ધર્મ સંસદમાં હવે મહાત્મા ગાંધી અંગે વિવાદિત નિવેદન, સંતે કહ્યા અપશબ્દો, દેશદ્રોહના કેસની માગ


- કાલીચરણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર

દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ 'ધર્મ સંસદ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સામેલ થનારા સાધુ-સંતો પોતાના વિવાદિત નિવેદનો દ્વારા ચર્ચામાં આવી રહ્યા છે. રવિવારે ધર્મગુરૂ કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકોએ ધર્મની રક્ષા માટે સરકારના પ્રમુખ તરીકે એક કટ્ટર હિંદુ નેતાની પસંદગી કરવી જોઈએ. 

છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે આયોજિત ધર્મ સંસદમાં ભાષણ આપતી વખતે કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિરૂદ્ધ એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેની કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. 

કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ટ્વિટમાં કડવાશભર્યા શબ્દોમાં લખ્યું હતું કે, 'આ ભગવાધારી ફ્રોડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જાહેરમાં ગાળો આપી રહ્યો છે, તેને તાત્કાલિક અંદર કરવો જોઈએ. ગાંધીજીથી કોઈને વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ તેમનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. આ અક્ષમ્ય અપરાધ છે.'

મહારાષ્ટ્ર સરકારમાં ઉર્જા મંત્રી ડો. નીતિન રાઉતે લખ્યું હતું કે, 'આ કેવો દેશ બનાવી દીધો નરેન્દ્ર મોદીજી તમે? જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જાહેર મંચ પરથી ગાળો આપવામાં આવી રહી છે અને સામે બેઠેલા લોકો તાળીઓ વગાડી રહ્યા છે. તેમના પર દેશદ્રોહ લગાવી દો, તે જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે.'

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે લખ્યું હતું કે, 'સત્ય, અહિંસાને જૂઠા અને હિંસક કદી હરાવી ન શકે. બાપુ અમે શરમ અનુભવીએ છીએ કે તમારા કાતિલ જીવે છે.'

AAPએ કરી ટીકા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ પોતાની આકરી પ્રતિક્રિયા નોંધાવી છે. આપ દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, આ કોણ છે જે આપણા રાષ્ટ્રપિતાને ગાળો આપી રહ્યું છે? મોદીજી કશું કરશો કે પછી આમને પણ ફક્ત 'દિલથી માફ નહીં કરી શકો.'

આ છે સમગ્ર કેસ

હકીકતે રાયપુરના રાવણ ભાટા મેદાન ખાતે આયોજિત 2 દિવસીય કાર્યક્રમના સમાપનના દિવસે કાલીચરણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે. આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો... તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો કરી લીધો હતો... નાથુરામ ગોડસેને સલામ કરૂ છું કે, તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.'

મહંત રામસુંદર દાસે છોડ્યો મંચ

કાલીચરણની ટિપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસે કહ્યું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેનારા રાષ્ટ્રપિતા વિરૂદ્ધ આ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. દાસે કહ્યું કે, જે ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું તે પોતાનો રસ્તો ભટકી ગયા છે... આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. હું આયોજકોને પુછવા માગતો હતો કે, તેમણે આ પ્રકારનો વાંધો કેમ ન ઉઠાવ્યો? રાષ્ટ્રપિતા માટે શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.. મને દુખ છે પરંતુ હું મારી જાતને આ આયોજનથી દૂર કરી રહ્યો છું. ત્યાર બાદ દાસ મંચ પરથી જતા રહ્યા હતા. 

પહેલા એ સાબિત કરો કે કાલીચરણ એક સંત છે 

કાલીચરણની ટિપ્પણી અંગે સવાલ કરવામાં આવતા કાર્યક્રમના આયોજક નીલકંઠ ત્રિપાઠીએ કહ્યું કે, તેઓ પૂર્વના નિવેદનથી સંપૂર્ણપણે અસહમત છે. તેને લઈ પ્રદેશ કોંગ્રેસ કોમ્યુનિકેશન વિંગના પ્રમુખ સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે, મહાત્મા ગાંધી વિરૂદ્ધ આ પ્રકારના અપમાનજનક શબ્દોનો ઉપયોગ ખૂબ જ વાંધાજનક છે. કાલીચરણે પહેલા એ સાબિત કરવું જોઈએ કે તે એક સંત છે. 

TMC સાંસદ હરિદ્વાર મામલે ભડક્યાં

આ તરફ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ હરિદ્વારની ધર્મ સંસદમાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણોને લઈ ટ્વિટ કરી છે. તેમણે આગ્રહ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટે વકીલોના પત્ર પર ધ્યાન આપવું જોઈએ જેમાં હરિદ્વાર અને દિલ્હીના ભડકાઉ ભાષણ મામલે સ્વત: સંજ્ઞાન લેવા વિનંતી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ગત 17થી 19 ડિસેમ્બર દરમિયાન હરિદ્વાર ખાતે પણ ધર્મ સંસદનું આયોજન થયું હતું. જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીની અધ્યક્ષતામાં આયોજિત તે ધર્મ સંસદમાં સાધુ-સંતોએ હિંદુત્વને લઈ વિવાદિત અને અલ્પસંખ્યકોને ટાર્ગેટ કરીને ભાષણ આપ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે