તાલિબાનોના ડરથી પાંચ લાખ અફઘાનો દેશ છોડવા તૈયાર


(પીટીઆઈ) દુબઈ, તા.૨૭

કાબુલ એરપોર્ટ બહાર ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બે આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધીને 200 થયો છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે અને અમેરિકાએ આઈએસ દ્વારા વધુ હુમલાની ચેતવણી આપવામાં આવી છે તેમ છતાં કાબુલ એરપોર્ટ પર શુક્રવારે તાલિબાનોના શાસનના ડરથી દેશ છોડી રહેલા હજારો લોકોને બહાર કાઢવાનું અભિયાન ફરી શરૂ થઈ ગયું છે. અમેરિકાએ એક લાખ લોકોને કાબુલમાંથી બહાર કાઢ્યા છે. યુએનએચઆરસીએ દાવો કર્યો છે કે પાંચ લાખ અફઘાન નાગરિકો તાલિબાનોના ડરથી દેશ છોડવા માગે છે. તેણે અફઘાનિસ્તાનના પડોશી દેશોને સરહદો ખુલ્લી રાખવા વિનંતી કરી છે, જેથી કાબુલ એરપોર્ટથી દેશ ન છોડી શકે તે લોકો સરહદેથી પડોશી દેશમાં આશરો લઈ શકે. બીજીબાજુ હુમલાની જવાબદારી સ્વીકારનાર આઈએસે કબૂલ્યું હતું કે તેણે અમેરિકન સૈનિકો અને અફઘાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી સ્વીકારનાર આઈએસની શાખા ઈસ્લામિક સ્ટેટ-ખુરાસને શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે અમેરિકન સૈનિકો અને તેના અફઘાન સાથીઓ, તાલિબાનોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. આતંકવાદી જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારા બોમ્બરનો ફોટો પણ જાહેર કર્યો હતો. ફોટોમાં કથિત હુમલાખોર આઈએસના કાળા વાવટાની આગળ વિસ્ફોટકો સાથે ઊભેલો જોવા મળે છે. જોકે, આતંકી જૂથના નિવેદનમાં બીજા આત્મઘાતી હુમલાખોર અથવા બંદુકધારી હુમલાખોરો અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી. આઈએસના આ દાવાની હજી ચકાસણી થઈ શકી નથી.

આઈએસે-કેએ અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો કરવા બદલ તાલિબાનોને દગાખોર ગણાવ્યા હતા. તેણે કહ્યું કે તેના આત્મઘાતી હુમલાખોર કાબુલ એરપોર્ટ નજીક તાલિબાનોની સલામતી ચોકીઓને વટાવીને અમેરિકન સૈનિકો એકત્ર થાય છે ત્યાં સુધી પહોંચવામાં સફળ થયા હતા. 

અફઘાન અધિકારીઓએ કાબુલ એરપોર્ટ બહાર ગુરુવારે થયેલા હુમલામાંમૃત્યુઆંક વધવાની ભીતી વ્યક્ત કરી છે. એક અધિકારીએ કહ્યું હતું કે આ હુમલામાં ૧૧૫નાં મોત થયા છે, જેમાં ૯૫ અફઘાન નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં સેંકડો લોકોને ઈજા પહોંચી છે. અનેક મૃતકોની ઓળખ થઈ શકી નથી. 

દરમિયાન અમેરિકામાં બે દાયકા લાંબા ચાલેલા યુદ્ધ પછી તેના નેતૃત્વમાં નાટો દળોની અફઘાનિસ્તાનમાંથી પાછા નીકળવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ વધુ હુમલાની અમેરિકાએ ચેતવણી આપી છે. જોકે, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી તેના શાસનના ડરથી હજારો લોકો દેશ છોડવા કાબુલ એરપોર્ટ પર એકત્ર થઈ રહ્યા છે ત્યારે ગુરુવારના હુમલા પછી અમેરિકા સહિતના દેશોએ વધુ તિવ્ર ગતિએ લોકોને દેશમાંથી બહાર કાઢવાનું અભિયાન ફરી શરૂ કરી દીધું છે. 

અમેરિકાએ જણાવ્યું હતું કે, તેણે ૧૬મી ઑગસ્ટથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને કાબુલમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ હજુ પણ ૧,૦૦૦ અમેરિકનો અને અફઘાનિસ્તાનમાં અમેરિકન તેમજ નાટો દળોને મદદ કરનારા લાખો અફઘાન નાગરિકો દેશમાંથી બહાર નિકળવાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને અમેરિકન તથા અફઘાન નાગરિકોને કાબુલમાંથી બહાર કાઢવાના અભિયાનને ઈતિહાસનું સૌથી લાંબુ અને મહાકાય ઈવેક્યુએશન મિશન ગણાવ્યું છે.

અફઘાનિસ્તાનમાં લોકોને બહાર કાઢવાના મિશનની દેખરેખ રાખનાર જનરલ ફ્રેન્ક મેકકેન્ઝીએ જણાવ્યું હતું કે, ગુરુવારે ૫,૦૦૦ લોકો વિમાનમાં બેસવાની રાહ જોઈ રહ્યા હતા. શુક્રવારે વધુ લોકો કાબુલ એરપોર્ટ આવ્યા હતા. એરપોર્ટ પર ત્રણ બાળકો અને પત્ની સાથે પહોંચેલા જમશાદ નામના એક અફઘાને જણાવ્યું હતું કે, એરપોર્ટ પર હુમલા છતાં તેણે ત્યાં પહોંચવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તેને ખબર છે કે હજુ વધુ હુમલા થઈ શકે છે અને તે પહેલાં જ તે પરિવાર સાથે દેશ છોડવા માગે છે. એરપોર્ટ પર મોતનું જોખમ હોવા છતાં તેમની પાસે બીજો વિકલ્પ નથી. 

દરમિયાન મંગળવારે અમેરિકાના ૫,૦૦૦ સૈનિકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જાય તે પહેલાં જમશાદ જેવા લાખો લોકો છે જેઓ તાલિબાનોના ડરથી પશ્ચિમી દેશોમાં આશ્રય લેવા કાબુલ એરપોર્ટ પર દિવસોથી રાહ જોઈ રહ્યા છે. અમેરિકા શક્ય એટલા વધુ લોકોને બહાર કાઢી શકે તે માટે સાથી રાષ્ટ્રોએ તેમના અભિયાનો બંધ કરવાનું શરૂ કરી દીધું છે. બ્રિટને શુક્રવારે અફઘાનોને બહાર કાઢવા માટેનું તેનું અંતિમ અભિયાન પૂરું કરી દીધું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો