G-૨૦ બેઠકમાં ટ્રેડ વૉર અને ઇરાન વિવાદનો માર્ગ નીકળશે?


જાપાનના ઓસાકા શહેરમાં હાલ G-૨૦ શિખર બેઠક ચાલી રહી છે. આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે, ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે અને કેટલાંય દેશોમાં વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. તમામ દેશો પોતાના હિતોની રક્ષા માટે કોઇ પણ હદે જવા તૈયાર છે. એવામાં આ સંમેલનમાં સામેલ થઇને પોતાનું વલણ સ્પષ્ટ કરવું ઘણું મહત્ત્વનું બની જાય છે. 

G -૨૦ કહેવાતા આ સમૂહનું આખું નામ છે ગુ્રપ ઓફ ૨૦. દુનિયાની સૌથી શક્તિશાળી એવી ૨૦ અર્થવ્યવસ્થાઓ આ ગુ્રપમાં સમાવેશ પામે છે. આ સંગઠનમાં ૧૯ દેશ અને વીસમા સાથીદાર તરીકે યૂરોપિયન યુનિયન સામેલ છે. યૂરોપિયન યુનિયન ઉપરાંત જે ૧૯ દેશો G ૨૦ના સભ્ય છે એમાં ભારત, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. જી-૨૦ના સભ્ય દેશો વર્ષમાં એક વખત શિખર બેઠક યોજીને એકબીજાને મળે છે.

G -૨૦ની આ શિખર બેઠકમાં સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપરાંત એ દેશોની કેન્દ્રીય બેંકોના ગવર્નર પણ સામેલ થાય છે. યૂરોપિયન યુનિયનનું પ્રતિનિધિત્ત્વ યૂરોપિયન કમિશન કરે છે અને યૂરોપિયન સેન્ટ્રલ બેંક પણ શિખર બેઠકમાં ભાગ લે છે. G -૨૦માં મુખ્યત્ત્વે આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે. 

સમગ્ર વિશ્વના કુલ જીડીપીના ૮૫ ટકા જીડીપી હિસ્સો G -૨૦ના સભ્ય દેશોનો થવા જાય છે. ઉપરાંત આ G -૨૦ દેશોનો વૈશ્વિક વેપારમાં ૮૦ ટકા જેટલી ભાગીદારી છે. દુનિયાની બે તૃતીયાંશ વસ્તી G -૨૦ દેશોમાં વસે છે. G-૨૦ની શિખર બેઠક દરમિયાન અમુક મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવે છે. આફ્રિકન યુનિયન, એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (એપેક), આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ), યૂ.એન., વિશ્વ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને સ્પેન આ શિખર સંમેલનમાં ભાગ લેતા સ્થાયી અતિથિઓ છે. 

G -૨૦ની શરૂઆત કેવી રીતે થઇ એ સમજવા માટે G -૭ અંગે જાણકારી જરૂરી છે. ૧૯૭૫ના આર્થિક સંકટ બાદ દુનિયાની છ મહાસત્તાઓએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. આ છ દેશોમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થતો હતો. એક વર્ષ બાદ આ સમુહમાં કેનેડા પણ ઉમેરાયું અને એ રીતે G -૭ની શરૂઆત થઇ. નેવુંના દાયકામાં સોવિયેત સંઘનું પતન થયા બાદ આ સમૂહમાં રશિયાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો થવા લાગ્યાં. છેવટે ૧૯૯૮માં રશિયા પણ આ સમૂહમાં જોડાઇ ગયું અન G -૭ સમૂહ G -૮ બની ગયો. 

એ પછીના વર્ષે ૧૯૯૯ના જૂનમાં જર્મનીના કોલોન શહેર ખાતે G -૮ દેશોની બેઠક થઇ ત્યારે એશિયાના આર્થિક સંકટ વિશે ચર્ચા કરવામાં આવી. એ સમયે દુનિયાભરની ૨૦ સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓને એક મંચ ઉપર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ જ વર્ષે ડિસેમ્બરમાં જર્મનીના બર્લિન ખાત G -૨૦ની રૂપરેખા તૈયાર કરવા માટે બેઠક યોજાઇ. આ બેઠકમાં સભ્ય દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોએ ભાગ લીધો. એવું મનાય છે કે વીસ દેશોની યાદી તૈયાર કરવાનું કામ અમેરિકા અને જર્મનીએ કર્યું હતું. 

સમય સાથે આ સમૂહોના સ્વરૂપમાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યાં. જેમકે G -૮ને રાજકીય અને G -૨૦ને આર્થિક મંચ તરીકે અલગ પાડવામાં આવ્યાં. ૨૦૧૪માં ક્રીમિયા સંકટ બાદ રશિયાની G -૮ સંગઠનમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એ સંગઠન ફરી પાછું G -૭ બની ગયું.

આજે G-૨૦નું જે સ્વરૂપ છે એની સૌથી પહેલી બેઠક ૨૦૦૮ના નવેમ્બરમાં અમરિકા ખાતે યોજાઇ. G -૨૦ની એ પહેલી શિખર બેઠકમાં ૨૦ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આર્થિક મામલાઓ ઉપર ચર્ચા કરવા માટે પહેલી વખત ભેગા થયા. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦માં G -૨૦ની બેઠકો બે વખત યોજાઇ હતી.

ભારત અત્યાર સુધીની તમામ G -૨૦ બેઠકોમાં સામેલ થયું છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિથી વિજય મેળવ્યા બાદ અને બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાની નવી ઇનિંગની શરૂઆતમાં જ આ શિખર સંમેલનમાં ભાગ લેવા જઇ પહોંચ્યાં છે.

વડાપ્રધાન મોદી આ સાથે સતત છઠ્ઠી વખત G -૨૦ શિખર બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે. વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકર પણ પહેલી વખત G -૨૦ બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે. ભારત પોતાના ૭૫મા સ્વાતંત્ર્યદિનના અવસરે ૨૦૨૨માં G-૨૦ શિખર સંમેલનની યજમાની કરવાનું છે.

વડાપ્રધાન મોદીએ G-૨૦ શિખર બેઠકની સાથે સાથે અનેક દેશોના વડાઓ સાથે મુલાકાત યોજી છે. તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઔપચારિક મુલાકાત કરી. તો જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રિપક્ષીય મંત્રણા પણ યોજી.

ટ્રમ્પે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીના ભારે વખાણ કર્યાં. બેઠક અગાઉ ભારતને અમેરિકાની વસ્તુઓ પર લગાવેલા ભારે ટેરિફને દૂર કરવાની ચેતવણી આપનાર ટ્રમ્પે હાલ તો ભારત સાથેના વેપાર અંગેના વિવાદને લઇને પોતાનું વલણ બદલવાના સંકેત આપ્યાં નથી. 

આમ પણ આ વખતની બેઠકમાં બધાની ખાસ નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ પર છે. ખાસ કરીને ઇરાન અને અમેરિકા વચ્ચે વ્યાપેલી તંગદીલી તેમજ ટ્રમ્પના સંરક્ષણવાદના કારણે ભારત અને ચીન સહિત દુનિયાના અનેક દેશો સાથે વેપાર મુદ્દે ચાલી રહેલા વિવાદનું G -૨૦ બેઠકમાં કોઇ નિરાકરણ આવે છે કે નહીં એ વિશે સૌના મનમાં સવાલ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ અમેરિકાના અન્ય દેશો સાથેના સંબંધોમાં ઘણાં ફેરફાર થયા છે.

ટ્રમ્પે પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિને ધ્યાનમાં રાખીને -૨૦ના નિયમોને અનેક વખત નજરઅંદાજ કર્યાં છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ હંમેશા વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવતાં રહ્યાં છે. તેમણે વખતોવખત એવું દર્શાવવામાં પણ સંકોચ નથી રાખ્યો કે તેમના માટે અમેરિકાની અર્થવ્યવસ્થા જ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે.

ભારતની બીજી ચિંતા ઇરાનને લઇને પણ છે. પેટ્રોલિયમની જરૂરિયાત માટે ભારત ઇરાન પર મોટા પાયે નિર્ભર રહ્યું છે અને અમેરિકાએ ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા પર લાદેલા પ્રતિબંધો ભારતને કનડી રહ્યાં છે. ભારતની બીજી ચિંતા ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેલા ભારતીયોની સલામતિની પણ છે.

ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પણ ઇરાન સાથે શાંતિ સ્થાપવાની દિશામાં ચર્ચા થઇ. તાજેતરમાં જ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોની ભારત મુલાકાત દરમિયાન ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ખરીદવા અંગે દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે એ અંગે પણ ટ્રમ્પે હરફ ઉચ્યાર્યો નથી. જોકે જે રીતે ટેરિફના મામલે તેઓ ભારતને ચેતવણી આપી ચૂક્યાં છે એ જ રીતે નજીકના સમયમાં જ તેઓ આ અંગે પણ ભારતને ધમકાવી શકે છે.

તો  ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠક ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધી રહેલા પ્રભુત્ત્વને જોતા ભારે મહત્ત્વની છે. હકીકતમાં આ ત્રણેય દેશો સાથે વર્ચસ્વના જંગમાં ઝંપલાવી ચૂકેલું ચીન દક્ષિણ ચીની સમુદ્ર અને પૂર્વી ચીની સમુદ્રમાં છેલ્લા ઘણાં સમયથી વિવાદ ઊભો કરી રહ્યું છે.

આ ક્ષેત્રો ખનીજ, ઓઇલ અને અન્ય કુદરતી સંસાધનોથી ભરપૂર છે. ચીનના આક્રમક વલણના કારણે એશિયાની બે મોટી તાકાતો એવા ભારત અને જાપાન ફિકરમાં છે. એવામાં આ બંને દેશો સાથે અમેરિકાની રચાયેલી ધરી આ ક્ષેત્રમાં ચીનને મજબૂત પડકાર આપી શકાય એમ છે. આ ત્રિપક્ષીય બેઠકમાં ત્રણેય દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા તેમજ પાયાગત માળખુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા થઇ છે.

આ બધાં ઉપરાંત આતંકવાદને ડામવા તમામના સહયોગ માટે ભારત પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન મોદીએ આતંકવાદ નિર્દોષોની હત્યા ઉપરાંત આર્થિક અને સામાજિક વિકાસમાં અવરોધરૂપ બનતો હોવાનું કહીને બેઠકમાં ભાગ લઇ રહેલા તમામ નેતાઓને આતંકવાદ વિરુદ્ધ એક થવાનો હુંકાર કર્યો છે. એકંદરે વૈશ્વિક ફલક પર ભારતનું કદ પહેલા કરતા અનેક ગણું મોટું થઇ ચૂક્યું છે ત્યારે ભારતના હિતોની રક્ષા કરવામાં વડાપ્રધાન મોદી સફળ રહ્યાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો