ગુજરાતના ડેપ્યુટી CMએ કહ્યુંઃ 'દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો બધું ત્યાં સુધી છે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે'
- 'હું બધા વિશે વાત નથી કરી રહ્યો. મારે એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લાખો મુસલમાન દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે, તે બધા જ દેશભક્ત છે.'
નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખૂબ જ વિવાદિત અને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. વધુમાં જણાવ્યું કે, મારા શબ્દો લખી લો, જો હિંદુઓની સંખ્યા ઘટી તો તે દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે, કોઈ જ લોકશાહી નહીં, કોઈ બંધારણ નહીં રહે. બધું હવામાં દફનાવી દેવામાં આવશે.
ગાંધીનગર ખાતેના ભારત માતા મંદિરમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું. આ મંદિરને ગુજરાતનું પહેલું ભારત માતા મંદિર માનવામાં આવે છે. નીતિન પટેલે આ નિવેદન આપ્યું તે સમયે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને વીએચપી અને આરએસએસના ટોચના નેતાઓ ઉપસ્થિત હતા.
નીતિન પટેલે જણાવ્યું કે, 'આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરે છે. પરંતુ હું તમને કહી દઉં છું કે, જો તમે વીડિયો રેકોર્ડ કરવા માંગતા હોવ તો કરો.. મારા શબ્દો લખીને રાખી લો. બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો વગેરેની વાત કરનારાઓ એવું ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી આ દેશમાં હિંદુઓ બહુમતમાં છે.. જે દિવસે..હિંદુઓની સંખ્યા ઘટશે, બીજાઓની વૃદ્ધિ થશે, ત્યારે ન ધર્મનિરપેક્ષતા, ન લોકસભા અને ન બંધારણ. બધું જ હવામાં ઉડાડી દેવામાં આવશે. કશું જ નહીં રહે.'
આગળ કહ્યું કે, 'હું બધા વિશે વાત નથી કરી રહ્યો. મારે એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લાખો મુસલમાન દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે, તે બધા જ દેશભક્ત છે.'
Comments
Post a Comment