કોરોનાઃ 70% કરતા વધારે કેસ સાથે ડરાવી રહ્યા છે કેરળના આંકડા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,759 કેસ, 509ના મોત
- કેરળ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર
ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી એક વખત વધારો થવા લાગ્યો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 46,759 કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 3,26,49,947 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3,59,775 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 46,759 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 31,374 કોરોના દર્દીઓ સાજા થયા છે. તે સિવાય પાછલા 24 કલાકમાં 509 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.
દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દર એટલે કે, રિકવરી રેટની સરખામણીએ પોઝિટિવિટી રેટમાં વધારો થયો છે. આ કારણે કોરોના સંક્રમિતોના આંકડામાં ફરી એક વખત વધારો થયો છે. ભારતમાં હાલ કોરોનાના 3,59,775 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,18,52,802 દર્દીઓ આ મહામારીને માત આપીને સાજા થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 5 રાજ્યોમાંથી કોરોનાના નવા 89.42% કેસ સામે આવ્યા છે. તેમાં માત્ર કેરળમાંથી જ 70.15% કેસ છે. છેલ્લા 24 કલાકમાં 509 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી સૌથી વધારે કેરળમાં 179 દર્દીઓના મોત થયા છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં 170 કોવિડ દર્દીઓના મોત થયા છે. ભારતમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.56% છે.
કેરળમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32,801 નવા કેસ સામે આવ્યા છે અને હાલ કેરળમાં કોરોનાના 1.95 લાખ કરતા પણ વધારે કેસ એક્ટિવ છે. આ સાથે જ રાજ્યનો સંક્રમણ દર વધીને 19.22 થઈ ગયો છે. કેરળ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
Comments
Post a Comment