માતા વૈષ્ણોદેવી ધામ દુર્ઘટના, સવારે ફરીથી દર્શનયાત્રા પુનઃસ્થાપિત, 10 લાખના વળતરની જાહેરાત
- તમામ ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેમની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ વહન કરશે
નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી અને ત્યાર બાદ ઘટના સ્થળે તે સ્થળે ઘણાં સમય સુધી અફરાતફરી મચેલી રહી હતી. ઘટના સ્થળે પહોંચેલા પ્રશાસનિક અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના લોકોએ ઘાયલોને બાણગંગા હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ હોય તેવા લોકોને અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
માતા વૈષ્ણોદેવી ભવનમાં મચેલી ભાગદોડમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તે સિવાય 13 લોકોને ઈજાઓ પહોંચી છે જેથી તેમને બાણગંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા ભવન ખાતે પહોંચી ગયા હતા. ઉપરાજ્યપાલે અધિકારીઓ પાસેથી દુર્ઘટનાના કારણ અંગેની જાણકારી માગી છે અને હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
એલજી મનોજ સિન્હાએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડના કારણે શ્રદ્ધાળુઓના મોત મામલે ગાઢ દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તે સિવાય તમામ ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેમની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ વહન કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને ટ્વિટરના માધ્યમથી ખાતરી આપી હતી કે, પ્રશાસન ઘાયલોને સારાવર પહોંચાડવા માટે નિરંતર કાર્યરત છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
Comments
Post a Comment