અફીણની ખેતી નહીં થવા દે તાલિબાન, કંધાર સહિત અફઘાનિસ્તાનના અનેક ક્ષેત્રોમાં જાહેર કર્યું ફરમાન
- તાલિબાનના આ ફરમાન બાદ અફીણનો ભાવ 70 ડોલર પ્રતિ કિગ્રાથી સીધો 200 ડોલર પ્રતિ કિગ્રા થઈ ગયો
નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ, 2021, સોમવાર
અફઘાનિસ્તાનમાંથી વિદેશી સેના પાછી ફરી રહી છે અને આ બધા વચ્ચે તાલિબાન હવે પોતાની સરકાર બનાવવા મક્કમ છે. તાલિબાન પોતાના રાજમાં અનેક બદલાવો લાવી રહ્યું છે અને તે અંગેની જાણકારીઓ આપવાનું પણ ચાલુ કરી દીધું છે. તેમાં એક મહત્વનો ફેરફાર એ છે કે, હવે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર રોક લગાવી દેવામાં આવી છે.
તાલિબાને અફઘાનિસ્તાનના અનેક ગામોમાં ખેડૂતોને આ ફરમાન સંભળાવી દીધું છે કે તેઓ અફીણની ખેતી ન કરે કારણ કે, તેને દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી રહ્યું છે. કંધાર અને તેની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે અફીણની ખેતી થાય છે અને હવે ત્યાંના ખેડૂતોને તે અટકાવવા કહેવામાં આવ્યું છે.
તાલિબાનના આ ફરમાનની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું છે અને અફઘાનિસ્તાનના માર્કેટમાં હવે અફીણનો રેટ વધી ગયો છે. લોકોને ખબર છે કે, આગળ જતા અફીણનું ભવિષ્ય સુનિશ્ચિત નથી. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તાલિબાન રાજમાં ડ્રગ્સને મંજૂરી નહીં મળે.
ભાવમાં વધારો
જાણવા મળ્યા મુજબ તાલિબાનના આ ફરમાન બાદ અફીણનો ભાવ 70 ડોલર પ્રતિ કિગ્રાથી સીધો 200 ડોલર પ્રતિ કિગ્રા થઈ ગયો છે. તાલિબાનનો આ નિર્ણય એટલા માટે પણ ચોંકાવનારો છે કે, લાંબા સમય સુધી તે પોતે પણ આ બિઝનેસનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં અફીણની ખેતી પર વસૂલી કરવામાં આવતી હતી અને તે તાલિબાનની કમાણીનું મહત્વનું માધ્યમ હતું.
તાલિબાનના આ નવા નિર્ણયને લઈ લોકોમાં ભારે નારાજગી છે. જોકે તેમના પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. અમેરિકાએ પણ લાંબા સમય સુધી અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર અંકુશ માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ નહોતું થયું. અફઘાનિસ્તાનમાંથી અફીણ મોટા પ્રમાણમાં અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.
Comments
Post a Comment