મોદી-ટ્રમ્પનું મિલન : ટ્રેડવોર, એસ-400 અંગે મૌન


ટેરિફ મુદ્દે બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ વચ્ચે આગામી દિવસોમાં બેઠક મળે તેવી શક્યતા 

(પીટીઆઈ) ઓસાકા, તા. 28 જૂન, 2019, શુક્રવાર

જી-૨૦ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. દ્વિપક્ષીય સંવાદમાં બંને દેશોના વડાઓએ દ્વિપક્ષીય વેપાર વધારવા ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે સહકાર અને ૫જી તેમજ ઈરાન સાથે અમેરિકાની તંગદિલી મુદ્દે ચર્ચા કરી હતી. ટ્રેડવૉર અને રશિયન બનાવટની એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મુદ્દે કોઈ વાતચીત થઈ ન હતી.

જાપાનમાં યોજાઈ રહેલા જી-૨૦ સંમેલનમાં વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો હતો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત પછી પહેલી વખત બંને દેશોના વડાઓ મળતા હતા એટલે ટ્રમ્પે મોદીને વિજયની શુભકામના પાઠવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે તમે આ વિજયના હકદાર છો. મોદીએ આભાર માનીને લોકશાહી અને શાંતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

તે પછી બંને દેશોના વડા વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. જેની અપેક્ષા હતી એ ટ્રેડવૉર તેમ જ રશિયન બનાવટની ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦નો મુદ્દો જ વાતચીતમાં આવ્યો ન હતો. મોદી-ટ્રમ્પ વચ્ચે બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર વધારવા મુદ્દે, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ ઉપરાંત ૫જી ઈન્ટરનેટ અને ઈરાન વિશે વાતચીત થઈ હતી.

મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ટ્રમ્પ સાથે બદલાતી ટેકનોલોજી વિશે, સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા બાબતે અને સુરક્ષા જેવા મુદ્દે ઉપયોગી વાતચીત થઈ હતી. એ ઉપરાંત આર્થિક તેમ જ સાંસ્કૃતિક સહયોગ વધારવા ઉપર પણ બંને દેશો સહતમ થયા હતા.

ભારતે અમેરિકાની ચીજવસ્તુઓ ઉપર ટેરિફ વધાર્યા પછી ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાત હોવાથી ટેરિફ બાબતે ચર્ચા થાય તેવી પૂરી શક્યતા હતી. જી-૨૦માં મોદી સાથેની મુલાકાત પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન પ્રોડક્ટ ઉપર લદાયેલા ટેરિફ બાબતે મોદી સાથે વાર્તાલાપ થશે અને ભારતે એ ટેરિફ હટાવવો જ પડશે.

જોકે, એ મુદ્દે વાતચીત થઈ ન હતી. એ જ રીતે ભારત રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદે તેનો પણ અમેરિકાએ અગાઉ વિરોધ કર્યો હતો, પણ બંને દેશોના વડાઓ વચ્ચે તેનો કોઈ ઉલ્લેખ થયો ન હતો. ટેરિફ મુદ્દે બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થશે. આ મુદ્દો વાણિજ્ય મંત્રીઓ ઉપર છોડવામાં આવ્યો હતો.

મોદીએ પુતિન, જિનપિંગ સાથે આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની પ્રમુખ શિ જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિન સાથે ચર્ચા કરી હતી. એ દરમિયાન આતંકવાદ સામેની લડાઈ અને ક્લાઈમેટ ચેન્જ મુદ્દે વાર્તાલાપ થયો હતો. ત્રણ દેશોના વડા વચ્ચે રશિયા-ઈન્ડિયા-ચીન (રિક) નામથી બેઠક થઈ હતી. એ બેઠકમાં ત્રણેય દેશોના વડાઓએ ૨૧મી સદીમાં ક્લાઈમેટ ચેન્જના કારણે આવી રહેલું પરિવર્તન કેવી રીતે કાબુમાં લાવી શકાય તેના વિશે વિગતે વાત કરી હતી. પ્રદૂષણ ઘટાડવા ઉપર ભાર મૂકાયો હતો અને આતંકવાદ સામેની લડાઈમાં સાથ આપવા ત્રણેય દેશોએ કટિબદ્ધતા દર્શાવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો