સ્ત્રી સાથે ખોટું બોલીને બંધાયેલા જાતીય સંબંધો રેપ ગણાય


મુંબઇ, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

હું માત્ર તને અને તારા સિવાય બીજા કોઇને પ્રેમ નથી કરતો એવી ખાતરીના આધારે કોઇ પુરૂષ કોઇ સ્ત્રીની શરીરસુખ માટે  કન્સેન્ટ (સંમતિ) મેળવે તો એ કાયદાની દ્રષ્ટિએ સંમતિ ન ગણાય એવો મહત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે.

હાઇકોર્ટે આ સીમાચિન્હ રૂપ ચુકાદામાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે આવી ખાતરીના આધારે જાતીય સંબંધો રાખવા એ રેપ (બળાત્કાર) જ ગણાશે. એક રેપ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવાની માગણી કરતી એક પુરૂષની પિટીશન ફગાવી દઇ ન્યા. સુનીલ શુક્રે અને ન્યા. માધવ જામદારે ઉક્ત ચુકાદો આપ્યોહતો.

આ કેસના આરોપીના જણાવવા મુજબ એણે એક મહીલાની સંમતિથી એની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. અમારી વચ્ચે પ્રેમ હતો અને એણે પોતાની મરજીથી મારી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. એવો દાવો એણે કર્યો હતો.

બીજી તરફ, મહીલાએ એવો દાવો કર્યો હતો કે  પુરૂષે મને ખોટુ વચન આપ્યુ હોવાથી મેં ખોટા ખયાલ હેઠળ શરીરસુખ માટે સંમતિ આપી હતી. હું માત્ર તને જ પ્રેમ કરૂં છું અને તારા સિવાય બીજા કોઇને પ્રેમ નથી કરતો એવું વચન આપી એણે મને છેતરી હતી. ટુંકા ગાળાના સંબંધ બાદ સ્ત્રી અને પુરૂષ છુટા પડી ગયા હતા.

કેસની હકીકતો અને દલીલો પર વિચાર કર્યા બાદ હાઇકોર્ટની ડિવીઝન બેન્ચ એવા નિષ્કર્ષ પર આવી હતી કે સ્ત્રીએ પુરૂષ સામે કરેલા આક્ષેપોને ફેસ વેલ્યુ પર લેવાય તો પ્રથમ દ્રષ્ટિએ એવી છાપ ઉભી થાય છે કે મહિલા પુરૂષ સાથે  એવા ભરોસાના આધારે જાતીય સંબંધો રાખવા સંમત થઇ હતી કે  એણે મારા પ્રત્યે દર્શાવેલો પ્રેમ સાચો છે.

એ પણ સાચુ  છે કે પુરૂષે મહિલાને શરૂમાં લગ્નનું કોઇ વચન નહોતું આપ્યું પરંતુ સાથોસાથ એ વાત પણ ખરી છે કે શરૂમાં મહિલાએ પુરૂષની શરીરસંબંધની માગણી એમ કહીને નકારી હતી કે લગ્ન પહેલા કોઇ શરીર સંબંધ બાંધી ન શકાય.

'મહિલાની ના સાંભળયા બાદ જ  પુરૂષે એને પોતાની જાળમાં ફસાવવા એમ કહ્યું હતું કે હું માત્ર તને જ પ્રેમ કરૂં છું. એવું લાગે છે કે એના શબ્દો પર વિશ્વાસ રાખીને સ્ત્રીએ પોતાની જાત એને સોંપી  દીધી હતી, એવી નોંધ ન્યાયમૂર્તિઓએ કરી હતી.

મહીલાને આરોપી પ્રત્યે કોઇ ઉંડો પ્રેમ છે લાગણી હતી એટલે એણે એની સાથે શરીરસંબંધો નહોતા બાંધ્યા. એને બદલે આ એક એવો કેસ છે જેમાં પુરૂષે સ્ત્રીને આવો સંબંધ બાંધવાની લાલચ આપી હતી એમ ન્યાયમૂર્તિઓએ વધુમાં જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો