દુનિયાભરમાં શરણાર્થીઓની વધી રહેલી સમસ્યા


- મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે નદીમાં થઇને અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયાસમાં દક્ષિણ અમેરિકી દેશ અલ સાલ્વાડોરના શખ્સ અને તેની ૨૩ મહિનાની પુત્રી ડૂબી ગયા

હિંસા, અશાંતિ, સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે દુનિયાભરમાં કરોડો લોકો ઘરબાર ગુમાવીને વિસ્થાપનનો ભોગ બને છે. શરણાર્થીઓની આવી જ અવદશા દર્શાવતી એક તસવીરે હાલ આખા વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ તસવીરમાં એક પિતા અને તેની નાનકડી પુત્રીના મૃતદેહ નદીકિનારે પડેલા માલુમ થાય છે. માસુમ બાળકીને બચાવવાના મરણિયા પ્રયાસ તરીકે પિતાએ તેને પોતાના ટીશર્ટમાં છુપાવી દીધી હોવાનું જણાય છે. જોકે લાખ પ્રયાસો છતાં તે પોતાની પુત્રીને અને પોતાને બચાવી ન શક્યો. 

અલ સાલ્વાડોર નામના દક્ષિણ અમેરિકી દેશનો પચ્ચીસ વર્ષનો ઓસ્કાર આલ્બર્ટો માર્ટિન્ઝ નામનો શખ્સ પોતાની ૨૩ મહિનાની પુત્રી વેલેરિયા સાથે મેક્સિકોમાંથી અમેરિકાના ટેક્સાસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો એ દરમિયાન રિયો ગ્રાન્ડે નદીમાં બંને પિતાપુત્રી ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. રિપોર્ટ અનુસાર ઓસ્કાર અને તેનું કુટુંબ લાંબા સમયથી અમેરિકામાં શરણ લેવાના પ્રયાસ કરી રહ્યાં હતાં.

જોકે એમાં સફળતા ન મળતા ઓસ્કારે તેની પત્ની અને પુત્રી સાથે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને આ દુર્ઘટના સર્જાઇ. ઓસ્કારની પત્ની કિનારે રહીને પતિ અને પુત્રીને નદીના પ્રવાહમાં તણાતા જોઇ રહી પરંતુ કશું કરી ન શકી. 

આ બનાવે ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓનો વિરોધ કરનારા લોકોને મોટો મુદ્દો આપ્યો છે. ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરી રહેલી વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સે આ દુર્ઘટના માટે ટ્રમ્પને જવાબદાર ઠરાવ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિની રેસમાં ઉમેદવારી નોંધાવી ચૂકેલા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને આ તસવીરને અત્યંત કષ્ટદાયક ગણાવીને ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિની આકરી ટીકા કરી છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પ સાવ લાગણીહિન છે કે જે આ તસવીર જોઇને પણ સમજી નથી શકતા કે હિંસા અને ઉત્પીડનનો ભોગ બનીને નાસી રહેલા આ લોકો પણ માનવી છે.

જોકે ટ્રમ્પે આ દુર્ઘટના માટે વિરોધ પક્ષ ડેમોક્રેટ્સને જવાબદાર ઠરાવ્યાં છે. તેમનું કહેવું છે કે ડેમોક્રેટ્સ આ મામલે કાયદો બનવા દેતા નથી. જો તેઓએ કાયદો બદલવામાં સહકાર આપ્યો હોત તો એક સારા પિતા અને પુત્રીએ જીવ ગુમાવવો ન પડયો હોત.

ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં છે ત્યારથી અમેરિકાની સરહદે શરણાર્થીઓની સમસ્યા ચરમસીમાએ પહોંચી ગઇ છે. અમેરિકામાં વધી રહેલી બેરોજગારી અને અપરાધ માટે ટ્રમ્પે બીજા દેશમાંથી આવીને વસેલા લોકો પર ઠીકરું ફોડવાનું વલણ અપનાવ્યું જેના કારણે સમસ્યા સર્જાઇ છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના કારણે અમેરિકા આવવા મથતા લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

૨૦૧૬માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને મોટો ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેઓ આ મુદ્દે કામગીરી કરવા માટે દૃઢનિશ્ચયી છે અને એ માટે તેમણે અમેરિકા અને મેક્સિકોની સરહદે દીવાલ બનાવવાની યોજના પાકી કરી નાખી છે. 

અમેરિકા અને મેક્સિકો વચ્ચે ૩૧૪૫ કિલોમીટર લાંબી સરહદ છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવાનો આ મુખ્ય માર્ગ ગણાય છે. મેક્સિકો ઉપરાંત દક્ષિણ અમેરિકાના નિકારાગુઆ, હોન્ડુરાસ, અલ સાલ્વાડોર જેવા કેટલાંય ગરીબ દેશોના નાગરિકો પણ આ સરહદ મારફતે જ અમેરિકામાં ઘૂસી આવતા હોય છે. માત્ર દક્ષિણ અમેરિકા જ નહીં, દુનિયાભરના દેશોમાંથી જે લોકોને અમેરિકાના કાયદેસરના વિઝા ન મળતા હોય એવા લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે મેક્સિકોની સરહદનો જ ઉપયોગ કરતા હોય છે. ગેરકાયદેસર ઘૂસણખોરી ઉપરાંત નશીલી દવાઓ અને અપરાધો પણ આ જ માર્ગે અમેરિકામાં ઇમ્પોર્ટ થાય છે. અમેરિકામાં ડ્રગ્સ અને અપરાધના મૂળિયા ઊંડે સુધી ફેલાવવામાં આવા ઘૂસણખોરોનો મોટો ફાળો છે.

સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી યૂએનએચસીઆરના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં વિસ્થાપનનો ભોગ બનેલા લોકોની સંખ્યા સાત કરોડ કરતા વધારે છે. એમાંયે ગયા વર્ષે ૨૦ લાખ લોકોને પોતાનું ઘર છોડવા માટે મજબૂર બનવું પડયું. વિસ્થાપિતોની આ સંખ્યા છેલ્લા સાત દાયકામાં સૌથી વધારે છે. આ આંકડામાં શરણાર્થી, શરણ માટે અરજી કરનારા અને આંતરિક રીતે બેઘર લોકોનો સમાવેશ થાય છે. હકીકતમાં ગરીબી, ભૂખમરો અને સતત સંઘર્ષની પરિસ્થિતિના કારણે દુનિયાભરના લાખો લોકો પોતાનું ઘર કે દેશ છોડવા માટે મજબૂર બને છે. 

ગયા વર્ષે ઇથિયોપિયામાં હિંસાના કારણે ૧૫.૬ લાખ લોકોએ પોતાના ઘર ગુમાવવાનો વારો આવ્યો. જોકે આમાંના ઘણાં ખરાં લોકો ઇથિયોપિયાની અંદર જ વિસ્થાપિત તરીકે જીવન ગુજારી રહ્યાં છે. જોકે શરણાર્થીઓની સૌથી મોટી સમસ્યા તો દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં છે. આંકડા જણાવે છે કે આશરે ૪૦ લાખ વેનેઝુએલાવાસીઓ પોતાના દેશમાંથી પલાયન કરી ચૂક્યાં છે. હાલના દિવસોમાં વેનેઝુએલાના લોકોની શરણાર્થી સમસ્યા વિશ્વ સમક્ષ મોટા સંકટ તરીકે ઉપસી છે.

વેનેઝુએલાના આર્થિક અને રાજકીય સંકટના કારણે ત્યાંના લોકો દેશ છોડીને ભાગવામાં જ ભલાઇ સમજી રહ્યાં છે. યૂએનએચસીઆરના રિપોર્ટ અનુસાર શરણાર્થી તરીકેને અરજી કરનારા લોકોની સંખ્યા ૩.૪ લાખ છે પરંતુ આ સંખ્યા અનેક ગણી વધારે હોઇ શકે છે કારણ કે વેનેઝુએલામાં ચાલી રહેલા સંકટને લઇને બાકીની દુનિયા અંધારામાં છે.

યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે જે સાત કરોડ લોકો વિસ્થાપિત થયા છે એમાં ત્રણ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. પહેલો સમૂહ એવા લોકોનો છે જે સંઘર્ષ, યુદ્ધ કે ઉત્પીડનના કારણે પોતાના દેશમાંથી પલાયન કરી જાય છે. વર્ષ ૨૦૧૮માં દુનિયાભરમાં ૨.૫૯ શરણાર્થીઓ પહોંચ્યાં જે ૨૦૧૭ના વર્ષ કરતા પાંચ લાખ વધારે છે. આમાં પંચાવન લાખ પેલેસ્ટાઇનના શરણાર્થીઓનો સમાવેશ થાય છે. બીજા સમૂહમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે પોતાના મૂળ વતનની બહાર છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં છે પરંતુ હજુ સુધી તેમને શરણાર્થી તરીકેનો દરજ્જો મળ્યો નથી. 

આવા લોકોની સંખ્યા ૩૫ લાખ જેટલી થવા જાય છે. ત્રીજા સમૂહમાં આંતરિક વિસ્થાપનનો ભોગ બનેલા લોકો છે જે પોતાના જ દેશમાં ઘરબાર ગુમાવી બેઠાં છે. દુનિયાભરમાં આવા લોકોની સંખ્યા ૪.૧૩ કરોડ જેટલી છે. 

ભારતમાં પણ હાલ શરણાર્થીઓનું સંકટ વ્યાપક બન્યું છે. પાડોશી દેશ મ્યાંમારમાં હિંસા ફેલાઇ તો ત્યાંના લાખો રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશ અને ભારતમાં આવવા લાગ્યાં. આસામમાં એનઆરસી બાદ આશરે ૪૧ લાખ લોકોની નાગરિકતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આવા લોકોને દેશ છોડવો પડી શકે છે. જોકે ભારત છોડયા બાદ તેઓ ક્યાં જશે એ મોટો સવાલ છે કારણ કે મ્યાંમારમાં તેમના માટે કોઇ આશરો નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો