રાહુલ ગાંધીએ જલિયાંવાલા બાગમાં ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો, કહ્યું- 'હું આ અભદ્ર ક્રૂરતાની વિરુદ્ધ છું'
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2021 મંગળવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જલિયાંવાલા બાગ સ્મારકમાં થયેલા પરિવર્તનને શહીદોનુ અપમાન ગણાવ્યુ છે. આ વિષય પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે જલિયાંવાલા બાગના શહીદોનુ આવુ અપમાન તે જ કરી શકે છે જે શહાદતનો અર્થ જાણતા ના હોય. રાહુલ ગાંધીએ કહ્યુ કે હુ એક શહીદનો પુત્ર છુ અને શહીદોનુ અપમાન કોઈ પણ કિંમતે સહન કરીશ નહીં. અમે આ અભદ્ર ક્રૂરતાના વિરૂદ્ધ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જલિયાંવાલા બાગના પુનર્નિર્મિત પરિસરનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. જેને લઈને પીએમ મોદીની ખૂબ ટીકા થઈ રહી હતી. તાજેતરમાં જ ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યુ કે આ સ્મારકનું નિગમીકરણ છે. આધુનિક સંરચનાઓના નામે આ પોતાના અસલી મૂલ્ય ખોઈ રહ્યા છે.
આ વિષય પર થઈ રહી છે ખૂબ ટીકા
વામ દળના નેતા સીતારામ યેચુરીએ પણ જલિયાંવાલા બાગના નવીનીકરણની ટીકા કરી. તેમણે કહ્યુ કે આ અમારા શહીદોનું અપમાન છે. વૈશાખી માટે એકત્ર થયેલા હિંદુ, મુસ્લિમ, શીખના જલિયાંવાલા બાગ હત્યાકાંડે અમારા સ્વતંત્રતા સંગ્રામને ગતિ આપી, જે લોકો સ્વતંત્રતા સંગ્રામથી દૂર રહેલા તે આવુ કામ કરી શકે છે. કોંગ્રેસ નેતા હસીબાએ કહ્યુ કે જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં જશ્ન જેવી શુ ચીજ છે, જ્યાં લાઈટ અને સાઉન્ડની જરૂર હોય.
ઉલ્લેખનીય છે કે પીએમે જલિયાંવાલા બાગ સ્મારક સ્થળ પર વિકસિત કેટલીક મ્યુઝિયમ ગેલેરીઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કેમ્પસમાં લાંબા સમયથી બેકાર પડેલી અને ઓછા ઉપયોગવાળી ઈમારતોનો બીજીવાર અનુકૂળ ઉપયોગ સુનિશ્ચિત કરતા ચાર મ્યુઝિયમ ગેલેરીઓ બનાવાઈ છે. આ સાથે જ 13 એપ્રિલ 1919એ ઘટિત વિભિન્ન ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઈટ શોની વ્યવસ્થા કરવામાં આવી છે.
Comments
Post a Comment