ટ્રમ્પ બન્યા ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુકનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ
વોશિંગ્ટન, તા. 30 જૂન 2019, રવિવાર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન સાથે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની સરહદ પર મુલાકાત કરી હતી.
એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગની સાથે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુક્યો હતો. ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હોય. એટલુ જ નહી ટ્રમ્પે કિમ જોંગને વ્હાઈટ હાઉસની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યુ છે. બીજી તરફ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે પણ ટ્રમ્પના વખાણ કર્યા હતા.
બંને નેતાઓએ આ મુલાકાતને ઐતહાસિક ગણાવી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયાની ધરતી પર આવવુ મારા માટે ગર્વની વાત છે. તો કિમ જોંગે કહ્યુ હતુ કે, આ મુલાકાત દર્શાવે છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મારા સબંધો ઘણા સારા છે.
જોકે, આ મુલાકાત પહેલા ટ્રંપ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાઈ ઈનને મળ્યા હતા અને દ્વિપક્ષીય સબંધો પર વાતચીત કરી હતી.
જોકે, ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાતથી ઘણાને આશ્ચર્ય થયુ છે. કારણ કે, થોડા સમય પહેલા જ ટ્રમ્પ ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા હતા અને ઉત્તર કોરિયા સામે એવો જ ધમકીભર્યો જવાબ આપતું હતું.
તાજેતરમાં ગેરકાયદેસર રીતે કોલસો લઈને જતા ઉત્તર કોરિયાના એક જહાજને અમેરિકાએ આંતરીને સીઝ કરી લીધુ હતુ. જેની સામે કિમ જોંગે જવાબ આપવા મિસાઈલ પરીક્ષણો પણ કર્યા હતા.
Comments
Post a Comment