રોલ મહત્ત્વનો રહ્યો છે

અફઘાનિસ્તા સાથે ભારતે પડોશી ધર્મ બરાબર નિભાવ્યો છે. યુદ્ધ પછી એ દેશને બેઠા થવામાં ભારતે શક્ય એટલી મદદ કરી છે. માટે અફઘાનિસ્તાન ભારતને મોટા ભાઈ તરીકે માન આપે તેમાં કોઈ નવાઈ નથી. ભારતે ત્યાં કરેલી કેટલીક વિકાસલક્ષી કામગીરી...

પ ઈન્ડિયા અફઘાન ફ્રેન્ડશિપ ડેમ, અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગે આવેલી હરી નદી બંધાઈ રહેલા બંધને આવુ નામ અપાયું છે કેેમ કે એ ભારત બનાવી રહ્યું છે. એ બંધનું કામ આમ તો ૧૯૭૬મા શરૂ થયુ હતું પણ પછીથી આંતરીક અશાંતિને કારણે અટકી પડયુ હતું. એ પછી ભારતે ૧૯૮૮મા અને બાદમા ૨૦૦૬મા મદદ પહોંચાડી ડેમનું બાંધકામ ફરી શરૂ કરાવ્યુ હતું. એ ડેમનો કેટલોક ભાગ ૨૦૧૬માં ભારતના વડાપ્રધાન અફઘાન ગયા ત્યારે જ ખુલ્લો મુકી દેવાયો હતો.

પ ડેલારામ અને ઝારાંજને જોડતો અફઘાનિસ્તાનનો હાઈવે નંબર ૬૦૬ ભારતના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને બાંધ્યો છે. ૨૧૮ કિલોમીટરનો હાઈવે નહોતો ત્યારે આ બન્ને શહેરો વચ્ચેનું અંતર કાપતા બાર-ચૌદ કલાક લાગતા હતાં. હવે માત્ર ૩ કલાકમા કાપી શકાય છે. ભારતે ૨૦૦૫મા શરૂ કરીને ૬ અબજ રૂપિયાના ખર્ચે ૨૦૦૯મા એ હાઈવે ખુલ્લો મુકી દીધો હતો. આ હાઈવે પુરો ન થાય એટલા માટે તાલિબાનોએ અનેક વખત હુમલા કર્યા હતા જેમા ૬ ભારતીય સહિત કુલ ૧૩૫ના મોત થયા હતાં. તો પણ ભારતે રસ્તો પુરો કરી બતાવ્યો હતો.

પ તાલિબાનોએ તોડી પાડયા પછી અફઘાનિસ્તાનને સંસદનું નવુ બાંધકામ ભારતે કરી આપ્યું હતુ. ભારતે મકાનની ડિઝાઈનથી માંડીને કામદારો સહિતની સવલતો અહીંથી મોકલાવી હતી. 

પ પાંચ વર્ષ પહેલા ૨૦૧૫માં જ ભારતે અફઘાનિસ્તાનને ૩ એમઆઈ-૨૫ હેલિકોપ્ટરો આપ્યા હતા, એ પણ વિનામૂલ્યે. અફઘાનિસ્તાની સેના બેઠી થઈ શકે એ માટે તેને શસ્ત્રોની પણ જરૂર છે. ભવિષ્યમાં ભારતે વધુ એક હેલિકોપ્ટર પણ આપવાનું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો