જ્યારે ધ્યાનચંદે જર્મનીને ધોઈ નાખ્યું... 40 હજાર દર્શકો વચ્ચે હિટલર પણ હતો ઉપસ્થિત


- હોલેન્ડમાં એક મેચ દરમિયાન ચુંબક હોવાની આશંકાથી તેમની સ્ટિક તોડીને ચેક કરવામાં આવેલું. જાપાનની એક મેચ દરમિયાન તેમની સ્ટિક પર ગુંદર હોવાનું પણ કહેવામાં આવેલું. 

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ, 2021, રવિવાર

1905માં આજના દિવસે (29 ઓગષ્ટ) હોકીના જાદુગર તરીકે ઓળખાતા ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલ રત્ન ઉપરાંત અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે. 

ભારતના સર્વોચ્ય ખેલ સન્માન ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે રાજીવ ગાંધી ખેલ રત્ન નહીં પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન હશે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમોના શાનદાર પ્રદર્શન બાદ આ સન્માનનું નામ મહાન હોકી ખેલાડીના નામ પરથી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દર વર્ષે 29 ઓગષ્ટના રોજ આયોજિત થતો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારંભ આ વર્ષે મોડેથી યોજાશે કારણ કે, સરકાર ઈચ્છે છે કે ચયન પેનલ ટોક્યો પેરાલમ્પિકમાં ભાગ લેનારા પેરા ખેલાડીઓના પ્રદર્શનને પણ તેમાં સામેલ કરે. 

ધ્યાનચંદની ઉપલબ્ધિઓની સફર ભારતીય ખેલ ઈતિહાસને ગૌરવિન્ત કરે છે. સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવનારા ધ્યાનચંદે સૌ કોઈને પોતાનાથી આકર્ષિત કર્યા હતા. તેમના ખેલ જીવન સાથે સંકળાયેલી એક યાદગાર ઘટના ભારતીય હોકીને શિખર પર લઈ જાય છે. 

1936 બર્લિન ઓલમ્પિકની એ ઘટના

હકીકતે 14 ઓગષ્ટ, 1936ના રોજ બર્લિન ઓલમ્પિક હોકી ફાઈનલ ભારત અને જર્મની વચ્ચે રમાવાની હતી. પરંતુ તે દિવસે સતત વરસાદ વરસવાના કારણે મેચ તેના પછીના દિવસે 15 ઓગષ્ટના રોજ રાખવામાં આવી હતી. બર્લિનના હોકી સ્ટેડિયમમાં તે દિવસે 40 હજાર દર્શકોની વચ્ચે જર્મન તાનાશાહ હિટલર પણ ઉપસ્થિત હતો. 

હાફ ટાઈમ સુધી ભારત એક ગોલથી આગળ હતું. ત્યાર બાદ ધ્યાનચંદે પોતાના સ્પાઈકવાળા જૂતા કાઢ્યા અને ઉઘાડા પગે કમાલની હોકી રમવા લાગ્યા તો ભારતે એક પછી એક અનેક ગોલ કરી નાખ્યા. 

સાથીનું સંસ્મરણ

1936ની બર્લિન ઓલમ્પિકમાં તેમના સાથી રમતવીર અને બાદમાં પાકિસ્તાનના કેપ્ટન બનેલા આઈએનએસ દારાએ એક સંસ્મરણમાં લખ્યું- 6 ગોલ ખાધા બાદ જર્મન ખૂબ ખરાબ હોકી રમવા લાગ્યા. તેમના ગોલકીપર ટિટો વાર્નહોલ્જની હોકી સ્ટિક ધ્યાનચંદના મોઢા પર એટલા જોરથી વાગી કે તેમનો દાંત તૂટી ગયો. 

આવી રીતે શીખવાડ્યો સબક

પ્રારંભિક ઉપચાર બાદ ગ્રાઉન્ડ પર પાછા આવીને ધ્યાનચંદે ખેલાડીઓને નિર્દેશ આપ્યો કે હવે કોઈ ગોલ ન કરવામાં આવે, જર્મન ખેલાડીઓને એ બતાવવામાં આવે કે દડા પર નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે છે. ત્યાર બાદ ખેલાડીઓ વારંવાર દડાને જર્મનીની 'ડી'માં લઈ જતા અને પછી દડાને બૈક પાસ કરી દેતા. જર્મન ખેલાડીઓને સમજાઈ જ નહોતું રહ્યું કે, એ શું બની રહ્યું છે. 

જલ્દી જ હારનો બદલો..

તે ફાઈનલમાં ભારતે જર્મનીને 8-1થી માત આપી. તેમાં 3 ગોલ ધ્યાનચંદે કર્યા. હકીકતે 1936ની ઓલમ્પિક રમત શરૂ થઈ તે પહેલા એક અભ્યાસ મેચમાં ભારતીય ટીમ જર્મની સામે 4-1થી હારી ગઈ હતી. ઘ્યાનચંદે પોતાની આત્મકથા 'ગોલ'માં લખ્યું, હું જ્યાં સુધી જીવીત રહીશ ત્યાં સુધી આ હારને કદી નહીં ભૂલુ. તે હારના કારણે અમે એટલા હલી ગયા હતા કે અમે આખી રાત ઉંઘી નહોતા શક્યા. 

હિટલરને કહ્યું- હિંદુસ્તાનમાં ખુશ છું

એવું કહેવાય છે કે, આ શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને હિટલરે તેમને ભોજન માટે બોલાવ્યા અને જર્મની તરફથી રમવા માટે કહ્યું. તેના બદલામાં તેમને મજબૂત જર્મન સેનામાં કર્નલ પદનું પ્રલોભન પણ આપ્યું. પરંતુ ધ્યાનચંદે કહ્યું, 'હિંદુસ્તાન મારૂ વતન છે અને હું ત્યાં ખુશ છું.'

ધ્યાનચંદ વિશેષઃ

- તેઓ રાતે ખૂબ અભ્યાસ કરતા હતા માટે તેમના સાથી ખેલાડીઓએ તેમને 'ચાંદ' ઉપનામ આપ્યું હતું. તેમનો એ અભ્યાસ ચંદ્ર નીકળે ત્યાર બાદ શરૂ થતો હતો. 

- બાળપણમાં તેમને હોકી નહીં પણ કુસ્તીથી લગાવ હતો.

- તેઓ કોલકાતા કસ્ટમ્સ અને ઝાંસી હીરોઝ વચ્ચે રમાયેલા 1933ના બેટન કપ ફાઈનલને પોતાની સૌથી સારી મેચ માનતા. 

- 1932ના ઓલમ્પિકમાં ભારતે અમેરિકાને 24-1 અને જાપાનને 11-1થી હરાવ્યું હતું. તે 35 ગોલ પૈકીના 12 ગોલ ધ્યાનચંદે અને તેમના ભાઈ રૂપ સિંહે 13 ગોલ કર્યા હતા. આ કારણે તેમને હોકીના 'જુડવા' કહેવામાં આવતા. 

- એક વખત તેઓ ગોલ નહોતા કરી શકતા તો તેમણે ગોલ પોસ્ટના માપ સામે વાંધો ઉઠાવ્યો અને તેઓ સાચા સાબિત થયા. ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત નિર્ધારિત સત્તાવાર ન્યૂનતમ પહોળાઈનું નહોતું. 

- તેઓ 22 વર્ષ સુધી ભારત માટે રમ્યા અને 400 ઈન્ટરનેશનલ ગોલ કર્યા. એમ કહેવાતું કે, તેઓ જ્યારે રમે ત્યારે દડો સ્ટિક સાથે ચોંટી જતો હતો. હોલેન્ડમાં એક મેચ દરમિયાન ચુંબક હોવાની આશંકાથી તેમની સ્ટિક તોડીને ચેક કરવામાં આવેલું. જાપાનની એક મેચ દરમિયાન તેમની સ્ટિક પર ગુંદર હોવાનું પણ કહેવામાં આવેલું. 

- 3 ડિસેમ્બર, 1979ના રોજ ધ્યાનચંદનું દિલ્હીમાં અવસાન થયું હતું. ઝાંસીના જે મેદાનમાં તેઓ હોકી રમતા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો