કબીરસિંઘના પ્રત્યાઘાત



મહાભારતથી પ્રેરાઈને કેટલાએ પોતાની પત્નીને જુગારમાં મૂકી છે? એમ કોઈ બગડી જતું નથી

જરૂરી નથી કે વાર્તા જીવાતી જિંદગી પર જ આધારિત હોય, અનુભવની બહારના સત્યને પકડવા માટે કલ્પનાનો ઉપયોગ કરવો પડે છે 

અતિવિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કબીરસિંઘ રિલીઝ થયા બાદ દેશભરમાં દારૂનું વેચાણ ડબલ થઈ ગયું છે! ગુજરાતના ખાસ લાવ-લાવ થઈ રહી છે.  દીવ તરફ પગ મૂકવાની જગ્યા નથી. યુવાનોના ગળા રણના રેતાળ પટની જેમ સુકાવા લાગ્યાં છે. ચરસ-ગાંજાની ડીમાન્ડ એટલી બધી વધી ચૂકી છે કે તેનો ગેરકાયદે વેપલો કરતા કાયદેસર પેડલર્સ  રાતોરાત અબજોપતિ બની ગયા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દેશની અંદર ઘુસાડવામાં આવતા કેફી પદાર્થોના જથ્થામાં જંગી ઉછાળો આવ્યો છે. દરમિયાન કાનપુરમાં અફીણના સ્ટોકની અછત સર્જાતા હિંસા થયાના પણ સમાચાર છે. (ટીવી ન્યૂઝની મજા લેવી હોય તો આમાં જીહા અને બિલકુલ જણાવી દઈએ કે... જોડી દેજો.)

ફિલ્મમાં જેમ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક હોય છે તેમ ઉપર લખેલો ફકરો કાલ્પનિક છે એ આપ સમજી શકશો. આપણો સમાજ એટલો બધો સંવેદનશીલ છે કે એના પર દરેક બાબતની અસર થઈ જાય છે. એને વાઇરલ ફીવરની અસર થાય તેમ જાત-જાતની અસરો થતી રહે છે. ઘડીક ફિલ્મની અસર થઈ જાય છે, ઘડીક પુસ્તકોની અસર થઈ જાય છે. ઘડીક છાપાંની અસર થઈ જાય છે. એમ સમજી લો કે તે અસર ઝીલવા જ બેઠો છે. ક્યારેક તો એને અસરની અસર થઈ જાય છે!

આપણા સમાજના લોકો ટીવી પર રામાયણ સીરિયલ જોઈ લે તો મિલકત ન લેવા માટે ભાઈ સાથે મીઠા ઝઘડા કરવા લાગે છે. ભાઈ, પપ્પાની પ્રોપર્ટી તમારી. બહેન, મમ્મીના દાગીના તમારા. આપણા સમાજના લોકો એટલા સેન્સેટીવ છે કે ભૂલેચૂકે રામાયણ વાંચી લે તો કોર્ટમાં મિલકત અંગેના કેસો પાછા ખેંચી લે. કેસરી ધોતિયું પહેરીને પત્ની સાથે વગડામાં જતા રહે! (વન તો હવે ઓછા બચ્યા છે!)

ફિલ્મો, વાર્તાઓ, નવલકથાઓ, ટીવી સીરિયલો આ બધા પર સમાજની અસર શૂન્ય હોય છે. તે સમાજમાંથી નથી બનતી. તે સમાજને બનાવે છે. તે બનાવવા પાછળનો ચોક્કસ એજન્ડા હોય છે. સમાજને બદલવાનો, બગાડવાનો, અવળા માર્ગે ચડાવવાનો. તે બને એટલે તરત તેની અસર સમાજ પર દેખાવા લાગે છે. હજુ હણાની જ વાત છે. કેટલાક પરણિત યુવાનો મહાભારતનો એપિસોડ જોઈને તેની પત્નીને જુગારમાં હારી આવેલા.

આવી મહાભારત રદ કરવી જોઈએ! સમાજને બગાડે એવું મહાકાવ્ય કઈ રીતે લખી શકાય? કઈ રીતે વાંચી શકાય? કઈ રીતે જોઈ શકાય? સમાજ ન બગડે એ ઉદ્દેશથી મહાભારતમાં જેટલા-જેટલા ખરાબ પ્રકરણો છે તે એડિટ કરવા જોઈએ. દુર્યોધને દ્રૌપદીને તેની જાંઘ પર બેસવાનું કહેવાને બદલે એમ કહેવું જોઈએ, આવ દ્રૌપદી, આવ, મારી બાજુની ખુરશીમાં બેસ! ભીમે દુઃશાસનનું લોહી પીવાને બદલે તેના ભાગની લચ્છી પી જવાય. દ્રૌપદીએ દુઃશાસનના રક્તથી વાળ ધોવાને બદલે હેડ એન્ડ શોલ્ડરથી ધોઈ લેવા જોઈએ. 

આટલા ફેરફાર કરવા જ જોઈએ. જો એમ નહીં કરીએ તો આપણા છોકરાઓ બગડી જશે. તેઓ પણ રસ્તામાં કોઈની છાતી ચીરીને, તેમાં સ્ટ્રો નાખીને તેનું લોહી પીવા માંડશે. તેમની પત્નીને વર્લ્ડકપના સટ્ટામાં લગાવી દેશે. ને કૃષ્ણનું પાત્ર તો બહુ જ વિવાદાસ્પદ છે. બહેનને મિત્ર સાથે ભગાડવામાં મદદરૂપ થાય.

આવો ભાઈ ચાલે? આપણા સમાજ પર કેવી અસર પડે! તેમની સ્ટોરી પર તો ઠેકઠેકાણે કાતર ફેરવવાની જરૂર છે. જો એમ નહીં કરીએ તો આપણો સમાજ બગડી જશે. રાધર, બગડી જ ગયો છે. કેમ કે આપણે આ કૃષ્ણકથા હજારો વર્ષોથી વાંચીએ છીએ. તેની સમાજ પરની અસર તો જુઓ!

બસ? સંતોષ? કબીરસિંઘ પર વાત કરતા પહેલાની આ પૂર્વભૂમિકા હતી. શાહિદ કપૂર અભિનિત અને સંદીપ વાંગા નિર્દેશિત પિક્ચર  આજ કાલ ચર્ચાનું એપીસેન્ટર બની છે. ચૂંટણી પછી પહેલી વખત સોશિયલ મીડિયા બે ભાગમાં વહેચાઈ ગયું છે. એક કબીરસિંઘના તરફદારો અને એક તેના વિરોધીઓ. પિક્ચરમાં કબીરસિંઘને જિનિયસ, પણ ગુસ્સાવાળો, કામી, શરાબી અને ગંજેરી બતાડવામાં આવ્યો છે. જે લોકો કબીરસિંઘનો વિરોધ કરે છે તેમનું એમ કહેવાનું થાય છે કે આવી ફિલ્મો સમાજ પર નકારાત્મક અસર કરે છે. છોકરાવ બગડી જાય. 

કબીરસિંઘ ઓલરેડી એ સર્ટિફિકેટ ફિલ્મ છે. દેશના ભલા માટે કોને મત આપવો એની સમજશક્તિની ઉંમર! એ ઉંમરના યુવાનો-યુવતીઓ એટલા કમજોર હોય કે કબીર સિંઘ જોઈને દારૂ ઢીંચવા માડે? કબીર સિંઘ જોઈને ગાંજાની ડીમાન્ડ કરે? હા, જે પીવે છે એ કદાચ અસરમાં આવે. એ પણ ક્ષણિક. બાકી જે નથી પીતા તેઓ આ ફિલ્મ જોઈને બગડી જાય તે વાતમાં માલ નથી.

લોકોને પોતાની ક્ષતિ બીજાના માથા પર થોપવી છે. પોતે શેરીની કૂંડી પર એંઠવાડ ફેંકતા હોય અને પછી ગંદકી માટે કોર્પોરેશનને દોષ આપે. પોતે આખી જિંદગી પડોશણને લાઇન મારી હોય અને છોકરો છેડતીમાં પકડાય તો તેને એમ લાગે કે ફિલ્મોએ અને છાપાંએ મારા છોકરાને બગાડી નાખ્યો! કબીર સિંઘ આમ તો દેશભરના રૂપેરી પડદાઓ પર ધબધબાટી મચાવી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રૂા.૧૨૦ કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. દંભી લોકો છે તેમને આ ફિલ્મ સામે વાંધો છે કે આ ક્યાંક પેઢી બગાડશે.

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ છોકરાએ છાપું વાંચીને રેપ કરી નાખ્યો? અસંભવ છે. કોઈપણ માણસ ફિલ્મ, છાપાં કે પુસ્તકો વાંચીને બગડતો નથી. તે માત્રને માત્ર ઘરના વાતાવરણમાંથી અને મિત્ર વર્તૂળમાંથી જ બગડે છે. એમાંય ઘરનું વાતાવરણ સૌથી પહેલા સ્થાને છે. માતાપિતાની અસર એના કરતા પણ પહેલા સ્થાને છે. મંટોની વહ લડકી વાર્તા વાંચીને કોઈ યુવાને પોતાની દૈહિક ક્ષુધા શેરીમાં ઊભેલી અજાણી છોકરીને ઈશારો કરીને ઘરમાં બોલાવ્યાનું સાંભળ્યું નથી.  (તેમને ખબર હોય કે આવું કરીએ તો ધોકા પડે.)

ભારત કથાઓનો પ્રદેશ છે. અહીં દરેક બોધ કથા દ્વારા આપવામાં આવ્યો છે. ઋષિના ઘરમાં રહેતો પોપટ ગાળો બોલતો હોય એવી કથા તમે ક્યારેય સાંભળી છે? ઇમ્પોસિબલ. પોપટ ગાળો બોલતા અને શ્લોક બોલતા ઘરના વાતાવરણમાંથી જ શીખે છે. ફિલ્મ જોઈને  કે છાપું વાંચીને ક્યારેય નહીં. કેરી આંબા પર જ પાકે અને તડબૂચ વેલા પર જ. ફિલ્મ, અખબાર કે સાહિત્ય આ નિયમમાં ફેરફાર ન કરી શકે.

ને એ પણ યાદ રાખવું જોઈએ કે કથાઓ માત્ર બોધ આપવા માટે નથી. કબીરસિંઘ એક એવી જ કથા છે. આમ તો તેમાં ઘણો બધો બોધ છે, પણ જાડો બોધ નથી. અથવા કહો કે બોધ તારવવાનો વ્યાયામ ન કરો તોય ચાલે એવી કૃતિ છે.

સમાજ બગડી જશે એવો ખોટો ભય રાખીને ફિલ્મો લખીએ, વાર્તા બનાવીએ તો કહેવાનું બચે શું? શું આપણા ઘરની રુટિન લાઇફ પર ફિલ્મ બની શકે ખરી? એકાદી બનીય જાય. એથી વધારે? બને તો તમે થિયેટરમાં જોવા જશો? હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ અને વિવાહ કેટલીવાર બનાવવાની? ને વળી શું સમાજમાં માત્ર પરિવારો જ રહે છે? વ્યક્તિની પોતાની કોઈ અંગત જિંદગી છે જ નહીં?

દરેક ફિલ્મો વાસ્તવિક હોય એવો આગ્રહ શા માટે રાખવાનો? સંભવ છે કે ક્યારેક વાસ્તવિક ન હોય. ફિલ્મકારને જે વાત કહેવાની છે તે કહેવા માટે તે વાસ્તવિકતા અને કલ્પના બંનેનો યથોચિત લાભ ઉઠાવી શકે છે. કલ્પના અને વાસ્તવિકતા કથાનું સાધન છે. સાધ્ય નથી. તાગવાની છે એ વાત, જે કહેવામાં આવી છે. 

કબીરસિંઘ અતિશય ગુસ્સાવાળો છે, શરાબી છે, ગંજેરી છે, લોલુપ છે.  અતિશયોક્તિ એક અલંકાર છે અને કબીરસિંઘના પાત્ર લેખનમાં તે અલંકારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે સામાન્ય જિંદગી જીવતા લોકો છીએ. ઘણા બધા સત્યો એવા છે જે આપણા અનુભવમાં આવતા નથી. આપણે પણ તેને સમજી શકીએ.

તેને પામી શકીએ એટલા માટે લેખકો, સાહિત્યકારો, ફિલ્મકારો અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરતા હોય છે. ફિલ્મની કથા કાલ્પનિક હોય, અતિશયોક્તિ ભરેલી હોય તોય તે યાથાર્થ હોઈ શકે છે. કારણ કે તે અનુભવની બહારના સત્યને આપણી આંખ સમક્ષ મૂકી દે છે અને સમજાવે છે કે શું કરવું- શું ન કરવું.

કબીરસિંઘ સમજાવી જાય છે કે ભણવામાં ગમે તેટલા હોશિયાર હોઈએ પણ મગજ પર કાબૂ ન હોય તો કારકિર્દીની પથારી ફરી શકે છે. આ ફિલ્મ આપણને અરીસો દેખાડે છે કે કબીરસિંઘ ગમે તેટલો ખરાબ હોય તો પણ આપણે તેની જેમ કારકિર્દી ખતમ થઈ જાય એ હદ સુધીનું સત્ય બોલીએ એટલા પ્રામાણિક નથી.

આપણે સામાન્ય લોકો તો પોતાના લાભ માટે પલકારામાં ખોટું બોલી જઈએ. જે કબીરસિંઘ બિલકુલ નથી કરતો. તે હિરોઈની સાથે સંભોગ માણવા માટે તેને ખોટું આઇલવયુ કહેવા તૈયાર નથી. જ્યારે આપણા અખબારોમાં એવા સમાચાર અવાર-નવાર છપાય છે કે લગ્ન કરવાનું વચન આપી યુવતી પર દૂષ્કર્મ. હવે તમે વિચારો આ દૂષ્કર્મ કરવાવાળા સારા છે કે પેલો કબીરસિંઘ જે ખોટે-ખોટે આઇલવયુ ન કહેવા હીરોઈન સાથે સહવાસની તક જતી કરી દે છે.

કબીરસિંઘ વાસનાખોર બિલકુલ છે, પણ લંપટ નથી. તે અજાણી સ્ત્રીઓને નથી છેડતો. તે વહાલ કે બળજબરી જે કંઈ કરે છે તે પોતાની ગોપીઓ સાથે કરે છે.  દરેક ઘટનામાંથી પ્રેરણા લઈ લે એટલો ભોળો આપણો સમાજ ક્યારેય નહોતો. અને આજે પણ નથી જ. આપણી પ્રેરણા હંમેશા સગવડિયા ધર્મ જેવી હોય છે. આપણે જે માનતા હોય અને તે કોઈ ભારપૂર્વક કહે તો તે અપનાવી લઈએ છીએ.  આપણા મનમાં કશું ઇન્સ્ટોલ થઈ શકતું નથી. જે કંઈ ઇન્સ્ટોલ થાય છે તે ઘરમાંથી જ થાય છે. 

કબીરસિંઘની અંદર ત્રણ પ્રતીક છે. ભય, શૂરવીરતા અને ગુસ્સો. લોકો તેનાથી ભાગે છે કારણ કે તે ભય છે. લોકો તેની સામે નતમસ્તક થઈ જાય છે કારણ કે તે શૂરવીરતા છે. કબીરસિંઘ તેના પ્રેમ સંબંધને સાચવી શકતો નથી કારણ કે ગુસ્સો તેના પર હાવી છે. તેનો ગુસ્સો તેને નશાની ઊંડી ખાઈમાં ફેંકી દે છે, જેમાંથી તે પ્રેમના તાંતણે ટીંગાઈને જ બહાર આવી શકે છે.

તેના દાદી ગુજરી જાય છે અને તે એ મોમેન્ટને બોટમલાઈન ગણી હિંમતપૂર્વક બહાર નીકળે છે. તમે જુઓ જેવો તે ગુસ્સો છોડે છે એવી તરત તેને પોતાની પ્રેયસી પ્રિતિ પાછી મળી જાય છે. ગુસ્સો છોડયો તો પ્રેમ મળી ગયો. તેની પ્રેમિકા પ્રેમ અને લક્ષ્યનું પ્રતીક છે. તમે ગુસ્સામાં લક્ષ્ય ચૂકી જાવ છો. જો તમે ગુસ્સો છોડો તો જ તમે તમારું લક્ષ્ય, તમારો પ્રેમ પ્રાપ્ત કરી શકો.

ઝાઝી વાતુંના ગાડા ભરાય. અંતે એટલું જ કહેવાનું કે તે પ્રતીકાત્મક ફિલ્મ છે. જાડી કહાની નથી. તેને સૂક્ષ્મ આંખથી નહીં જોનારો વર્ગ તેનો ટીકાકાર બની જવાનો. વ્યંગથી શરૂ કરેલો લેખ હાસ્યથી પૂરો કરીએ. કબીરસિંહ તેરે નામથી શરૂ થાય છે, પછી દેવદાસ બને છે, પછી દેવ ડી બને છે અને અંતે કબીરસિંઘમાં પરિણમે છે!

આજની નવી જોક

છગન (મગનને)ઃ કબીરસિંઘ જોઈ લ્યા? બહુ મસ્ત પિક્ચર છે.

મગનઃ જોઈને. પણ આ ફિલ્મનું નામ સંજુ રાખવાની જરૂર હતી.

છગનઃ કેમ?

મગનઃ ભારતમાં  ડ્રગ્સના આટલા ભયંકર નશામાંથી છેલ્લે સંજય દત્ત જ બહાર નીકળી શકેલો.

છગનઃ હા હા હા!

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો