પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં સંભવિત એન્ટ્રી મુદ્દે 2 ફાડ! પાર્ટીના અનેક નેતાઓ નારાજ
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટની અને અંબિકા સોનીને પ્રશાંત કિશોર મુદ્દે પાર્ટીના નેતાઓના વિચારોના આધારે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે પાર્ટીનું એક જૂથ એવું પણ છે જે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાના સખત વિરોધમાં જણાવાઈ રહ્યું છે. સોમવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના ઘરે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં આગમન મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ જન્માષ્ટમીના દિવસે કપિલ સિબ્બલના ઘરે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના 23 નેતાઓ જે G-23 તરીકે પણ ઓળખાય છે તે સામેલ થયા હતા. તેઓ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાના સખત વિરોધમાં છે. આ જૂથના નેતાઓ ચૂંટણી સાથે સંકળાયેલા મહત્વના નિર્ણયો લેવાના 'આઉટસોર્સિંગ'થી આશંકિત છે. દિલચસ્પ વાત એ છે કે, આ બેઠકમાં કેટલાક એવા નેતાઓ પણ હતા જે PK(પ્રશાંત કિશોર)ને કોંગ્રેસમાં સામેલ કરવાને સમર્થન આપી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ પાર્ટીનું એક જૂથ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાને લઈ નારાજ છે. પાર્ટીમાં સંગઠનાત્મક સુધારાને લઈ 2 વર્ષ પહેલા ગાંધી પરિવારથી નારાજ થયેલા G-23 નેતાઓ તેના સખત વિરોધમાં છે.
સોમવારે G-23ના નેતાઓએ કપિલ સિબ્બલના ઘરે બેઠક યોજી હતી અને પ્રશાંત કિશોરને મહાસચિવ પદે નિયુક્ત કરવાના પાર્ટીના નિર્ણય અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં સામેલ થયેલા એક નેતાએ જણાવ્યું કે, 'અમે ઉત્તર પ્રદેશમાં પ્રશાંત કિશોરને જોયો છે, તેમની સફળતા વિશિષ્ટ છે.' વધુમાં જણાવ્યું કે, 'તેમને (પીકેને) પાર્ટીમાં સામેલ કરવાના કોંગ્રેસના કોઈ પણ પ્રસ્તાવ અંગે કોંગ્રેસની વર્કિંગ ગ્રુપની બેઠકમાં ચર્ચા થવી જોઈએ.'
જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટની અને અંબિકા સોનીને પ્રશાંત કિશોર મુદ્દે પાર્ટીના નેતાઓના વિચારોના આધારે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ બેઠકમાં કપિલ સિબ્બલ ઉપરાંત ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, શશિ થરૂર, મનીષ તિવારી, ભૂપિંદર સિંહ હુડ્ડા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા.
Comments
Post a Comment