'વન નેશન-વન રેશન કાર્ડ: ક્રાંતિકારી યોજના સાબિત થશે
પહેલા વન નેશન-વન ટેક્સ એટલે કે જીએસટી સિસ્ટમ લાગુ કરી એ પછી વન નેશન-વન ઇલેક્શનના મુદ્દે દેશમાં ગરમાગરમ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે અને હવે સરકારે વન નેશન- વન રેશન કાર્ડ યોજના લાગુ કરવાની દિશામાં પહેલ કરી છે
વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટી સિસ્ટમ લાગુ કર્યા બાદ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઇલેક્શનની દિશામાં સક્રિય બની છે. એ જ રીતે મોદી સરકારે હવે 'વન નેશન વન રેશન કાર્ડદ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં 'એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડદ વ્યવસ્થા લાગુ કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૦ જૂન, ૨૦૨૦ એટલે કે એક વર્ષનો સમય આપ્યો છે.
મોદી સરકારમાં ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને આ યોજના અંગે જાણકારી આપતા કહ્યું કે એક વર્ષમાં આખા દેશમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ વ્યવસ્થા કોઇ પણ જાતના વિલંબ વિના લાગુ કરી દેવામાં આવશે. પાસવાને તમામ રાજ્યોના ખાદ્ય સચિવો સાથે બેઠકમાં આ યોજનાના જુદાં જુદાં પાસાઓ પર ચર્ચાવિચારણા કરી. પાસવાનના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાથી એ સુનિશ્ચિત થઇ શકશે કે જો કોઇ ગરીબ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે જાય તો તેને રેશન મેળવવામાં કોઇ તકલીફ ન પડે. તેમણે તો એવો દાવો પણ કર્યો છે કે નવી વ્યવસ્થાથી બનાવટી રેશન કાર્ડ પણ સમાપ્ત થઇ જશે.
ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ પ્રણાલિના સંકલિત પ્રબંધન અનુસાર અનેક રાજ્યોમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ પ્રણાલિના લાભાર્થી કોઇ પણ જિલ્લામાંથી સસ્તુ અનાજ ખરીદી શકે છે. આ વ્યવસ્થા હાલ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, હરિયાણા, ઝારખંડ અને ત્રિપુરા એમ દસ રાજ્યોમાં લાગુ છે.
ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના બાકી રહેલા રાજ્યોએ પણ આ વ્યવસ્થા વહેલી તકે લાગુ કરવાની ખાતરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર આ યોજના અમલી બનાવવા માટે તમામ પીડીએસ એટલે કે સસ્તા અનાજની દુકાનો પર પોઇન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ મશીનો ઉપલબ્ધ કરાવવા આવશ્યક છે. આંધ્રપ્રદેશ અને હરિયાણા સહિત કેટલાંય રાજ્યોમાં તમામ રેશનની દુકાનો પર પીઓએસ મશીનો મૂકી દેવામાં આવ્યાં છે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે સમગ્ર દેશમાં આ યોજના લાગુ થઇ ગયા બાદ લાભાર્થી કોઇ બીજા રાજ્યની રેશનની દુકાનેથી પણ સસ્તા દરે અનાજ લઇ શકશે. આ સુવિધા રોજગારી માટે બીજા શહેરોમાં પલાયન કરી જતાં લોકો માટે સૌથી વધારે ફાયદેમંદ પુરવાર થશે. રામવિલાસ પાસવાનનું કહેવું છે કે સરકાર લાભાર્થીઓના હિતોની રક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
આ યોજના લાગુ થયા બાદ લાભાર્થીઓ કોઇ એક રેશનની દુકાન સાથે બંધાયેલા નહીં રહે. એ સાથે જ રેશનના દુકાનદારોની મનમાની અને ચોરી બંધ કરવામાં પણ મદદ મળશે. કેન્દ્ર સરકાર આ નવી યોજના દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત આવતા ૮૧ કરોડ લોકોને સગવડ પૂરી પાડવા ધારે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત દર વર્ષે ૬૧૨ લાખ ટન અનાજનું વિતરણ થાય છે.
જોકે આ યોજના લાગુ કરવાની વાત જેટલી સરળ લાગે છે એટલી જ કઠિન તેને વાસ્તવિકતાની જમીન ઉપર ઉતારવી છે. આ યોજનાને પ્રભાવી બનાવવા માટે તમામ રાજ્યોના જૂના રેશન કાર્ડોને ડિજિટલ સ્વરૂપ આપવાની કામગીરી પૂરી કરવી પડશે. આ યોજના લાગુ થયા બાદ લોકો આધાર કાર્ડ અને પેન કાર્ડની જેમ જ બીજું રેશન કાર્ડ નહીં બનાવી શકે.
એક સમયે ઘણાં લોકો એકથી વધારે રેશન કાર્ડ ધરાવતા હતાં. પરંતુ ધીમે ધીમે આવા કરોડો રેશન કાર્ડ રદ્ કરી દેવામાં આવ્યાં છે. રેશન કાર્ડનું ડિજિટલાઇઝેશન થયા બાદ દરેક કાર્ડની ઉપર આધાર કાર્ડની જેમ જ એક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર મૂકવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે બનાવટી રેશન કાર્ડ બનાવવું લગભગ અશક્ય બની જશે. એ પછી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ અનુસાર તમામ રેશન કાર્ડના આંકડા સંગ્રહ કરવામાં આવશે.
દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે. યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ ૨૦ ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ૨૩ કરોડ ટન દાળ, ૧૨ કરોડ ટન ફળ અને ૨૧ કરોડ ટન શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે સડી જાય છે.
અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે. ગરીબો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સસ્તા અનાજનો અર્ધોઅર્ધ હિસ્સો લોકો સુધી પહોંચતો જ નથી અને ખુલ્લા બજારોમાં ઊંચી કીંમતે વેચાઇ જાય છે. આમ તો ભારતમાં ગરીબીને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બને છે.
સરકારે ગરીબો અને મધ્યમવર્ગને લાભકારી સરકારી યોજનાઓ વધારે કડકાઇપૂર્વક અને લાંબા ગાળા માટે અમલમાં મૂકવાની જરૂર છે. આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે. ઉપરાંત અનાજના સંગ્રહ માટે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી તેનો બગાડ થતો અટકે. સંઘરાખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરતા લોકો માટે કડક સજાની જોગવાઇ કરવાની જરૂર છે. ગરીબોને મળતી સબસીડી છીનવી લેતી અટકાવવાની જરૂર છે.
રામવિલાસ પાસવાનનો દાવો છે કે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજનાના અમલીકરણ બાદ બિહારનો કોઇ લાભાર્થી જો કેરળ કે પછી પૂર્વોત્તરના કોઇ રાજ્યમાં મજૂરી કે નોકરી કરતો હશે તો તેને ત્યાં પણ પીડીએસ અંતર્ગત સબસીડીવાળું અનાજ મળી શકશે. અત્યાર સુધી આવું શક્ય નહોતું. પહેલા રેશન કાર્ડને ચોક્કસ દુકાન સાથે જોડવામાં આવતા હતાં. જેના કારણે ગ્રાહકો દુકાનદારોની દાદાગીરી અને ભ્રષ્ટાચારનો ભોગ બનતા હતાં. તો રેશનકાર્ડના માલિક પણ કેટલુંક અનાજ કાળાબજારમાં વેચી દેતા હતાં.
જોકે ઘણાં સામાજિક સંગઠનોનું માનવું છે કે ભલે સરકાર આ યોજના આસાનીથી લાગુ કરવાના દાવા કરે પરંતુ ખરેખર એમ કરવામાં ઘણી વ્યવાહારિક સમસ્યાઓ આવી શકે છે. કાગળ પર સુંદર લાગતી વન નેશન વન રેશનકાર્ડ યોજના જમીની હકીકત બનાવવી એટલી જ કઠિન છે. ખાસ કરીને રેશન કાર્ડને ડિજિટલ સ્વરૂપ આપવામાં ઘણાં રાજ્યોની ગતિ સાવ ધીમી છે.
આ ઉપરાંત પીડીએસ યોજના સાથે જોડાયેલા દુકાનદારો પણ આ મામલામાં અવરોધ ઊભા કરી શકે છે. સરકારે આ યોજનાને લાગુ કરવા માટે કડક દેખરેખ તંત્ર ઊભું કરવું પડશે. જો રેશનની દુકાનોના માલિકો દ્વારા થતા ભ્રષ્ટાચાર પર લગામ ન લાગી શક્યો તો આ યોજનાનો હેતુ જ નિષ્ફળ જશે.
જાણકારોના મતે જાહેર વિતરણ પ્રણાલિમાં ભ્રષ્ટાચારના મૂળિયા ઘણાં ઊંડા છે. રેશન કાર્ડ પોર્ટેબિલિટીના માર્ગમાં રાજકારણ પણ ઊભું છે. સરકારે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ લાગુ કરતી વખતે આ બધાં અવરોધોનો સામનો કરવાનો થશે. જોકે હાલ તો સરકારની આ પહેલથી જરૂરતમંદ લોકોમાં ખુશીની લહેર જરૂર દોડી ગઇ છે.
વતનથી દૂર મહેનતમજૂરી કરી રહેલા લોકોના મનમાં આશાનું કિરણ જન્મ્યું છે. આવા લોકો જ્યારે નવી જગ્યાએ રેશન લેવા જાય ત્યારે દુકાનદારો તેમનું રેશન કાર્ડ નહીં ચાલેથી લઇને સ્ટોક નથીના બહાના કરતા હોય છે. હવે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ લોકોને આવી હાડમારીઓનો સામનો નહીં કરવો પડે એવી અપેક્ષા છે.
Comments
Post a Comment