ટીવી ડીબેટોના નિવેદનો, ટ્વીટ સાથે નિસ્બત નથી : કેન્દ્ર

- નુપુર શર્માના બફાટ બાદ થયેલા વિવાદ વચ્ચે આરબ દેશોને વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
- પયગંબર વિરુદ્ધ ટીપ્પણી કરનાર નુપુર શર્મા અને શિવલિંગનું અપમાન કરનાર સબા નકવી સહિત 31 સામે એફઆઈઆર
- હિન્દુઓને ધમકી આપનારા મૌલાના મુફ્તી નદીમ, અસદુદ્દીન ઓવૈસીની ધરપકડના ભણકારા
- અજિત દોભાલે પયગંબર વિવાદના દોષિતો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપી : ઈરાનનો દાવો
નવી દિલ્હી : જ્ઞાનવાપી વિવાદ અંગે ટીવી ડિબેટમાં ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબ અંગે કરેલી અપમાનજનક ટીપ્પણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. મોટાભાગના ઈસ્લામિક દેશોએ આ મુદ્દે ભારત સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ શાંત કરવા કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે, ટીવી ડિબેટોમાં થતા નિવેદનો, સોશિયલ મીડિયા પરની ટીપ્પણીઓ અને ટ્વીટ સાથે અમારે કોઈ નિસ્બત હોતી નથી. કોઈનો પણ ખાનગી મત સરકારનો હોતો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે કોઈની પણ ટ્વીટ અને કમેન્ટ ભારત સરકારના વિચાર દર્શાવતા નથી. આ બાબત અમારા બધા જ સરકારી પ્રવક્તાઓને જણાવી દેવાઈ છે. તેમણે ઉમેર્યું કે, વિવાદાસ્પદ ટીપ્પણી અને ટ્વી ટ કરનારા લોકો સામે સંબંધિત એજન્સીઓએ કાર્યવાહી કરી છે.
હકીકતમાં ઈરાને દાવો કર્યો હતો કે, તેમના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહીયને દિલ્હીમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથેની બેઠકમાં આ મુદ્દો ઉખેળ્યો હતો. એનએસએ દોભાલે બધા જ દોષિતો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપી છે. ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે, અજિત દોભાલે સરકારી સ્તરે ખોટું કરનારાઓ સામે એવા આકરાં પગલાં ભરાશે, જે બીજા લોકો માટે બોધપાઠ તરીકે રજૂ થશે તેવી પણ ખાતરી આપી છે. જોકે, પાછળથી ઈરાનના વિદેશ મંત્રાલયે એસ. જયશંકર કે દોભાલ સાથે પયગંબર સાહેબના વિવાદ અંગે ચર્ચા થઈ હોવાનું ંનિવેદન પાછું ખેંચ્યું હતું.
અબ્દુલ્લાહીયને પીએમ મોદી અને એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
જોકે, વિદેશ મંત્રાલયે એસ. જયશંકર સાથે ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહીયનની બેઠકમાં પયગંબરના વિવાદ અંગે ચર્ચા થયાનો ઈરાનનો દાવો નકારી કાઢ્યો છે. બાગચીએ કહ્યું કે, બંને દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં અફઘાનિસ્તાન, યુક્રેન અને અન્ય પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે વેપાર, લોકો વચ્ચે સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.
દરમિયાન દિલ્હી પોલીસે પયગંબર અંગે વિવાદાસ્પદ નિવેદન કરનાર નુપુર શર્મા સહિત અન્ય ૩૧ લોકો સામે સમાજમાં નફરત ફેલાતા નિવેદનો કરવા અને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા બદલ બે એફઆઈઆર નોંધી છે. આ ૩૧ લોકોમાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને વિવાદાસ્પદ ધર્મગુરુ યતિ નરસિંહાનંદ, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાનનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના વિશ્લેષણ પછી બે એફઆઈઆર નોંધાઈ છે. બીજી એફઆઈઆરમાં પયગંબર અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા નવીનકુમાર જિંદાલ અને પત્રકાર સબા નકવીનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ભાજપમાંથી હાંકી કઢાયેલા પ્રવક્તા નુપુર શર્માની તેમને મોતની ધમકીઓ મળી રહી હોવાની ફરિયાદના આધારે તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જોકે, હવે ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ નુપુર શર્મા સામે એફઆઈઆર દાખલ થઈ છે. ઉપરાંત બીજી એફઆઈઆરમાં જ્ઞાાનવાપી વિવાદમાં શિવલિંગનું અપમાન કરનાર પત્રકાર સબા નકવી સહિત અસદુદ્દીન ઓવૈસી, શાદાબ ચૌહાણ, નવીન જિંદાલ, ગુલઝાર અંસારી વગેરેનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આઈએફએસઓ યુનિટે આ એફઆઈઆર નોંધી છે.
પોલીસે બધા લોકો પર ઉશ્કેરણીજનક નિવેદનોથી વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસનો આરોપ મૂક્યો છે. આઈએફએસઓના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે અલગ અલગ ધર્મોના અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. મલ્હોત્રાએ કહ્યું કે આ નિવેેદનોને પ્રમોટ કરવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ભૂમિકાની પણ તપાસ કરાશે.
કાનપુરમાં કલમ 144 લાગુ કરાઈ
કાનપુરમાં શુક્રવારની નમાજ પહેલાં પોલીસ આજે હાઈ એલર્ટ
- કાનપુર પછી ઉન્નાવને સળગાવવાનું કાવતરું, ઉશ્કેરણીજનક પોસ્ટરો સામે તંત્રના આકરાં પગલાં
ઉત્તર પ્રદેશના અગ્રણી ઔદ્યોગિક શહેર કાનપુરમાં ગયા સપ્તાહે શુક્રવારની નમાજ પછી ફિંસા ફેલાવવાનું કાવતરું ખુલ્લુ પાડયા પછી પોલીસ આ શુક્રવારની નમાજ પહેલાં હાઈએલર્ટ પર થઈ ગઈ છે. કાનપુરમાં ગુરુવાર સાંજથી જ કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. બીજીબાજુ કાનપુર નજીક ઉન્નાવમાં પણ હિંસા ફેલાવવાનું કાવતરું તંત્રે નિષ્ફળ કર્યું છે અને કાવતરાંખોરોની તપાસ હાથ ધરી છે.
કાનપુરમાં ત્રીજી જૂન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શુક્રવારની નમાજ પછી હિંસા ફાટી નીકળ્યા પછી શહેરનું તંત્ર અને પોલીસ આ સપ્તાહે હાઈએલર્ટ પર આવી ગયા છે. શહેરમાં આવતીકાલે ૧૦મી જૂને શુક્રવારની નમાજ પછી ફરી હિંસા ન ફેલાય તે માટે પોલીસે ગુરુવારે સાંજથી જ કલમ ૧૪૪ લાગુ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખતાં દરેક પ્રકારના ધરણાં દેખાવો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
બીજીબાજુ કાનપુરમાં ગયા સપ્તાહે ફેલાયેલી હિંસાના આરોપીઓને રિમાન્ડ પર મોકલવા અંગે આજે સુનાવણી થઈ હતી. કોર્ટમાં હયાત અને તેના સાથીઓના રિમાન્ડ પર શુક્રવારે ફરીથી ચર્ચા પછી ચૂકાદો અપાશે. વધુમાં શુક્રવારની હિંસાના માસ્ટર માઈન્ડ હયાત ઝફર હાશમીના અનેક બેન્ક ખાતાની લેવડ-દેવડની હકીકત સામે આવ્યા પછી એસઆઈટીએ તેની સંપત્તિઓની તપાસ શરૂ કરી છે.
દરમિયાન કાનપુર જિલ્લામાં હિંસા ફેલાવ્યા પછી ઉન્નાવમાં પણ શુક્રવારે બજાર બંધ કરવાના પોસ્ટરો લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસને આ પોસ્ટરો લાગ્યા હોવાની માહિતી મળતા જ તાત્કાલિક પોસ્ટર હટાવી દેવાયા. હવે પોલીસ પોસ્ટરો લગાવનારા લોકોની શોધ કરી રહી છે. ઉન્નાવમાં એક દિવાલ પર ૧૦મી જૂનને શુક્રવારે બજાર બંધ અંગે એક પોસ્ટર ચોંટાડેલું જોવા મળ્યું. આ પોસ્ટર જ્યાં લાગ્યું હતું, ત્યાં મોટાભાગે હિન્દુ પરિવારો રહે છે. આશંકા વ્યક્ત થઈ રહી છે કે કોઈએ કાનપુરની ઘટના પછી ઉન્નાવમાં પણ હિંસાનું કાવતરું રચાયું હોઈ શકે છે.
Comments
Post a Comment