જી-20ના 20 વર્ષે મહત્ત્વનો સવાલ : 20 દેશોની બેઠકનો દુનિયાને શું ફાયદો?

- આ 20 દેશો પાસે દુનિયાનું 85 ટકા જીડીપી છે, અને 65 ટકાથી વધારે વસતી છે. બધા દેશો એકબીજાને મળે છે, પરંતુ સમુહ ભાવનાની અછત જોવા મળે છે


જાપાનના ઓસાકામાં વિશ્વના અગ્રણી દેશોની બેઠક પૂરી થઈ. આવી બેઠક દર વર્ષે મળે છે. દુનિયાના ૨૦ દેશોનું ગૂ્રપ છે, જેને ટૂંકમાં જી-૨૦ નામ આપી દેવાયું છે. જાપાનના ઓસાકા આ અતી ખર્ચાળ, હાઈ-પ્રોફાઈલ અને આખા જગતમાં ચર્ચાસ્પદ બનેલી બે દિવસીય બેઠપ પૂરી થઈ. ૧૯૯૯માં આવા ગૂ્રપની રચનાનો વિચાર સૌ પ્રથમ વાર રજૂ થયો હતો. માટે આ જી-૨૦નું ૨૦મું વર્ષ છે. આ એવા દેશો છે, જે ઝડપથી વિકસી રહ્યા છે અને દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવે છે.

માટે જી-૨૦ની કુલ ગણતરી કરીએ તો દુનિયાના જીડીપીમાંથી ૮૫ ટકા જીડીપી તો આ વીસ દેશો જ ધરાવે છે. એ રીતે જગતની ૬૫ ટકાથી વધારે વસતીનો સમાવેશ પણ ૨૦ દેશોમાં થઈ જાય છે. એ હિસાબે આ બહુ મોટુ સંગઠન છે. પણ સવાલ એ થવા લાગ્યો છે કે આવા સમુહથી અને સમુની બેઠકોથી દુનિયાને ખરેખર શું ફાયદો થાય છે? કેમ કે સંગઠનની સમુહ ભાવના ધીમે ધીમે ઓછી થતી જાય છે.

સમુહ ભાવના ન હોવાનું લેટેસ્ટ ઉદાહરણ ઓસાકા બેઠના છેલ્લા દિવસે જોવા મળ્યું. ૨૦માંથી ૧૯ દેશો ક્લાઈમેટ ચેન્જ મુદ્દે કડક કાર્યવાહી કરવી જોઈએ એ વાત પર સહમત થયા. અમેરિકી પ્રમુખ એમાં ફરી વખત આડા ફાડયા. ટ્રમ્પે કહી દીધું કે 'અમારા દેશમાં સ્વચ્છ પાણી છે, સ્વચ્છ હવા છે, અમારે ક્લાઈમેટ ચેન્જ માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. અત્યાર સુધી મહેનત કરીને, અઢળક ખર્ચો કરીને અમેરિકા નામનું જે સામ્રાજ્ય અમે ઉભું કર્યું છે, તેમાં ક્લાઈમેટ ચેન્જના નામે ગાબડાં પાડવાની મને જરૂર લાગતી નથી.' 

ટ્રમ્પ માટે આ નવાઈ નથી. અતી મહત્ત્વની ૨૦૧૬ની પેરિસ ક્લાઈમેટ ચેન્જ સંધિ વખતે પણ ટ્રમ્પે અમેરિકાનું નામ રદ કરી નાખ્યું હતું. અગાઉના અમેરિકી પ્રમુખ ઓબામા સંધિ માટે સહમત થયા હતા. ટ્રમ્પે એ જ સંધિ માટે અસહમતી રજૂ કરી સહિ કરવાની ના પાડી દીધી હતી.

એ સંધિ દુનિયાના દેશો પર્યાવરણીય પ્રશ્નો માટે એક થાય અને કાર્બન ઉત્પાદન ઘટે એવા પગલાં લે એ માટેની હતી. ૧૭૫ દેશોએ પેરિસ એકોર્ડ કહેવાતી સંધિ પર સહી કરી, પણ એમાં અમેરિકાનો સમાવેશ થતો નથી. એ વખતે સ્પષ્ટ થયું કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કોઈ પણ ભોગે અમેરિકાના વિકાસની ગાડી પાટા ઉપરથી ઉતરવા દેવા માંગતા નથી. જાપાનમાં પણ ટ્રમ્પે ફરી એ જ વાત રજૂ કરી છે.

જાપાનમાં ટ્રમ્પે કહ્યું કે 'જે દેશો ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે એ પોતાની શક્તિનો વેડફાટ કરી રહ્યાં છે. લોકો પવન ઊર્જા પર નિર્ભરતાની વાતો કરે છે, પરંતુ પવન ચક્કીથી મળતી ઊર્જાથી દેશ ન ચાલી શકે. વળી પવન ચક્કીથી ઊર્જા મેળવવા માટે અઢળક ખર્ચ પણ કરવો પડે. એ ખર્ચા-પાણીની અમેરિકાની તૈયારી નથી.'

આ વાતથી વધુ એક વખત સાબિત થયું કે દુનિયાના ૨૦ દેશો ભેગા મળીને ગમે તે ચર્ચા-વિચારણા કરે, નક્કર કામગીરી કરવાની વાત આવે ત્યારે સૌ પોતપાતોના રાગ આલાપે છે. એટલે હવે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જી-૨૦ જેવી બેઠકોની ખરેખર જરૂર છે? એ બેઠકો પાછળ થતો અઢળક ખર્ચો યોગ્ય છે? એ બેઠકો પછી કોઈ દેશનું, દેશોનું કે દુનિયાનું ભલું થયું છે ખરાં? બેઠકો જ કરવાની હોય તો રાષ્ટ્રસંઘ સહિતની અનેક વૈશ્વિક સંસ્થા-સંગઠનો છે.

તો પછી જી-૨૦, જી-૮, જી-૭, બ્રિક્સ, સાર્ક, યુરોપિયન સંઘ એવા નોખા-નોખા ભાગો કેટલે અંશે ઉપયોગી થાય છે? જી-૨૦ એ સંયુક્ત રાષ્ટ્રસંઘની માફક સ્વતંત્ર સંગઠન નથી. માટે તેની કોઈ કાયમી ઓફિસ, કાયમી સ્ટાફ વગેરે નથી. દર બેઠક વખતે લિડરશીપ નક્કી થાય. એ પછીની બેઠક એ દેશમાં યોજાય. એ દેશના વડા જ એક વર્ષ પૂરતા જી-૨૦ના પણ વડા રહે.

જેમ કે જાપાન પાસે આ વખતનું નેતૃત્વ હતુ, માટે જાપાની વડા પ્રધાન આબે તેના પ્રેસિડેન્ટ હતા. જાપાનમાં બેઠક યોજવાની જવાબદારી પ્રેસિડેન્ટ આબેની જ હતી. ૨૦૨૦ની બેઠક સાઉદી અરબમાં યોજાવાની છે. માટે ત્યાંના રાજા હવે એક વર્ષ સુધી પ્રમુખ રહેશે. એ પછી એ જવાબદારી ભારત માથે આવવાની છે કેમ કે ૨૦૨૨માં ભારત યજમાની કરવાનું છે. 

આ સંગઠન તો ૧૯૯૯માં આરંભાયુ પણ વૈશ્વિક ધોરણે બેઠકની શરૂઆત ૨૦૦૮થી જ થઈ હતી. શરૂઆતમાં આ સંગઠનમાં ૨૦ દેશોના નાણા મંત્રી એકઠા થતા હતા. ૧૯૯૯ની પહેલી બેઠક બર્લિનમાં મળી હતી. ધીમે ધીમે બેઠકને મોટું સ્વરૂપ મળ્યું અને હવે વિવિધ દેશોના પ્રમુખો જ હાજર રહે છે. સાથે સાથે નાની મિટિંગો યોજાય જેમાં જે-તે દેશના મંત્રીઓ વચ્ચે પણ મિટિંગો થાય. મિટિંગનો મુદ્દો મોટે ભાગે તો આર્થિક પ્રશ્નો ઉકલવાનો હોય. આર્થિક પ્રશ્નો સામાન્ય રીતે બે દેશો વચ્ચે જ ઉદ્ભવતા હોય એટલે બે દેશો આવી સામુહિક મિટિંગ વગર પણ ઉકેલી શકે.

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલે છે. એ વૉરમાં વીરામ લેવાનું અમેરિકા-ચીને મન બનાવ્યું છે. એ બન્ને દેશો ક્યારના વાટા-ઘાટો કરે જ છે. માટે જી-૨૦ની મિટિંગ વગર પણ  પોતાના પ્રશ્નો ઉકેલી શક્યા હોત. પરંતુ જી-૨૦ની બેઠકમાં મળીને ઉકેલ લઈ આવ્યા તો એટલી જી-૨૦ની સિદ્ધિ ગણવી રહી.

દર વર્ષે દુનિયામાં નીત-નવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આ વખતે આર્થિક ઉપરાંત ચીન-અમેરિકા ટ્રેડ વૉર અને ઈરાનની કટોકટી મુખ્ય પ્રશ્નો હતા. આવા પ્રશ્નનોની ચર્ચા થાય અને ઉકેલ મળે પણ ખરાં. પણ ટ્રમ્પ જેવા કોઈ એમ કહે કે અમેે કોઈની વાત માનવાના નથી, તો પછી મિટિંગ નિરર્થક બની રહે છે.

એ રીતે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે આ બેઠકમાં હાજર રહેવા આવ્યા છે. પણ તેમણે રાજીનામુ આપી દીધું છે અને અત્યારે યુનાઈટેડ કિંગડમના રખેવાળ વડા પ્રધાન છે. એ હાજર રહે કે ન રહે ખાસ ફરક ન પડે, કેમ કે એ પોતાના દેશમાં જઈને કોઈ નિર્ણય તો લઈ શકવાના નથી.

ચીન-રશિયાના પોતાના સ્વાર્થ છે. એ રીતે બધા જ દેશોનો પોતાનો સ્વાર્થ છે અને એ સ્વાર્થ તેમના એકીકરણને અટકાવે છે. આવા સંગઠનોની ખરી જરૂર પહેલા, બીજા વિશ્વયુદ્ધ પછી હતી. દુનિયાના ઘણા દેશો વેરવિખેર થઈ ચૂક્યા હતા. બ્રિટન સહિત ભલભલા દેશોના અર્થતંત્ર ભાંગી પડયા હતા.

એ વખતે બધાએ એકબીજાને સહકાર આપ્યો અને વિકાસપથ પર આગેકૂચ કરી. આજે પણ ઘણા દેશોને આવા વિકાસની જરૂર છે. જેમ કે સિરિયા કે પછી સોમાલિયા કે પછી સુદાન. પરંતુ એવા જરૂરવાળા દેશો તો આ સંગઠનના સભ્ય જ નથી! જે સભ્યો છે, એ દેશો એકબીજાનો સહકાર લેવાને બદલે પોતાનો પોતાનો રાગ વગાડયા કરે છે. 

સંગઠનનો ઉદ્દેશ દુનિયાનો સમાનતાપૂર્વક વિકાસ કરવાનો છે. પરંતુ સંગઠનમાં દુનિયાના ૧૭૦થી વધારે દેશો તો શામેલ નથી. વળી શામેલ છે, તેમાં પરસ્પર મતભેદોનો પાર નથી. માટે ફરીથી એ પ્રશ્ન ઉભો થયો છે કે આવી અતી ખર્ચાળ બેઠકની દુનિયાને ખરેખર જરૂર છે?

જી-20 માં ક્યા કયા દેશો છે ?

ભારત

આર્જેન્ટિના

ઓસ્ટ્રેલિયા

બ્રાઝિલ

કેનેડા

ચીન

ફ્રાન્સ

જર્મની

ઈન્ડોનેશિયા

ઈટાલિ

જાપાન

મેક્સિકો

રશિયા

સાઉદી અરબ

દક્ષિણ કોરિયા

દક્ષિણ આફ્રિકા

તુર્કી

યુનાઈટેડ કિંગડમ

અમેરિકા

યુરોનિયન યુનિયન

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો