મોદીએ શાહને બાજુ પર મૂકી ડોવાલને આગળ કર્યા?


નવી દિલ્હી,તા.26 ફેબ્રુઆરી 2020 બુધવાર

દિલ્હીનાં તોફાનો ડામવામાં પોલીસની નિષ્ફળતાના કારણે નરેન્દ્ર મોદી અમિત શાહ પર નારાજ હોવાનું કહેવાય છે. આ નારાજગીના કારણે મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીતકુમાર ડોવાલને સક્રિય કરવા પડયા છે. ડોવાલે પોતે શાહને નહીં પણ મોદીને રીપોર્ટ કરશે તેવી શરત મૂકી હતી. મોદીએ આ શરત માનતાં ડોવાલ મંગળવાર સાંજથી મેદાનમાં આવી ગયા. સૌથી પહેલાં તો તેમણે એસ.એન. શ્રીવાસ્તવની સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક કરાવીને કમિશનર અમૂલ્ય પટનાઈકને બાજુ પર મૂકાવી દીધા. આ ઉપરાંત બીજા પાંચ અધિકારીની પણ બદલી કરાવી દીધી. મોદીની સૂચના પછી શાહે પણ શ્રીવાસ્તવ સાથે ત્રણ કલાક સુધી બેઠક કરી.

ડોવાલ એ પછી સીધા નોર્થ ઈસ્ટ ડીસીપી વેદપ્રકાશ સૂર્યાની ઓફિસે પહોચ્યા ને અધિકારીઓને બરાબર તતડાવીને એક્શન પ્લાન આપ્યો. એ પછી ડોવાલ પટનાઈકને લઈને સીધા હિંસાગ્રસ્ત સીલમપુર ગયા. ડોવાલે સ્થાનિક લોકો સાથે વાત કરીને પોલીસને શું કરવું તેની સૂચનાઓ પણ આપી. ડોવાલજ જ શૂટ એટ સાઈટનો ઓર્ડર કરાવ્યો. બુધવારે પણ ડોવાલે મુસ્લિમ વિસ્તારોમાં જઈને વાતચીત કરીને સૌને શાંત રહેવા સમજાવ્યા. ડોવાલ એક્શનમાં આવ્યા પછી બુધવારે દિલ્હીમાં કોઈ તોફાન ના થતાં ડોવાલનો એક્શન પ્લાન કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે.

કેન્દ્રે ભાજપના નેતાઓએ ઉશ્કેરણી કર્યાનું કબૂલતાં આશ્ચર્ય

દિલ્હીમાં તોફાનો ભડકાવે તેવાં ઉશ્કેરણીજનક પ્રવચનો કરવા બદલ ભાજપના ચાર નેતા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપીને દિલ્હી હાઈકોર્ટે છાકો પાડી દીધો. અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા, કપિલ મિશ્રા અને અભય વર્માનાં પ્રવચનોની ક્લિપ જોયા પછી હાઈકોર્ટે આ આદેશ આપ્યો.

હાઈકોર્ટના હિંમતભર્યા વલણની સૌ પ્રસંશા કરી રહ્યાં છે પણ આશ્ચર્યજનક વલણ મોદી સરકારે લીધેલું વલણ છે. મોદી સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટમાં કબૂલ્યું કે, ભાજપના નેતાઓનાં પ્રવચનો ઉશ્કેરણીજનક છે. જસ્ટિસ એસ. મુરલીધરે આ વાતનો ઉલ્લેખ પોતાના હુકમમાં પણ કર્યો.

રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ આ વલણ લઈને કડક મેસેજ આપી દીધો છે કે, દિલ્હીમાં હિંસા ભડકાવનારા કોઈને છોડવામાં નહીં આવે. હાઈકમાન્ડની કડક સૂચના છતાં ઝેર ઓકતા ભાજપના નેતાઓને પણ તેમણે ચીમકી આપી દીધી છે. સાથે સાથે મુસ્લિમ સમાજનો સરકારમાં વિશ્વાસ પણ જળવાઈ રહે. આ મુદ્દો ચગે ને દેશની બદનામી થાય એવું મોદી ઈચ્છતા નથી તેથી તેમણે કડક વલણ લીધું છે.

સોનિયાના આદેશને અવગણીને 

રાહુલ ગાંધી ગેરહાજર

કોંગ્રેસની વધુ એક મહત્વની બેઠકમાં રાહુલ ગાંધીની ગેરહાજરી ચર્ચાસ્પદ બની છે. દિલ્હી  તોફાનોના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા તથા પક્ષના મુખ્યાલયથી રાષ્ટ્રપતિ ભવન સુધી શાંતિ માર્ચ યોજવા કોંગ્રેસ વકગ કમિટી (સીડબલ્યુસી)એ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજર રહેવા સોનિયા ગાંધી દ્વારા પક્ષના તમામ સાંસદોને ખાસ તાકીદ કરાઈ હતી છતાં રાહુલ ગાંધી હાજર ના રહ્યા. કોંગ્રેસે રાહુલની ગેરહાજરી અંગે એવી સ્પષ્ટતા કરી કે, રાહુલ પ્રવાસમાં હોવાથી હાજર રહ્યા નથી પણ ક્યાંના પ્રવાસે છે તે અંગે તેમણે કોઈ ખુલાસો ના કર્યો.

કોંગ્રેસનાં સૂત્રોના કહેવા પ્રમાણે, રાહુલે કોંગ્રેસના જૂના નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં સહકાર નહીં આપ્યો હોવાના મુદ્દે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. આ નેતાઓથી રાહુલ હજુ નારાજ જ છે. કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે આ નેતાઓને દૂર કરવા જરૂરી હોવા પર એ સતત ભાર મૂક્યા કરે છે પણ સીડબલ્યુસી તેમની વાત માનવા તૈયાર નથી. આ કારણે રાહુલ કોંગ્રેસના મહત્વના કાર્યક્રમોથી દૂર રહીને નારાજગી બતાવ્યા કરે છે.

દિલ્હી તોફાનોનો લાભ બિહારમાં લેવા લાલુનો વીડિયો વાયરલ

દિલ્હીનાં તોફાનોના મુદ્દે રાજકીય આક્ષેપબાજી વચ્ચે લાલુ પ્રસાદ યાદવનો એક વીડિયો આશ્ચર્યજનક રીતે વાયરલ થયો છે. લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૦માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી ત્યારે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા. આ રથયાત્રા બિહારમાંથી પસાર થવાની હતી. એ પહેલાં લાલુ એક સભામાં હુંકાર કરે છે કે, બિહારમાં રમખાણો નહીં થવા દઈએ ને કોઈ એવો પ્રયત્ન કરશે તો સત્તા રહે કે ના રહે, અમે કોઈ સમાધાન નહીં કરીએ.

લાલુએ એ પછી અડવાણીની ધરપકડ કરી લીધી હતી. તેના કારણે ભાજપે ટેકો ખેંચી લેતાં કેન્દ્રની વી.પી. સિંહની સરકાર ગબડી પડી હતી પણ લાલુ મુસ્લિમોમાં હીરો બની ગયા હતા.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી આ વરસે જ છે ત્યારે દિલ્હીનાં તોફાનોનો રાજકીય લાભ લેવા આરજેડીએ જ આ વીડિયો વાયરલ કરાવ્યો હોવાનું કહેવાય છે. ભાજપના શાસનમાં નહીં પણ આરજેડીના શાસનમાં મુસ્લિમો સલામત છે તેવો આડકતરો મેસેજ આ વીડિયો દ્વારા અપાઈ રહ્યો છે.

મોદી સરકાર ધનિક મંદિરોનો 

કબજો લેવાની ફિરાકમાં

નરેન્દ્ર મોદી સરકાર દેશનાં જંગી કમાણી કરતાં મંદિરો પર કબજો કરવાની વેતરણમાં હોવાના અહેવાલ છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ યોજના અમલી બનાવાશે ને તેની શરૂઆત ઉત્તરાખંડથી કરી દેવાઈ છે. ઉત્તરાકંડની ભાજપ સરકારે ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ એક્ટ પસાર કર્યો છે.

આ કાયદા હેઠળ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી એ મોટા ચાર ધામ સહિત ૫૦ મોટાં મંદિરો સરકારના તાબા હેઠળ આવી ગયાં છે. આ મંદિરોમાં દર વર્ષે કરોડોની કમાણી થાય છે. આ કમાણી પર સરકારનો ડોળો હોવાનો આક્ષેપ કરીને ચાર ધામના પૂજારીઓ મેદાનમાં આવી ગયા છે.

પૂજારીઓએ તો આ કાયદાના કારણે દેવોનો ભારે કોપ ઉતરશે ને ૨૦૧૩ કરતાં પણ ખતરનાક હોનારત થશે એવી ચેતવણી આપીને શ્રધ્ધાળુઓને આ મંદિરોમાં નહીં જવા અપીલ કરી છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ કાયદાનો વિરોધ કરીને હાઈકોર્ટમાં અરજી કરી છે. સ્વામીનું કહેવું છે કે, હાઈકોર્ટમાં આ કાયદો બંધારણીય રીતે યોગ્ય સાબિત થશે તો ભાજપ શાસિત બીજાં રાજ્યોમાં પણ આવો કાયદો ઘડીને મંદિરો પર કબજો કરી લેવાશે.

મોદીનાં વખાણ કરનારા જજની બાર એસોસિએશને ટીકા કરી

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરૂણ મિશ્રાએ ઈન્ટરનેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રસંશા કરી  મુદ્દો અઠવાડિયા પછી ગાજ્યો છે. બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જસ્ટિસ મિશ્રાએ કરેલી પ્રસંશાની ટીકા કરી છે. એસોસિએશને સત્તાવાર રીતે નિવેદન કર્યું છે કે, સુપ્રીમ કોર્ટના જજ આ રીતે સત્તાધીશોની પ્રસંશા કરે તેના કારણે ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે તેવી લોકોની માન્યતાને ધક્કો લાગે છે, લોકો ન્યાયતંત્રને પણ શંકાની નજરે જોવા માંડે છે. જસ્ટિસ મિશ્રાએ શિષ્ટાચારનો ભંગ કર્યો હોવાની પણ ટીકા કરાઈ છે.

એસોસિએશનનાં સૂત્રોના કહેવા પ્રમાણે, જસ્ટિસ મિશ્રાએ અંગત ફાયદા માટે મોદીનાં વખાણ કર્યાં હોવાનો મત મોટા ભાગના સભ્યોએ વ્યક્ત કર્યો છે. જસ્ટિસ મિશ્રા સીનિયોરિટીમાં ત્રીજા સ્થાને છે પણ વર્તમાન ચીફ જસ્ટિસની મુદત પૂરી થાય એ પહેલા સપ્ટેમ્બર, ૨૦૨૦માં નિવૃત્ત થઈ જવાના છે. નિવૃત્તિ પછી કેન્દ્ર સરકાર સારા હોદ્દા પર મૂકે તેની લાલચમાં તેમણે સુપ્રીમ કોર્ટના જજના હોદ્દાની ગરિમા નથી જાળવી એવો તેમનો મત છે.

હિંસા અટકાવવામાં દિલ્હી પોલીસ કેમ નિષ્ફળ રહી?

દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૨ લોકોના જીવ ગયા હતા.અર્ધ લશ્કરી દળોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા,પરંતુ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે સેનાને બોલાવવાની માગ કરી હતી.શાંતિ અને કૌમી સદભાવના પર ભાર મૂકી વડા પ્રધાન મોદીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી.પરંતુ એ વાતની ચર્ચા ચાલી રહી છે કે ક્યા કારણોસર દિલ્હી પોલીસ હિંસા ડામવામાં નિષ્ફળ રહી?એક સમયે જેને મોડેલ પોલીસ તરીકે કહેવામાં આવી હતી તે દિલ્હી પોલીસ હિંસાને ડામવામાં નિષ્ફળ રહી હતી. ૭૨ કલાક સુધી પોલીસ મુક પ્રેક્ષક બનીને હિંસાને જોતી રહી હતી.નિષ્ણાતો આ અંગે વિવિધ કારણો કહે છે.કેટલાકે કહ્યું હતું કે પોલીસને અનુભવ ન હતો તો કેટલાકે કહ્યું હતું કે નેતૃત્વનો અભાવ હતો.'નિવૃત્ત થયેલા અને ફરજ બજાવતા અધિકારીઓએ કહ્યું હતું કે અનેક નાયબ પોલીસ કમિશનરોને આવી જંગી હિંસા પર નિયંત્રણ કરવાનો તેમને અનુભવ નહતો.૧૯૮૪ના શીખ વિરૂધી તોફાનો પછીથી દિલ્હીમાં ક્યાપણ આવી જંગી હિંસા જોવા મળી નહતી.

અમીત શાહ ક્યાં હતા?:  સોનિયાનો સવાલ

ગયા સપ્તાહથી ગૃહ મંત્રી અમીત શાહ શું કરતા હતા?સપ્તાહની શરૂઆતમાં તેઓ ક્યાં હતા?એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી એ કહીને ઉમેર્યું હતું કે દિલ્હીની હિંસા બદલ શાહે જવાબદારી લેવી જોઇએ.સ્થિતી અત્યંત ખરાબ બની હતી ત્યારે શાહે કેમ કોઇ કામગીરી કરી નહતી? શા માટે અર્ધ લશ્કરી દળોને વહેલા બોલાવવામાં આવ્યા નહતા?એમ પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રમુખે  કહ્યું હતું.ઉત્તરપૂર્વ દિલ્હીમાં થઇ રહેલી હિંસા ષડયંત્ર હતી હોવાનું પણ કહી તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.નવાઇ વાત એ હતી ભાજપના અનેક નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કરાયા હતા.પરિણામે ભય અને હિંસાનો માહોલ ઊભો થયો હતો.

દિલ્હીના હવા વધુ ઝેરીલી બનશે

વર્લ્ડ એર ક્વોલીટી રિપોર્ટ ૨૦૧૯ અનુસાર, પ્રદુષણગ્રસ્ત દિલ્હીના નાગરિકો માટે માઠા સમાચાર છે.હવાની ગુણવત્તાની બાબતમાં દિલ્હી છટ્ટા ક્રમે રહી હતી. ૨૦૧૯માં વિશ્વના ૩૦ સૌથી વધુ પ્રદુષીત શહેરોમાં દિલ્હીનો ક્રમ ૨૧માં ક્રમે હતો.આવી જ રીતે ૨૦૧૯માં ઉત્તર પ્રદેશનો ગાઝીઆબાદ પણ સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં અગ્રીમ ક્રમે રહ્યું હતું. ચીનના હોતાનનો ક્રમ બીજો હતો.નવા અભ્યાસ અનુસાર, ચીને પ્રદુષણના જોખમમાં યોગ્ય રીતે ઘટાડો કર્યો હતો.પણ ભારત નિષ્ફળ રહ્યું હતું.

મેં કંઇ જ ખોટું કર્યું નથી:કપિલ મિશ્રા

ભાજપના નેતા કપિલ મિશ્રાને મૌદપુરમાં પોલીસની હાદરીમાં હિંસા પહેલાં વિડીયોમાં જોવા મળ્યો હતો જેઓ કહી રહ્યા હતા કે ટ્રમ્પને જવા દો પછી અમે તેમને ભગાડી દઇશું?મિશ્રાએ સીએએના વિરોધીને ધમકી આપી હતી. ધૃણાસ્પદ ભાષણો આપવા માટે કુખ્યાત મિશ્રાએ કહ્યું હતું કે મેં કંઇ ખોટું કર્યું નથી.મંગળવારે તેઓ બોલી રહ્યા હતા.દિલ્હીની ચૂંટણીમાં થોડા સમય માટે પ્રચારમાંથી દૂર કરાયેલા મિશ્રાએ સીએએના વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી.જો કે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મિશ્રાની ટીકા કરી હતી.સામ્યવાદી   પક્ષના બ્રીન્દા કારથે પણ ગૃહ મંત્રીને પત્ર લખી મિક્ષાને દોષિત માન્યો હતો.

કોંગ્રેસે દોષારોપણની રમતને ટાળી

પૂર્વ ગૃહ મંત્રી ચિદમ્બરમે દિલ્હીની હિંસાને 'વિભાજનકારી રાજકારણ'ગણાવી હતી.જો કે કોંગ્રેસે સત્તાવાર રીતે કોઇ પણ પક્ષ પર દોષ આપવાને બદલે શાંતિ જાળવવાની અપીલ કરી હતી.'ગઇ કાલની દિલ્હીની હિંસા અને કેટલાક લોકોના ગયેલા જીવથી અમને ખૂબ આઘાત લાગ્યો હતો.અમે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.અમે ચેતવણી આપી હતી કે સીએએ  ખુબજ વિભાજનકારી કાયદો છે અને તેને રદ કરવો જોઇએ. પરંતુ અમારી વાત બહેરા કાને અથડાઇને પાછી ફરી હતી. બિન સંવેદનશીલ લોકોના હાથમાં સત્તા સોંપીને લોકો મોટી કિંમત ચૂકવી રહ્યા છે.હવે તો ખૂબ મોડું થયું ગયું છે છતાં પણ સરકારે તેને રદ કરવા અંગે વિચાર કરવો જોઇએ.રાહુલ ગાંધીએ પણ સોમવારે ટ્વિટ કરીને હિંસાને વખોડી હતી.

૨૬ માર્ચે રાજ્યસભાની ચૂંટણી

ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીઓ ૨૬ માર્ચે યોજવાની જાહેરાત કરી દીધી હતી. બંગાળની પાંચ બેઠકો એપ્રીલમાં ખાલી પડશે. એકંદરે ૫૫ બેઠકોની ચૂંટણી થશે.બગાળમાં રિતંભરા બેનર્જી અને તૃણમુલ કંોગ્રેસના જોગેન ચૌધરીની મુદ્દત પુરી થાય છે.ઉપરાંત કે.ડી.સિંહ,મનીષ ગુપ્તા અને અહેમદ હુસેન ઇમરાન પણ નિવૃત્ત થશે. સિંહ તૃણમુલ સાથે નથી.મમતા ે બેનર્જી તમામ બેઠકો જીતવા તનતોડ મહેનત કરી રહયા છે.બંગાળની દરેક બેઠક ૪૯ પ્રથમ પસંદગીના મતે પર જીતી શકાય છે.૨૯૪ ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ડાબેરી અને કોંગ્રેસને પણ એક બેઠક જીતવી છે.'અમે ગઇ વખતે ડાબેરીઓને હરાવવા માટે કોંગ્રેસના અભિષેક મનુ સંધવી અને પ્રદીપ ભટ્ટાચાર્યને મત આપીને જીતાડયા હતા. જો કે આ વખતે પક્ષ તમામ બેઠકો જીતવા પ્રયાસ કરશે.અમે આ વખતે એક વધારાની બેઠક જીતવાનો પ્રયાસ કરીશું'એમ તૃણમુલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો