પ્રદૂષણ: ભારતના શહેરોએ દુનિયાભરના શહેરોને પાછળ છોડયાં


લોકો બીજી સમસ્યાઓમાં એટલી હદે ગુંચવાયેલાં છે કે તેમને પ્રદૂષણ અને તેના દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી જેના પરિણામે પર્યાવરણને લગતા મુદ્દા માત્ર કાગળ ઉપર જ રહી જાય છે

પ્રદૂષણ અંગે અહેવાલ જાહેર કરતી સંસ્થા આઇક્યૂ એરવિઝ્યુઅલના વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ ૨૦૧૯ના આંકડા દ્વારા ફરી વખત સામે આવ્યું છે કે દુનિયાના બાકીના દેશોની સરખામણીએ ભારતમાં પ્રદૂષણની સમસ્યા વધારે ગંભીર છે. દેશના નાનામોટા શહેરોના કરોડો લોકો દુનિયાની સૌથી ઝેરી કહી શકાય એવી હવામાં શ્વાસ લઇ રહ્યાં છે. જોકે એવું જણાઇ રહ્યું છે કે લોકો પોતાની આ દુર્દશા વિશે સાવ અજાણ છે.  આઇક્યૂ એરવિઝ્યુઅલના આંકડા દેશ માટે લાલબત્તી સમાન છે. દુનિયાના ૩૦ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરોનો સમાવેશ થાય એ નાનીસૂની બાબત નથી.

વૈશ્વિક સ્તરે હવાની ગુણવત્તા અંગે જાણકારી આપતી આઇક્યૂ એરવિઝ્યુઅલના સંશોધકોએ પોતાના ગ્રાઉન્ડ મોનિટરિંગ સ્ટેશનોથી આંકડા એકઠા કર્યાં છે જે પીએમ ૨.૫ કણોના આધારે કરવામાં આવ્યા છે. આટલા સૂક્ષ્મ કદના ઝેરી કણો માનવીના શ્વસનતંત્રમાં ઘર જમાવીને બેસી જાય છે અને અનેક રોગોને નોતરે છે. એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું પ્રમાણ. પીએમ નો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. પીએમ ૨.૫ અને પીએમ ૧૦ આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ પીએમ ૫૦ જેટલી હોય છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે પીએમ ૨.૫ અને પીએમ ૧૦ કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાકમાં હવામાં પીએમ ૨.૫નું પ્રમાણ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને પીએમ ૧૦નું પ્રમાણ ૧૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ.

આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય. સાદા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે.  વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે. વાતાવરણમાં જ્યારે અતિ ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે.

સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુ:ખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે દેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. ૧૩ વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે.

ઉદ્યોગો, ઘરો, કાર અને ટ્રકોમાંથી વાયુ પ્રદૂષણ ફેલાવતા જટિલ મિશ્રણો નીકળે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એમાંયે સૂક્ષ્મ કણો માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન કરે છે. દેશમાં પ્રદૂષણના માઝા મૂકવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવી રહ્યાં છે. એ તો જગજાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે. આજે દેશના મેટ્રો સીટી ઉપરાંત નાના શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે. બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પ્રમાણમાં થયો ઉપયોગ જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે.  રોજેરોજ દેશની સડકો ઉપર જે અસંખ્ય વાહનો ફરતા હોય છે તેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે.

શહેરોમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે. જેમ જેમ શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ આવા શહેરોની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. કારણ એ કે રોજીરોટી કમાવાના આશય સાથે આસપાસના ગામડાઓના લાખો લોકો આવા શહેરોમાં પહોંચતા હોય છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. ભારતના જે શહેરો પ્રદૂષણના મામલે અવલ્લ છે એમાં મોટા ભાગના શહેરો ઉત્તર ભારતના છે.

ઉત્તર ભારતના શહેરોમાં વાયુનું પ્રદૂષણ ફેલાવવા માટે એક મોટું કારણ જવાબદાર છે જે કદાચ દુનિયાના બીજા દેશોમાં જોવા નહીં મળતું હોય. દર વર્ષે પાક લણી લીધા પછી વધેલી પરાળીનો નિકાલ કરવા માટે તેને બાળવામાં આવે છે જેના કારણે પ્રદૂષણની માત્રામાં ભયજનક વધારો થાય છે. આમ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ રીતે ઠૂંઠા બાળવા પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ખેડૂતો આ પ્રતિબંધને ધરાર અવગણે છે. અમેરિકાની ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઇન્સ્ટીટયૂટના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતના ઘણાં ખરાં વિસ્તારો ત્રણ-ચાર મહિના જે રીતે પરાળીના ધુમાડામાં લપેટાયેલા રહે છે એના કારણે લોકો મોતના મુખ તરફ ધકેલાઇ રહ્યાં છે. આનું આર્થિક પાસુ પણ ચિંતાજનક છે. એક અંદાજ અનુસાર પરાળી બાળવાથી દેશના અર્થતંત્રને દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. એ જ રીતે ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણના કારણે દર વર્ષે પચાસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. મતલબ કે દેશને દર વર્ષે અઢી લાખ કરોડ રૂપિયાનું નુકસાન પ્રદૂષણના કારણે થાય છે.

દિલ્હીને દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાનીનો શિરપાવ મળ્યો છે. જુદાં જુદાં રિપોર્ટો કહે છે કે દેશની રાજધાનીના વાયુ પ્રદુષણમાં ૩૯ ટકા ધુમાડો વાહનો અને બાવીસ ટકા ધુમાડો ઔદ્યોગિક એકમો ફેલાવે છે. એ ઉપરાંત હવા સાથે આવતી ધૂળ ૧૮ ટકા જેટલું પ્રદૂષણ વધારી દે છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેવા કે નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદમાં હજારોની સંખ્યામાં ઔદ્યોગિક એકમો ચાલે છે. એમાં પણ જોખમકારક બાબત એ છે કે મોટા ભાગના ઔદ્યોગિક એકમો રહેણાંક વિસ્તારોમાં ચાલે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં મોટો હાથ જૂના વાહનોનો પણ છે. લાખોની સંખ્યામાં એવા વાહનો સડકો પર દોડે છે જેમનું આયુષ્ય ખતમ થઇ ચૂક્યું છે. આવા વાહનોમાંથી પીએમ ૨.૫ કણો સૌથી વધારે પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે. વાયુ પ્રદૂષણને નાથવા સુપ્રીમ કોર્ટ અનેક વખત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, એજન્સીઓ અને પર્યાવરણ મંત્રાલયને ચેતવણી આપી ચૂકી છે તેમ છતાં સરકારો પાસે પ્રદૂષણને ડામવા માટેની અસરકારક યોજનાઓનો અભાવ જણાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઇ પણ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં કે એજેન્ડામાં પ્રદૂષણ ઓછું કરવાના દાવા કરતો નથી. ખરેખર તો રાજકીય પક્ષો પ્રદૂષણને લગતા મુદ્દા ઉઠાવતા નથી એની પાછળનું મુખ્ય કારણ પ્રજાની એ સમસ્યા પ્રત્યેની ઉદાસિનતા છે.

એવું જણાય છે કે દેશના લોકો બીજી સમસ્યાઓમાં એટલા ડૂબી ગયા છે કે તેમને પ્રદૂષણ દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી. અથવા તો જેમ દરેક બાબતમાં બને છે એમ ઝેરી હવામાં શ્વાસ લેવાને પોતાની કિસ્મત ગણીને આ સમસ્યા સામે હથિયાર નાખી દીધાં છે. દેશના લોકો પ્રદૂષણ મુદ્દે કોઇ વાત જ કરતા નથી જેના પરિણામે પર્યાવરણને લગતા મુદ્દા માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે અને દેશની નદીઓને પ્રદૂષણમુક્ત કરવાના દાવા થાય છે પરંતુ પ્રજાની ભાગીદારી વગર આવા અભિયાનો વધારે ચાલતા નથી અને શ્વાસમાં જતી હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે.

આજે જો પ્રદૂષણને લઇને દૂરંદેશી કેળવવામાં ન આવી તો આગામી સમયમાં દેશના નાનામોટા શહેરો જ રહેવાલાયક નહીં રહે અને એના પરિણામો વિનાશકારી હશે. હવે સમય આવી ગયો છે કે લોકો પ્રદૂષણ દૂર કરવાના મામલે જાગૃત બને અને પ્રશાસનને હરકતમાં લાવવા માટે આંદોલનો ચલાવેે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો