દિલ્હી હિંસા : પોલીસનો ઉધડો લેનારા જજ મુરલીધરની રાતોરાત બદલી
સરકાર ન્યાયપાલિકા પરનો વિશ્વાસ તોડી રહી છે : કોંગ્રેસ, કોલેજિયમની ભલામણના આધારે જ બદલી કરાઈ : કેન્દ્ર
નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
દિલ્હીની હિંસામાં અનેક લોકોનો ભોગ લેવાયો છે, પોલીસ હિંસાને સમયસર અટકાવવામાં નિષ્ફળ રહી અને લોકોને ભડકાવનારા નેતાઓ સામે કોઇ કાર્યવાહી ન કરવા બદલ દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરે દિલ્હી પોલીસનો ઉધડો લીધો હતો.
ગોલી મારોના નિવેદનો આપનારા ભાજપના નેતા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર સામે એફઆઇઆરના આદેશ પણ આપ્યા હતા. હિંસાને અટકાવવા અને નેતાઓ સામે કાર્યવાહીના આદેશ આપનારા આ જજ મુરલીધરની રાતોરાત બદલી કરી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે.
મુરલીધરને રાતોરાત દિલ્હી હાઇકોર્ટથી સીધા પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. તેઓ હાઇકોર્ટમાં સિનિયોરિટીમાં ત્રીજા ક્રમે હતા. કેન્દ્રના કાયદા મંત્રાલયે બુધવારે મોડી રાત્રે તેની ટ્રાન્સફરનો આદેશ જાહેર કરી દીધો હતો. જ્યારે બુધવારે જ તેમણે દિલ્હીમાં જે હિંસા થઇ તેમાં નબળી કામગીરી બદલ પોલીસનો ઉધડો લીધો હતો.
કાયદા મંત્રાલય દ્વારા જે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડે સાથે ચર્ચા કર્યા બાદ જજ મુરલીધર અંગે નિર્ણય લીધો હતો. આ પહેલા 12મી ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે મુરલીધર સહિત ત્રણ જજોની ટ્રાન્સફરની ભલામણ કરી હતી.
જોકે ત્રણમાંથી માત્ર એક જ જજ મુરલીધરનું જ ટ્રાન્સફર હાલ કરવામાં આવ્યું છે અન્ય બે જજોનું ટ્રાન્સફર નથી કરાયું. દિલ્હી હાઇકોર્ટ બાર અસોસિએશને ગત સપ્તાહે મુરલીધરના ટ્રાન્સફરની ભલામણ પર ફરી વિચાર કરવા કહ્યું હતું. રાતોરાત ટ્રાન્સફર થવા બદલ સોશિયલ મીડિયા પર અને વિપક્ષ દ્વારા સરકારની કામગીરી પર અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સરકાર ન્યાયપાલિકા પરનો લોકોનો વિશ્વાસ તોડી રહી છે. મધ રાતે જ ન્યાયાધીશનું ટ્રાન્સફર ખરેખર આશ્ચર્યજનક અને આઘાત પમાડે તેવુ છે, જે કઇ થયું તે ખરેખર બહુ જ દુ:ખદ અને શરમજનક છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ન્યાયાધીશ લોયાને યાદ કર્યા હતા જેમનામૃત્યુ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાહુલે કહ્યું હતું કે હું જસ્ટિસ લોયાને યાદ કરી રહ્યો છું કે જેમની ટ્રાન્સફર નહોતી થઇ. સમગ્ર મામલે વિવાદ બાદ કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે આ એક સામાન્ય કાર્યવાહી છે જેમાં કોઇ જ નિયમોનો ભંગ નથી કરાયો, કોલેજિયમે જે ભલામણ કરી હતી તે અનુસાર જ આ નિર્ણય લીધો હતો.
કોણ છે ટ્રાન્સફર કરાયેલા ન્યાયાધીશ મુરલીધર?
જસ્ટિસ એસ મુરલીધરે શિખ વિરોધી રમખાણોમાં સામેલ કોંગ્રેસના નેતા સત્તન કુમારને દોષીત ઠેરવ્યા હતા.
હાઇકોર્ટના સૌથી મોટા બાર અસોસિએશને મુરલીધરની ટ્રાન્સફરને કોર્ટ માટે નુકસાનકારક ગણાવી હતી અને ટ્રાન્સફર ન કરવા માગણી કરી હતી.
જસ્ટિસ મુરલીધર જ એ જજ છે કે જેઓએ જજોને માય લોર્ડ જેવા સંબોધન વકીલો કે નાગરિકો કરતા હોય છે તેને બંધ કરાવ્યા હતા.
જજ બન્યા તે પહેલા મુરલીધર દિલ્હી હાઇકોર્ટમાં વકીલ હતા, તેઓ ફી લીધા વગર ગરીબો માટે લડતા હતા.
સમલૈંગિકો સાથે ભેદભાવ મુદ્દે જે ચુકાદો આપ્યો તેની બેંચમાં તેઓ સામેલ રહી ચુક્યા છે. નર્મદા બંધમાં પીડિતોને ન્યાય, ભોપાલ ગેસ કાંડ જેવા કેસોમાં સુનાવણી કરી હતી.
દિલ્હી હિંસામાં ભાજપના નેતાઓ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો, કોર્ટમાં કપિલ મિશ્રાના ભડકાઉ વીડિયો પ્લે કરાવ્યા હતા.
Comments
Post a Comment