IPL મીડિયા રાઈટ્સ માટેના ઈ-ઓક્શનની મુંબઈમાં શરૂઆત

- બિડિંગ માટે 4 પેકેજ જવાના છે તથા પ્રત્યેક પેકેજ તેની સૌથી વધુ બોલી લગાવનારાના ખોળામાં જશે
મુંબઈ, તા. 12 જૂન 2022, રવિવાર
વિશ્વની સૌથી મોટી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટેના આગામી 5 વર્ષના એટલે કે, વર્ષ 2023-2027ના સમયગાળા માટે મીડિયા રાઈટ્સ ખરીદવા માટેની હરાજી શરૂ થઈ ગઈ છે. BCCI વર્ષ 2023-2027ના સમયગાળા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે મીડિયા અધિકારોની ઈ-હરાજી કરી રહ્યું છે. મુંબઈ ખાતે આયોજિત આ હરાજી 2-3 દિવસથી પણ વધારે સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.
IPLની પ્રત્યેક સિઝનમાં 74 ગેમ જોવા મળશે અને છેલ્લી બે સિઝનમાં તેની સંખ્યા વધીને 94 થઈ જાય તેવી શક્યતા છે. ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ માટે IPL મીડિયા રાઈટ્સનું વર્તમાન મૂલ્ય 16,347.50 કરોડ રૂપિયા છે. સ્ટાર ઈન્ડિયાએ સપ્ટેમ્બર 2017માં સોની પિક્ચર્સને હરાવીને આ રાઈટ્સ ખરીદી લીધા હતા.
સ્ટાર અને સોની નેટવર્કની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની માલિકીની Viacom18 ટીવી અને ડિજિટલ એમ બંને સ્પેસ માટે એક મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે.
અગાઉ મીડિયા રાઈટ્સ એક સાથે જ વેચવામાં આવતા હતા જેમાં ટીવીથી શરૂ કરીને ડિજિટલ રાઈટ્સનો પણ સમાવેશ થતો હતો. ડિજિટલ મીડિયાનો પ્રસાર વધ્યા બાદ BCCIએ એક જ પેકેજના બદલે 4 અલગ-અલગ પેકેજીસમાં રાઈટ્સ વેચવાનો નિર્ણય લીધો છે જેથી બોર્ડને કરોડોનો ફાયદો થશે. કુલ 4 વિશિષ્ટ પેકેજોમાં વર્ષ 2023-2027ના 5વર્ષના સમયગાળા માટે પ્રત્યેક સિઝનમાં 74 રમતો માટેનું ઈ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં અંતિમ બે વર્ષમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવાની જોગવાઈ છે.
BCCIને એવી આશા છે કે, તે તેમની 32,440 કરોડ રૂપિયાની સંયુક્ત બેઝ પ્રાઈસથી ઉપર વધુ 12,000થી 12,500 કરોડની કમાણી કરી શકે છે જે તેમનું મૂલ્યાંકન 45,000 કરોડ રૂપિયા સુધી લઈ જઈ શકે છે.
આ એક ઈ-ઓક્શન છે જેમાં કંપનીઓ તેમની બિડ એક સાથે 50 કરોડ વધારી શકે છે. ઈ-ઓક્શન પારદર્શક છે પરંતુ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.
ઈ-ઓક્શનમાં સામેલ કંપનીઓની યાદી
Viacom18નું લુપા સિસ્ટમ્સ (ઉદય શંકર અને જેમ્સ મર્ડોક) સાથેનું સંયુક્ત સાહસ, વોલ્ટ ડિઝની (સ્ટાર), ઝી, સોની (બંને, ભારતીય મીડિયા અને ડિજિટલ રાઈટ્સ). ટાઈમ્સ ઈન્ટરનેટ, ફેન કોડ, ફનએશિયા, ડ્રીમ11 (ફક્ત ડિજિટલ રાઈટ્સ)
બિડિંગ માટે 4 પેકેજ જવાના છે તથા પ્રત્યેક પેકેજ તેની સૌથી વધુ બોલી લગાવનારાના ખોળામાં જશે.
Comments
Post a Comment