કાબુલમાં આઈએસના આતંકીઓ પર અમેરિકાની એરસ્ટ્રાઈક


કાબુલ એરપોર્ટ પર મંગળવાર પહેલાં વધુ આતંકી હુમલાની અમેરિકાની ચેતવણી

આઈએસ-ખોરાસનના આતંકીઓ વિસ્ફોટકો ભરેલા વાહનમાં એરપોર્ટ જતા હતા ત્યારે અમેરિકાનો હુમલો, બાળક સહિત ત્રણનાં મોત

અમેરિકાએ 1,000 લોકોને કાબુલ એરપોર્ટમાંથી બહાર કાઢ્યા અફઘાનિસ્તાન છોડવા અમેરિકા પાસે હવે એક જ દિવસ અંદરાબી ખીણમાં તાલિબાન ફાઈટરે લોક ગાયકને ઠાર કર્યો 

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ રવિવારે ફરી એક વખત વિસ્ફોટથી ધૂ્રજી ઊઠી હતી. કાબુલ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારોમાં આ વિસ્ફોટ થયો હતો. અમેરિકન સૈન્ય તેના સૈનિકો અને હજારો અફઘાનોને કાબુલ એરપોર્ટ પરથી બહાર લઈ જવાનું અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી હતી.

હુમલાખોરો વિસ્ફોટકો ભરેલા વાહનમાં કાબુલ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અમેરિકાએ તેને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એક બાળક સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન અમેરિકાએ 31મી ઑગસ્ટની ડેડલાઈન પહેલાં લોકોને બહાર કાઢવાનું અભિયાન રવિવારે પણ ચાલુ રાખ્યું હતું. અફઘાનિસ્તાનમાં મંગળવાર પછી રચાનારૂં તાલિબાની શાસન કેવું હશે તેની આશંકાઓ વચ્ચે રવિવારે તાલિબાને એક લોક ગાયકની હત્યા કરી હતી.

તાલિબાનોના નિવેદનને પુષ્ટી આપતા અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલમાં આઈએસ-ખોરાસનના આતંકીઓને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને આ હુમલાની પુષ્ટી કરી છે.

તેમણે કહ્યું કે અમેરિકન સૈન્યે રવિવારે કાબુલમાં એક વાહન પર હવાઈ હુમલો કર્યો હતો. કાબુલ એરપોર્ટ બહાર આઈએસ-ખોરાસનના આતંકી હુમલામાં 200 લોકોના મોત નીપજ્યાંના ત્રણ દિવસ પછી તેમણે ફરી એરપોર્ટ પર હુમલાનું કાવતરૂં ઘડયું હતું. 

આઈએસ-ખોરાસનના આત્મઘાતી હુમલાખોરો કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જઈ રહ્યા હતા તેવા સમયે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને પગલે કાબુલ એરપોર્ટ પર આતંકીઓના હુમલાનું એક મોટું જોખમ ટળી ગયું છે. જોકે, અમેરિકાએ કાબુલ એરપોર્ટ બહાર હજી પણ મોટા આતંકી હુમલાની ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર આકાશમાં કાળા ધૂમાડા ઊઠતા ફૂટેજ સામે આવ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્ફોટ એરપોર્ટની ઉત્તરે રહેણાંક વિસ્તારમાં થયો હતો. બીબીસીએ પણ સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીને ટાંકીને રોકેટથી હુમલો થયો હોવાની પુષ્ટી કરી છે. આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે, જેમાં રહેણાંક વિસ્તારમાં એક ઘરમાંથી કાળો ધૂમાડો અને આગની જ્વાળા ઊઠતી જોવા મળે છે.

કાબુલ એરપોર્ટ બહાર આઈએસ-ખોરાસનના આત્મઘાતી હુમલાખોરોએ કરેલા બે વિસ્ફોટો પછી અમેરિકન પ્રમુખ જો બાઈડેને હુમલાના કાવતરામાં સંડોવાયેલા દરેક આતંકીને શોધી-શોધીને મારવાની ચેતવણી આપી હતી. ત્યાર પછી અમેરિકાએ સતત બીજા દિવસે આઈએસ-ખોરાસનના આતંકીઓ પર હુમલો કર્યો છે.

કાબુલ એરપોર્ટ પર ગુરૂવારે આતંકી હુમલા પછી અમેરિકન પ્રમુખ જો-બાઈડેને આગામી 24થી 36 કલાકમાં વધુ આતંકી હુમલાની પણ ચેતવણી આપી હતી. આ એલર્ટ પછી એરપોર્ટની આજુબાજુ સલામતી વ્યવસ્થાને સઘન બનાવાઈ છે. તાલિબાનોએ પણ કાબુલ એરપોર્ટની નજીકના વિસ્તારોમાં તેમની ચેકપોસ્ટ વધારી દીધી છે.

દરમિયાન અમેરિકન સૈન્યના કાર્ગો વિમાને મંગળવારની નિશ્ચિત સમય મર્યાદા પહેલાં રવિવારે કાબુલ એરપોર્ટ પરથી અમેરિકન નાગરિકો અને અફઘાનોને બહાર લઈ જવાનું અભિયાન ચાલુ રાખ્યું હતું. અમેરિકાએ રવિવારે એક હજાર લોકોને બહાર કાઢ્યા હોવાનું જણાવાયું હતું. અમેરિકાએ બે દાયકા લાંબા યુદ્ધ પછી 31મી ઓગસ્ટ સુધીમાં અમેરિકન દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.

અમેરિકન સૈન્યની વિદાય પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનથી હજારો નાગરિકો ભયભીત છે અને તેમને જૂના તાલિબાની શાસનનો ડર સતાવી રહ્યો છે. એવામાં તાલિબાનના એક ફાઈટરે બઘલાન પ્રાંતના અંદરાબી ખીણમાં એક લોક ગાયક ફવાદ અંદરાબીની ગોળી મારી હત્યા કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને હત્યારાને સજા કરવામાં આવશે.

અમેરિકાની પીછેહઠ ઝડપી બનતા તાલિબાનની સરકાર રચવાની તૈયારી

વિદેશી સહાય બંધ થતા અને દેશમાં દુષ્કાળને કારણે અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય કટોકટી સર્જાઈ શકે

કાબુલ : તાલિબાને શનિવારે ઘોષણા કરી કે આગામી સપ્તાહમાં તે નવી સરકારની જાહેરાત કરશે અને તેના આગમનના પગલે શરૂ થયેલી આર્થિક પડતી અને અફઘાની ચલણમાં થયેલો ઘસારો અટકશે એવી આશા દર્શાવી હતી.

અમેરિકાએ પોતાના નાગરિકો અફઘાનિસ્તાનમાંથી ખસેડવાની અને દળો પાછા ખેંચવાની કવાયત ચાલુ રાખતા અને 31 ઓગસ્ટની ડેડલાઈન અગાઉ જ દેશ છોડવાની તૈયારી દર્શાવતા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ઉપરોક્ત જાહેરાત કરી હતી.

મુજાહિદે ગુરૂવારે કાબુલ એરપોર્ટ ખાતે એક આત્મઘાતી હુમલાના પગલે ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર થયેલા અમેરિકી ડ્રોન હુમલાને વખોડી કાઢયા હતા અને આ પગલાને અફઘાનિસ્તાન પર હુમલા તરીકે ગણાવ્યો હતો.

તાલિબાની પ્રવક્તાએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોને તેમના દળો પાછા ખેંચ્યા બાદ રાજદ્વારી સંબંધો જાળવી રાખવાની અપીલ કરી હતી. અમેરિકી અને પશ્ચિમી દળો ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાન ખાલી કરશે એવી પણ આશા તેમણે વ્યક્ત કરી હતી. બીજી તરફ કાબુલમાં તાલિબાનના આગમન બાદ અફઘાની ચલણમાં થયેલા ઘસારા અને અનાજની વધેલી કિંમત તેમજ બેન્કો બંધ હોવાને કારણે ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે.

મુજાહિદે જણાવ્યું કે જાહેર આરોગ્ય સંસ્થાઓ અને શિક્ષણ તેમજ મધ્યવર્તી બેન્ક જેવી મહત્વની સંસ્થાઓના સંચાલન માટે અધિકારીઓની નિમણૂંક થઈ ચુકી છે. જો કે યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં અનેક સ્થળોએ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતા માનવીય સમસ્યા સર્જાઈ શકે છે. ચાર દાયકાના લોહિયાળ જંગ બાદ અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ વેરવિખેર થઈ ગઈ છે.

ઉપરાંત કાબુલમાં પશ્ચિમી દુતાલયો બંધ થતા તેને મળતી લાખો ડોલરની સહાય પણ હાલ બંધ થવાને આરે છે. મુજાહિદે જણાવ્યું કે એકવાર નવી સરકાર કાર્યરત થયા બાદ આર્થિક સ્થિતિ સુધરી શકે છે. વિદેશી ચલણ સામે અફઘાની ચલણમાં થયેલો ઘસારો અસ્થાયી છે અને પરિસ્થિતિને કારણે છે જેમાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા છે.

તાલિબાન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રનું વલણ નરમ થયું

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તાલિબાનનો આતંકી તરીકે ઉલ્લેખ ટાળ્યો

સંયુક્ત રાષ્ટ્ર : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યાના બે સપ્તાહ પછી તાલિબાન અંગે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ એટલે કે યુએનએસસીએ તેનું વલણ બદલ્યું છે. યુએનએસસીએ અફઘાનિસ્તાન મુદ્દે તેના તાજા નિવેદનમાં આતંકી તરીકે તાલિબાનનું નામ હટાવી દીધું છે.

હકીકતમાં કાબુલ પર કબજાના એક દિવસ પછી 16મી ઑગસ્ટે યુએનએસસી તરફથી અફઘાનિસ્તાન અંગે એક નિવેદન અપાયું હતું, જેમાં તાલિબાનને તેના ક્ષેત્રમાં આતંકવાદને સમર્થન નહીં કરવા માટે અપીલ કરાઈ હતી, પરંતુ યુએનએસસીએ 27મી ઑગસ્ટે કાબુલ એરપોર્ટ પરના હુમલાની ટીકા કરતાં જાહેર કરેલા નિવેદનમાં આતંકી પ્રવૃત્તિઓ મુદ્દે તાલિબાનનું નામ હટાવી દીધું છે.

હાલ ભારત પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રની સંપૂર્ણ સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે ત્યારે યુએનએસસીના વલણમાં ફેરફાર ઘણું જ સૂચક છે. કાબુલ હુમલાના બીજા દિવસે 27મી ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધી ટીએસ તિરૂમૂર્તિએ યુએનએસસી અધ્યક્ષ પરીષદ તરફથી એક નિવેદન આપ્યું હતું,

જેમાં 16મી ઓગસ્ટના લખેલા એક પેરાગ્રાફનું પુનરાવર્તન કરાયું હતું. આ પેરાગ્રાફ એટલા માટે ચોંકાવનારો છે, કારણ કે તેમાં તાલિબાનનું નામ નથી. પરંતુ કાબુલ પર તાલિબાનના કબજા પછી 16મી ઓગસ્ટે યુએનએસસીએ જે નિવેદન આપ્યું હતું તેના પેરાગ્રાફમાં તાલિબાનનું નામ હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો