દિલ્હીની વાત : ભાજપનાં રમખાણોના મુદ્દે બેવડાં ધોરણ છતાં થયાં


ભાજપનાં રમખાણોના મુદ્દે બેવડાં ધોરણ છતાં થયાં

દિલ્હીનાં તોફાનોના મુદ્દે ભાજપનાં બેવડાં ધોરણો શુક્રવારે ફરી છતાં થયાં. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને 'રાજધર્મ'ની યાદ અપાવી તેનો જવાબ આપવા માટે રવિશંકર પ્રસાદે બોલાવેલી પત્રકાર પરિષદમાં પરવેશ વર્મા, કપિલ મિશ્રા સહિતના ભાજપના નેતાઓનાં ઉશ્કેરણીજનક પ્રવચનોનો સવાલ ઉઠયો. પ્રસાદે વર્મા અને મિશ્રાનાં નામ લઈને કહ્યું કે, ભાજપ તેમનાં નિવેદનોનને માન્ય નથી રાખતો. ભાજપ તેમની સામે પગલાં કેમ નથી લેતો એ સવાલનો જવાબ તેમણે ના આપ્યો.

સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધાતાં જ અરવિંદ કેજરીવાલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.  બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે ભાજપના નેતાઓએ ઉશ્કેરણી કરી હોવાનું કહ્યું છતાં તેમની સામે એફઆઈઆર ન નોંધાઈ. ઉલટાનું મોદી સરકારે આદેશ આપનારા જજની બદલી કરાવી દીધી. પ્રસાદે તાહિર અને મિશ્રાના કેસ અલગ હોવાનું કહ્યું. આ કારણે એવી ટીકા થઈ રહી છે કે, ભાજપ બીજાં બધાંને સિધ્ધાંતોની શિખામણ આપે છે પણ પોતે તેનું પાલન કરવામાં નથી માનતો.

કોંગ્રેસ મોડી જાગી, કેજરીવાલે પહેલાં લાભ લઈ લીધો

દિલ્હીનાં તોફાનોના મુદ્દે મોડે મોડે જાગેલી કોંગ્રેસે શુક્રવારે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પાંચ સભ્યોની ટીમની જાહેરાત કરી નાંખી. સોનિયા ગાંધીએ મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, કુમારી શૈલજા, તારીક અનવર અને સુસ્મિતા દેવની ટીમને લોકોને મળીને વિગતવાર રીપોર્ટ પોતાને આપવા કહ્યું છે. અલબત્ત આ ટીમ ક્યારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જશે ને ક્યારે રીપોર્ટ આપશે તે અંગે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરાઈ. કોંગ્રેસે આ પહેલાં દિલ્હીનાં તોફાનો અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા અંગે રજૂઆત કરી હતી.

રાજકીય વિશ્લેષકોના મતે, કોંગ્રેસે દિલ્હીમાં ફરી પગપેસારો કરવા માટે આ પ્રયત્નો શરૂ કર્યા છે પણ આ બધું પહેલાં કરવાની જરૂર હતી. દિલ્હીમાં રવિવારે તોફાનો ભડક્યાં કે તરત જ કેજરીવાલે પોતાના પક્ષના તમામ ધારાસભ્યોને લોકોને મળવા આદેશ આપી દીધો હતો. કેજરીવાલે હિંસાનો ભોગ બનેલાં લોકોને રાહત આપવાની જાહેરાત પણ કરી દીધી છે. શનિવારથી તોફાનોનો ભોગ બનેલાં લોકોને પચ્ચીસ-પચ્ચીસ હજાર આપવાનું શરૂ પણ કરી દેવાશે એ જોતાં જે રાજકીય ફાયદો લેવાનો છે તે આમ આદમી પાર્ટી જ લઈ ગઈ છે.

પટનાઈકની ઝોનલ પેકેજની માગથી સરકાર ચિંતામાં

ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાઈકે ઈસ્ટર્ન ઝોન કાઉન્સિલના સભ્ય રાજ્યો માટે ખાસ પેકેજની માગણી કરી એ મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભુવનેશ્વરમાં કાઉન્સિલની બેઠકમાં અમિત શાહની હાજરીમાં પટનાઈકે આ માગણી કરી. આ કાઉન્સિલમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહાર એ ચાર રાજ્યો છે. પટનાઈકના કહેવા પ્રમાણે, આ ચારેય રાજ્યોમાં કુદરતી સંપત્તિ અપાર છે છતાં વિકાસના પ્રયાસો થતા નથી તેથી તેમને ખાસ આથક પેકેજ આપવું જોઈએ.

પટનાઈકની માગણીએ મોદી સરકારને પણ ચિંતામાં મૂકી છે. આ ચાર પૈકી એક પણ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી નથી. પટનાઈકે આથક વિકાસના મુદ્દાને આગળ કરીને ભાજપ વિરોધી પક્ષોને એક કરવાની દિશામાં પહેલું કદમ ઉઠાવ્યું છે એવું મોદી સરકાર માને છે. મોદી સરકાર આ માગણી ના માને તો તેની અસર ચારેય રાજ્યોમાં પડે ને ભાજપને નુકસાન થાય એ મોટો ખતરો છે. ભવિષ્યમાં દક્ષિણનાં રાજ્યો પણ આ જ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે આથક પેકેજની માગણી કરી શકે છે એ પણ બીજો ખતરો છે.

શાહના આગ્રહ પછી મમતાએ રાયતું ખાધું

ભુવનેશ્વરમાં ઈસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકમાં અમિત શાહ અને મમતા બેનરજી સામસામે આવશે ત્યારે ગરમાગરમી થશે એવી આશા રાખીને બેઠેલાં લોકોને નિરાશા મળી. શુક્રવારે બંને મળ્યાં પણ એકબીજા સાથે અભિવાદન સિવાય શબ્દોની બીજી કોઈ આપ-લે ના થઈ.

ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાઈકે મમતા, શાહ, નીતિશ કુમાર અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પોતાના નિવાસસ્થાને જમવા નિમંત્રણ આપ્યું હતું. મમતા  કોઈ આનાકાની વિના ગયાં પણ ભોજન લીધું નહીં. શાહે તેમને આગ્રહ કર્યો પછી મમતાએ થોડું રાયતું ખાધું.  નવિને મમતાને ધ્યાનમાં રાખીને મચ્છા બેસર નામે ફિશ કરી બનાવડાવી હતી. મમતાએ તે પણ ના ખાધી. અન્ય મહેમાનોએ છેના પોડ્ડા અને રસમલાઈ જેવી મીઠાઈઓ સહિતના ઉડિયા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

મમતા-શાહ વચ્ચેની શાંતિ માટે પટનાઈક જવાબદાર મનાય છે. પટનાઈકે ચાર રાજ્યોને લગતા સામાન્ય પ્રશ્નો સિવાય બીજા કોઈ મુદ્દા નહીં ઉઠાવવા તમામને વિનંતી કરી હતી. બધાંએ પટનાઈકનું માન રાખતાં બેઠક શાંતિથી પૂરી થઈ.

મોદી સરકાર નિવૃત્તિ વયમર્યાદા ઘટાડશે

પંજાબમાં કોંગ્રેસ સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ઘટાડીને ૬૦ વર્ષથી ૫૮ વર્ષ કરી દીધી તેના પગલે મોદી સરકાર પણ હરકતમાં આવી છે. મોદી સરકાર લાંબા સમયથી આ અંગે વિચારી રહી છે પણ વિરોધના ડરે આગળ નહોતી વધતી. હવે કોંગ્રેસ સરકારે એ પગલું ભરતાં મોદી સરકાર પણ એ દિશામાં આગળ વધશે એવા સંકેત મળ્યા છે.

***

કેજરીવાલની ક્યાં ભુલ થઇ ?

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના  મુખ્ય મંત્રી કેજરીવાલે તેમના પક્ષના કોર્પોરેટર તાહીર હુસેનને તેમની સામેના આરોપોની તપાસ પુરી ના થાય ત્યાં  સુધી હુસેનને પક્ષમાંથી દૂર કર્યા હતા.હવે તેમની સામેના આરોપના પરિણામની રાહ જોવાની રહી.આપના સભ્યોને ચિંતા એ વાતની છે કે જ્યારે પક્ષને દિલ્હી બહાર પણ વિસ્તારવાની યોજના અંગે વિચારાઇ રહ્યું છે ત્યારે જ તેમના એક નેતા સામે આરોપ મૂકાયા હતા.હવે તેમને પક્ષના અસ્તીત્વની લડાઇ લડવી પડે છે.તોફાનો પછી કેજરીવાલની લોકપ્રિયતાનું આંકલન કરનાર એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 'મુખ્ય મંત્રી એ વિધાનસભામાં ભાષણ આપ્યા પછી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દોને અસર નકારાત્મક રહી હતી.અમે તો કેજરીવાલની સકારાત્મક બાબતોને લઇને દેશ વ્યાપી બનવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તાજેતરના લોકમત અનુસાર અમે ફરીથી દિલ્હી મ્યુ.કોર્પો.ની ચૂંટણી હારી જઇ એ એવું લાગે છે.લોકો ૨૦૨૦ના તોફાનોને ૧૯૮૪ના શીખ વિરોધી તોફાનો સાથે સરખાવે છે'.હવે તો આપના કેટલાક ધારાસભ્યો પણ હિન્દુ તરફી ભાષા બોલવા લાગ્યા છે.

મંગળવારે સૌથી વધારે આગજની

ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનોમાં મંગળવારે ઓછામાં ઓછા ૭૯ મકાનો,૫૨ દુકાનો, પાંચ ગોડાઉનો, ચાર મસ્જિદો, ત્રણ ફેટકરીઓ અને બે શાળાઓને આગ લગાડવામાં આવી હતી. તોફાનોમાં ૩૯ લોકોના મોત અને ૩૫૯ લોકો ઘાયલ થયા હતા.ફાયર બ્રિગેડને ૩૫૦ કોલ મળ્યા હતા.નોંધનીય વાત એ હતી કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દિલ્હીમાં હતા ત્યારે સોમવારથી ગુરૂવાર સુધીમાં સૌથી વધુ આગના બનાવો બન્યા હતા.  દ્વીચક્રીય વાહનો સહિત ૫૦૦ કરતાં વધુ વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. આખા વિસ્તારમાં ફરી રહેલા ટોળાએ પેટ્રોલ અને કેરોસિનથી અનેક મકાનો અને દુકાનોને આગ ચાંપી હતી.ખજુરી  વિસ્તારમાંથી એક વૃધ્ધાના મૃત્યદેહને અમે બહાર કાઢ્યો હતો. તેઓ સંપૂર્ણપણે બળી ગયા હતા. તોફાનીઓએ તેમના ઘરને આગ લગાડી ત્યારે તેઓ ઘરમાં જ ફસાઇ ગયા હતા.ધુમાડાના કારણે તેઓ બેભાન બની ગયા હતા'એમ ફાયર  બ્રેગિેડના વડાએ કહ્યું હતું.

પોલીસ જ તોફાનીઓને મદદ કરતી હોવાનો આરોપ

શિરોમણી અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલે ગૃહ મંત્રી અમીત શાહ અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનીલ બૈજલને પત્ર લખી પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો.શાસક એનડીએના એક સાથીદાર પક્ષ અકાલી દળના સાંસદ ગુજરાલે  કહ્યું હતું કે  બુધવારે રાત્રે દિલ્હીના મૌજપુરમાં એક ઘરમાં ફસાયેલા ૧૬ મુસ્લિમોને બચાવવા માટે મેં પોતે પોલીસને વિનંતી કરી હતી. એક ટોળાએ મુસ્લિમોના ઘરને ઘેરીને તેની પર હુમલો કર્યો ત્યારે  મેં પોલીસને મારા સાંસદ હોવાના નાતે ફોન કર્યો હતો છતાં, કોઇએ મદદ કરી નહતી.'મેં સ્થીતીની ગંભીરતા અંગે વાત કરી હતી અને ટેલીફોન ઓપરેટરને કહ્યું હતું કે હું લોકસભાનો સભ્ય છું. ત્યારે પોલીસે મને કહ્યું હતું કે   તમારી ફરીયાદની  નોંધ લેવાઇ ગઇ છે અને તમારી ફરીયાદનો નંબર,,,, છેે.પરંતુ મારા આશ્ચર્ય અને આઘાત વચ્ચે મારી ફરીયાદ પર કોઇ જ કાર્યવાહી કરાઇ નહતી અને ઘરમાં ફસાયેલા ૧૬ મુસ્લિમોને કોઇ જ મદદ મળી નહતી. અંતે તેમના હિન્દુ પાડોશીઓ એ જ તેમને મદદ કરીને બહાર કાઢ્યા હતા.

માધ્યમો હિંસાના સમાચાર વધુ ન ચગાવે

પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માધ્યમોને હિંસાના સમાચારોને બહુ નહીં ચગાવવા  આદેશ આપ્યો હતો.પત્રકારોને તેમની 'ખાસ'ફરજની યાદ અપાવતા પીસીઆઇએ કહ્યું હતું કે 'તેમના લખાણો માત્ર તેમની લાગણીઓના જ પ્રતિબિંબ નથી,પરંતુ તેઓ સમાજની લાગણીઓને પણ દિશા આપે છે.એટલા માટે જરૂરી છે કે પત્રકારો ધિરજથી કામ લે'. તે ઉપરંત પ્રેસ કલબ ઓફ ઇન્ડિયા,ઇન્ડિયન વુમન્સ પ્રેસ કોર્પસ અને પ્રેસ એસોસિએશને પણ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની મુલાકાત લઇ ફરજ બજાવતા પત્રકારો પર કરાતા હુમલાને રોકવા અને તેમની મદદ કરવાની માગ કરી હતી.

વોટ્સઅપ પર સરકારની નજર

મેસેજ પ્લેટફોર્મ વોટ્સઅપ પર સરકારની ચાંપતી નજર છે.સીએએને લઇને રવિવારથી શરૂ થયેલા તોફાનોને ભટકાવવામાં તોફાની તત્વોએ વિવિધ સ્થળોએથી લોકોને ભેગા કરવા વોટ્સઅપનો ઉપયોગ કર્યો હતો તે માહિતી મળ્યા પછી પોલીસે તેની પર સતર્કતા વધારી દીધી હતી.છેલ્લા પાંચ દિવસથી ગુન્ડાઓએ ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ભારે હિંસા ફેલાવી હતી. પોતાની અણઆવડત અને બેદરકારીના કારણે લોકોના અને નેતાઓ તેમજ આંતરરાષટ્રીય કક્ષાએ ભારે વખોડવા પાત્ર બનેલી પોલીસને કોર્ટે પણ બરાબરની ઝાટકી હતી.ભડકાઉ ભાષણો આપનાર ભાજપના નેતાઓ સામે એફઆઇઆર નહીં નોંધવા માટે પણ પોલીસ પર માંછલા ધોવાયા હતા.

તોફાનો તો થયા કરે, એ તો જીવનનો એક ભાગઃ ચૌટાલા

હરિયાણાના એક મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ એક દિલ્હીના તાજેતરના તોફાનો અંગે વિવાદાસ્પદ નિવેદન કરી શાસક પક્ષની મુશ્કેલી વધારી હતી.ચૌટાલાએ કહ્યું હતું કે 'ભૂતકાળમાં પણ તોફાનો થયા હતા. એ તો જીવનનો એક ભાગ છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો