ટ્રમ્પની પુનઃ સવારી ?



ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારે એમને અર્ધડાહ્યા માનવામાં આવતા હતા. તેઓ તરંગી, ધુની અને વ્યર્થ બકવાસ કરનારાઓમાંના એક હતા. ઓબામા ખરેખર ડહાપણનો ભંડાર હતા. પરંતુ ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી જે વેસ્ટર્ન રાષ્ટ્રવાદની નવી થિયરી અજમાવી એને કારણે અમેરિકાની ઈમેજને દુનિયાભરમાં ઘસારો લાગ્યો. તો પણ એ પ્રખર બુદ્ધિમાન અને વિચક્ષણ તો છે જ, ભારતીય રાજકારણે આજ સુધી જોયેલા અનેક અલ્પમતિ રાજનેતા જેવા તેઓ બિલકુલ નથી. 

અમેરિકાના વતનીઓનો એક મોટો સમુદાય છે જે આગંતુક વિદેશી પ્રતિભાઓ તરફ ખિન્ન છે, ટ્રમ્પની વૃત્તિ અને પ્રવૃત્તિ એ કૂપમંડુકોનું પ્રતિનિધિત્વ કરનારી છે. ટ્રમ્પે પાછલા અનેક રાષ્ટ્રપ્રમુખોએ ઉત્તરોત્તર અમેરિકાને મહાન અને આદર્શ રાષ્ટ્ર બનાવવાની જે હિમાયત સાથેનો પુરુષાર્થ કર્યો એનાથી જુદો જ રસ્તો લીધો અને અમેરિકા ફર્સ્ટના નામે નાગરિકોના દિલોદિમાગમાં પોતાને માટે અલગ જગ્યા બનાવી હવે એ જગ્યા પુરાઈ જવા આવી છે અને ઈ.સ. ૨૦૨૦માં આવી રહેલી અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હવે એમણે એ જગ્યા ફરી બનાવવાની છે.

ટ્રમ્પે હમણાં ફ્લોરિડામાં પોતાના ચાહકોની એક જાહેરસભાને બુલંદ સ્વરમાં સંબોધન કર્યું અને કહ્યું કે કેટલાક અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે તમે મને હજુ બીજા ચાર વરસ આપો. એમના એ ઉચ્ચારથી જ ફરીવાર રાષ્ટ્રપ્રમુખ થવાની તેમની દાવેદારી જાહેર થઈ. તેઓ દુનિયામાં અનેક મોરચે સંઘર્ષ છેડી- છંછેડી ચૂક્યા છે અને અત્યારે ઘર આંગણે તેઓ વિવિધ પ્રતિષ્ઠાના જંગનો પણ સામનો કરી રહ્યા છે.

જ્યારથી અમેરિકામાં ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઈ છે ત્યારથી આ રાષ્ટ્રપ્રમુખને વાતાનુકૂલિત વ્હાઈટ હાઉસમાં નિત્ય પરસેવો વળી રહ્યો છે. અમેરિકાની એક ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ મુકદ્દમો ચલાવવાની ડેમોક્રેટિક પાર્ટીની અપીલને મંજુરી આપી છે. એટલે કે હવે ટ્રમ્પ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવશે.

ડેમોક્રેટિક પાર્ટીના ૨૦૦ સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધ અભૂતપૂર્વ તહોમતનામુ તૈયાર કર્યું છે. જેમાં એક આરોપ એવો પણ છે કે રાષ્ટ્રપ્રમુખ થયા પછી પણ તેમણે તેમના તમામ વ્યાપારિક કારોબાર ચાલુ રાખ્યા છે જે બંધારણ વિરુદ્ધ છે. વળી અદાલતની મંજુરી પર અમેરિકી સદનના અધ્યક્ષ નેન્સી પોલોસીએ એ મંજુરીનું સ્વાગત કરતા એમ પણ કહ્યું કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ સંવિધાનથી ઉપરવટ નથી, ભલે ને તે રાષ્ટ્રપ્રમુખ સ્વયં હોય!

ફ્લોરિડાના ભાષણમાં ટ્રમ્પે 'કિપ અમેરિકા ગ્રેટ' એવું એક નવું સૂત્ર પણ આપ્યું પરંતુ એ સ્પષ્ટતા તો કરી જ કે અમેરિકા ફર્સ્ટની પોતાની થિયરી એન્ડ પ્રેકટિસ ચાલુ રહેશે. જી-૨૦ દેશોની શિખર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થયું ત્યારે તેમણે અનેક રાષ્ટ્રોના વડાઓની વચ્ચે સામે ચાલીને માત્ર મિસ્ટર મોદીને હર્ષભેર હસ્તધૂનન કર્યું હતું.

નાટયાત્મકતામાં તો આ બન્ને રાષ્ટ્રવડાઓ એકબીજાના ખરેખરા સ્પર્ધક છે! પરંતુ ટ્રમ્પે સરેરાશ તો મોદી સાથે ખૂબ જ સારો વર્તાવ કર્યો. ટ્રમ્પ સાથેની ટૂંકી દ્વિપક્ષીય ગોષ્ઠીમાં અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારત સરકારને લખેલા ગરમાગરમ પત્ર વિશે મોદીએ નારાજગી વ્યક્ત કરી પરંતુ ચાલાક ટ્રમ્પે મોદીને ફરીવાર વડાપ્રધાન થવા બદલ અભિનંદન આપીને વાતને વળાંક આપી દીધો.

જાપાન, અમેરિકા અને ભારતના રાષ્ટ્રવડાઓની એક ત્રિપક્ષીય મંત્રણા પણ થઈ અને એ જ રીતે રશિયા, ચીન અને ભારતના વડાઓની પણ એક બેઠક યોજાઈ. જી-૨૦માં આ વખતે પણ ભારતની સંદિગ્ધ વિદેશ નીતિ જોવા મળી. ટ્રમ્પે પોતાનો આંતરરાષ્ટ્રીય ચહેરો સૌજન્યપૂર્ણ રાખ્યો છે પરંતુ તમામ વિકસિત અને વિકાસશીલ દેશો પરત્વેની ખતરનાક કિન્નાખોરી યથાવત રાખી છે.

ટ્રમ્પ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે જ દુનિયાના મહાન અર્થશાસ્ત્રીઓએ હવામાનની પરિભાષામાં એમના આગમનને 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' કહ્યું હતું. જે રીતે ઉત્તર કોરિયા સામે ભીષણ ઘુરકાટ કરીને ટ્રમ્પ પોતાની ગુફામાં પાછા જતા રહ્યા તે જ રીતે ઈરાન સામે લડાયક ગર્જનાઓ કરીને અણયુદ્ધે તેઓ પાછા ફરી જવાની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છે.

દક્ષિણ અમેરિકામાંથી આવતા વસાહતીઓ પર ટ્રમ્પ ક્રૂરતાથી પગલા લેવા લાગ્યા છે જેણે આજકાલ અમેરિકી પ્રજાના હૈયાં હચમચાવી દીધા છે. માણસાઈના તમામ ધોરણોને નેવે મૂકીને ટ્રમ્પે હજારો નાના બાળકોને અલગ કસ્ટડીમાં રાખ્યા છે. તમામ શરણાર્થીઓને પૂરતો ખોરાક, સારવાર વગેરે કોઈ સુવિધા આપવામાં આવતી નથી.

રાતોરાત ખડકી દીધેલી જેલ જેવી એ વસાહતો ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા સંચાલિત થાય છે. અમેરિકી ઈમિગ્રેશન નીતિ તૈયાર કરવામાં વ્યસ્ત એવા ટ્રમ્પના જમાઈરાજ જેરેડ કુશનર હજુય આખરી નિર્ણયો કે આખરી ઓપ આપી શક્યા નથી અને હવે ટ્રમ્પની મુદત તો પુરી થવા તરફ છે. અમેરિકી પ્રજાની નારાજગી જ ટ્રમ્પને જિતાડશે એમ કાર્ટૂનિસ્ટો કટાક્ષ કરી રહ્યા છે, જે કટાક્ષ ખરેખર તો હમણાં પસાર થયેલી ભારતીય સામાન્ય ચૂંટણી પર છે!

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો