મુંબઈમાં 5.5 ઇંચ વરસાદ : ત્રણનાં મોત
અનેક જગ્યાએ પાણી ભરાયા : આજે ભારે વરસાદની ચેતવણી
મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક ફ્લાઇટો રદ : રેલ્વે અને વાહન વ્યવહાર પણ ખોરવાયો
મુંબઈમાં વરસાદનું આટલું મોડું આગમન થયાની 45 વર્ષમાં પ્રથમ ઘટના
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 28 જૂન, 2019, શુક્રવાર
મુંબઈમાં પ્રથમ વખતે આજે વરસેલા મૂશળધાર વરસાદે ત્રણનો ભોગ લીધો હતો અને પાંચ જણને જખમી કર્યા હતા. માર્ગ અને પાટા પર ઠેર ઠેર પાણી ભરાતા રેલવે પ્રશાસન તેમજ મુંબઈ મહાનગર પાલિકાના દ્વારા કરાયેલા તમામ દાવાઓ પર પાણી ફરી ગયું હતું. એટલે કે પોકળ સાબિત થયા હતા. મુંબઈગરાના જનજીવન પર માઠી અસર પડી હતી. ઉપનગર વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં નવા પાણીની આવક થઈ હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન તેમજ અનેક દિવસોથી પ્રતીક્ષાબાદ આજે પરોડિયેથી મુંબઈમાં મૂશળધારવરસાદ સાથે જોરદાર એન્ટ્રી કરી છે. શોર્ટ સર્કીટ, દિવાલ અને વૃક્ષો તૂટી પડયા સહિત જુદી જુદી ઘટના બની હતી. પાટા અને રસ્તા પર પાણી ભરાયા હતા. પરિણામે પશ્ચિમ, મધ્ય અને હાર્બરની લોકલ સેવા નિયમિત સમય કરતાં અડદો કલાક વિલંબથી દોડતા રેલવે પ્રશાસનને અનેક ટ્રેન સેવા રદ્દ કરવી પડી હતી.
જ્યારે રસ્તા પર પાણી ભરાતાં વાહન વ્યવહાર અને બસ સેવાને અન્ય માર્ગે વાળવા પડયા હતા. અનેક ઠેકાણે પાણી લોકોના ઘૂંટણ સમા ભરાયા હતા. આગામી ૨૪ કલાક દરમિયાન શહેરભરમાં સુંસવાટાભેર પવન ફૂંકાશે સાથોસાથ ભારેથી અતિભારે વરસાદ વરસે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી હતી.
આજે ભારે વરસાદમાં ૧૪ ઠેકાણે શોર્ટ સર્કીટના બનાવ બન્યા હતા. એમાં અંધેરી (પ)માં આર.ટી.ઓ ઓફિસ સામે અન્ના નગરમાં શોર્ટ સર્કીટ થતાં એક ૬૦ વર્ષીય મહિલાને વીજળીનો કરન્ટ લાગ્યો હતો અને તેને ઉપચાર માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યા તબીબે તપાસ કરતાં કાશીમા યુડિયાર અને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે ગોરેગામ (પૂર્વ)માં મહાકાલી કેવસ રોડ, હિરવાણી એસ્ટેટ, દુર્ગા માતા મંદિરની પાછળ વિજળીનો કરન્ટ લાંગતા બે જણ મૃત્યુ પામ્યા હતા અને બે જણ જખ્મી થયા હતા. મૃતકમાં રાજેન્દ્ર યાદવ (૬૦ વર્ષ), સંજય યાદવ (૨૪ વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તમાં આશાદેવી યાદવ (પાંચ વર્ષ) અને દિપુ યાદવ (૨૪ વર્ષ)નો સમાવેશ થાય છે. આ બન્ને ઈજાગ્રસ્તને નજીકમાં આવેલી ટ્રોમા કેઅર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
દાદર સ્થિત સેનાપતી બાપટ માર્ગ પર ફુલ માર્કેટની દિવાલ તૂટી પડતાં ત્રણ જણ જખ્મી થયા હતા. ઈજા ગ્રસ્તોને નજીકની કે.ઈ.એમ. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઈજાગ્રસ્તોમાં દિનકર તોડવાલે (૩૫ વર્ષ), વિજય નાગર (૩૫ વર્ષ) ચેતન દિલીપ તાથે (૨૮ વર્ષ)નો સમાવેશ થાય છે, એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
આ સિવાય શહેરભરમાં ૫૩ વૃક્ષો ધરાશાયી થયા હતા. એમ કંટ્રોલ રૂમે ઉમેર્યું હતું. આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના લીધે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાયા હતા. ઘાટકોપર, મુલુંડ, અંધેરી સબવે, સાંતાક્રુઝ સબવે, મલાડ સબવે, જોગેશ્વરી, બાંદરા, બાંદરા-કુર્લા કોમ્પલેક્સ, કાંજૂર માર્ગ, હિંદમાતા સાયન, કિંગસર્કલ, લોઅર પરેલ, બોરીવલી, વરાસદના પાણી ભરાયા હતા.
સાયન, કિંગસર્કલ, હિંદમાતા, બાંદરા ખાતે પાણીભરાતાં વાહન વ્યવહાર અને ૩૦ થી ૩૫ બસોને અન્ય માર્ગે વાળવામાં આવી હતી. જો કે પાણી ભરાતા અનેક ઠેકાણે મૂકાયેલા પાણી ખેંચવાના પમ્પ પાલિકાએ શરૂ કરીને વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો.
નાળા સફાઈનું કામ ૧૦૦ ટકા પૂર્ણ કર્યું હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો. પણ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાનો દાવો પ્રથમ વરસાદ પોકળ સાબિત થયો હતો. એટલે કે યોગ્ય રીતે કામ થયુ ન હોવાનું પાલિકાની પોલ ખુલ્લી થઈ હતી. પાલઘર જિલ્લામાં પશ્ચિમ પટ્ટામાં શુક્રવારે વહેલી સવારે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જવાહર, મોખાડા, વિક્રમ ગઢ, વાડા, તલાસરી વરસાદ વરસતા ઉકળાટથી પરેશાન થયેલા લોકોને તેમજ ખેડૂતોને વરસાદ વરસતા રાહત થઈ હતી. વરસાદ વરસવા ખેડૂતો બી-રોપવાની તૈયારી કરી દીધી છે. નવી મુંબઈમાં પણ અનેક ઠેકાણે મૂશળધાર વરસાદ બાદ પાણી ભરાયા હતા. નાળામાંથી કાદવ-કદડો બહાર કાઢ્યો ન હોવાથી રસ્તા પર બે-બે ફૂટ સુધી પાણી ભરાયા હતા. આને લીધે સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી વ્યાપી હતી.ભારે વરસાદથી વિમાનના ઉડ્ડયન પર પણ અસર થઈ હતી. મુંબઈ આવતી જતી અને ફ્લાઈટો મોડી પડી હતી. કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
નાગપુરમાં સ્કૂલ પર વીજળી ત્રાટકતા આઠ ઘાયલ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 28 જૂન, 2019, શુક્રવાર
નાગપુરમાં સ્કૂલની ઇમારત પર વીજળી પડતા આઠ વિદ્યાર્થી, વિદ્યાર્થિની અને એક શિક્ષિકા જખમી થયા હતા. નાગપુરમાં રામટેક તાલુકામાં આસોલી ખાતે ગઇકાલે સાંજે જિલ્લા પરિષદની સ્કૂલ પર વરસાદ બાદ વીજળી ત્રાટકી હતી જેના લીધે સ્કૂલની ઇમારતમાં તિરાડ પડી ગઇ હતી.
ઇલેકટ્રીક વાયર પણ તૂટી ગયા હતા. આ બનાવમાં આઠ વિદ્યાર્થી, વિદ્યાર્થઇની એક શિક્ષિકા જખમી થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તમાંથી બે જણની તબીયત નાજુક છે આ ઘટનાને લીધે ગામમાં ગભરાટ ફેલાય ગયો હતો.
Comments
Post a Comment