વર્ષની અંતિમ 'મન કી બાત': વડાપ્રધાને કહ્યું- કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે


નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિએન્ટના જોખમ પ્રત્યે ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે. ઓમિક્રોન પર સતત સંશોધન ચાલુ છે.  આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને પરાસ્ત કરી શકશે. વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવા માટે આપણને અનુશાસનની જરૂર છે. આ ભાવના સાથે જ આપણે 2022માં પ્રવેશ કરવો પડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગ્રીસના વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવેલા 'વંદે માતરમ'નો ઉલ્લેખ કર્યો હતો અને તેનો વીડિયો પણ બતાવ્યો હતો. 

વડાપ્રધાને તમિલનાડુ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, 'નભઃ સ્પૃશં દીપ્તમ્' એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. તે ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે. મા ભારતીની સેવામાં લાગેલા અનેક જીવન દરરોજ આકાશની આ બુલંદીઓને ગર્વ સાથે સ્પર્શે છે અને આપણને ઘણું બધું શીખવે છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું જીવન પણ આવું જ રહ્યું...

વરૂણ સિંહ પણ મૃત્યુ પહેલા અનેક દિવસો સુધી બહાદુરીપૂર્વક લડ્યા પરંતુ પછી તેઓ પણ આપણને છોડીને જતા રહ્યા. વરૂણ સિંહ એ હેલિકોપ્ટરને ઉડાવી રહ્યા હતા જે આ મહિને તમિલનાડુ ખાતે દુર્ઘટનાનો શિકાર બન્યું. તે દુર્ઘટનામાં આપણે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત અનેક વીરોને ગુમાવ્યા. વરૂણ સિંહ જ્યારે હોસ્પિટલમાં હતા તે સમયે મેં સોશિયલ મીડિયામાં એવું કશું જોયું જે મારા હૃદયને સ્પર્શી ગયું.  

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહે પોતાની અસફળતાઓ અંગે વાત કરી

વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે ઓગષ્ટમાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન બાદ તેમણે પોતાની શાળાના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે, જે શાળામાં તેઓ ભણ્યા ત્યાંના વિદ્યાર્થીઓની જિંદગી પણ એક સેલિબ્રેશન બને. આ ચિઠ્ઠી વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા બાદ પણ તેઓ મૂળને સિંચવાનું નથી ભૂલ્યા. જ્યારે તેમના પાસે ઉજવણીનો સમય હતો ત્યારે તેમણે ભાવિ પેઢીની ચિંતા કરી. પોતાના પત્રમાં વરૂણ સિંહે પોતાના પરાક્રમના વખાણ નહોતા કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી હતી. કઈ રીતે તેમણે પોતાની ઉણપને ક્ષમતામાં બદલી. 

બુક રીડિંગ લોકપ્રિય બનાવવા પ્રયત્ન થાય

વડાપ્રધાને કહ્યું કે, એવા સમયે જ્યારે આપણો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, બુક રીડિંગ મહત્તમ લોકપ્રિય બને તે માટે આપણે સૌએ મળીને પ્રયત્ન કરવો પડશે. તેમણે જનતાને વિનંતી કરી હતી કે, સૌ એ 5 પુસ્તકો વિશે જણાવે જે તેમના ગમતાં હોય. આ રીતે તમે 2022માં અન્ય વાચકોને સારા પુસ્તકો પસંદ કરવામાં મદદરૂપ બની શકશો. વધુમાં કહ્યું કે, 'હું આજકાલ જોઉં છું કે, લોકો એ ગર્વથી કહે છે કે, આ વર્ષે તેમણે કેટલા પુસ્તકો વાંચ્યા અને હવે આગળ કયા પુસ્તકો વાંચવાના છે. આ એક સારો ટ્રેન્ડ છે જેને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે, પુસ્તકો ફક્ત જ્ઞાન જ નથી આપતા પરંતુ વ્યક્તિત્વની માવજત પણ કરે છે અને જીવનને પણ ઘડે છે. પુસ્તકો વાંચવાનો શોખ એક અદભૂત સંતોષ આપે છે.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો